ચંબાઃ હિમાચલ પ્રદેશના પહાડી રસ્તાઓ પર વધુ એક વખત રક્તરંજિત અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં બુધવારે મોડી રાત્રે આશરે 2 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મસરૂંડ-હમલ માર્ગ પર એક તેજ રફતાર વાહન બેકાબૂ થઈને સીધું ઊંડી ખીણમાં ખાબક્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનના કુરચે-કુરચા ઊડી ગયા હતા અને તેમાં સવાર તમામ 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
મુંડન સંસ્કારની વિધિ પતાવીને પરત ફરી રહ્યા હતા તમામ લોકો
વધારે વિગતે વાત કરવામં આવો તો, આ મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતનો ભોગ બનેલી બોલેરો ગાડી ગ્રામ પંચાયત કુઠેડના મહલ ગામની હતી. મહલ ગામના કેટલાક લોકો પંચાયતના જ કાકડોથા ગામમાં આયોજિત એક બાળકના મુંડન સંસ્કારના પ્રસંગમાં સામેલ થવા ગયા હતા. ત્યાં રાત્રિ ભોજન બાદ તમામ લોકો બોલેરો ગાડીમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે મધ્યરાત્રિએ કાળ નડ્યો અને તેમનું મોત થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને આસપાસના ગ્રામજનો રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અંધારું અને વિસ્તાર અત્યંત દુર્ગમ હોવા છતાં ગ્રામજનોએ ખીણમાં ઉતરીને ભારે જહેમત બાદ તમામ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, જે સ્થળે આ ભયાનક અકસ્માત સર્જાયો છે ત્યાં સડકના કિનારે કોઈ પણ પ્રકારના સુરક્ષા પ્રબંધ અથવા ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા નથી. જો પહાડી રસ્તા પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોત, તો ગાડી ખીણમાં પડતી બચી ગઈ હોત અને આટલા મોટા અકસ્માતને ટાળી શકાયો હોત!
ચંબા જિલ્લામાં બે દિવસમાં થયેલા બે મોટા અકસ્માતો
હાલમાં પોલીસે ગુનો નોંધી અકસ્માતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, ચંબા જિલ્લામાં અકસ્માતનો આ સિલસિલો અહીં જ નહોતો અટક્યો. આ ઘટનાના માત્ર એક દિવસ પહેલા જ NH-154A પર બનીખેત-ચમ્બા માર્ગ સ્થિત 'ડેમ વ્યુ પોઇન્ટ' પાસે પણ એક ભયંકર અકસ્માત થયો હતો. અહીં એક કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા ઉપરના રોડ પરથી સીધી નીચે આવેલી ઊંડી ખીણમાં ખાબકી હતી અને ગબડતી-ગબડતી છેક નીચે ચોહડા ડેમ માર્ગ સુધી પહોંચી ગઈ હતી. કારમાં બે લોકો સવાર હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસે ભારે મુશ્કેલીથી કારના પતરા તોડીને બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ થવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા.