Thu Jun 18 2026

Logo

મા-બાપની સેવાનો નિયમ...

2026-06-18 09:59:00
Author: Kaushik Mehta
Article Image

કૌશિક મહેતા

ડિયર હની,
છેલ્લા થોડા સમયથી બે વાત કાને બહુ અથડાયા કરે છે. અને એ છે ઘરના વડીલ સભ્યો વિશે... દીકરો પરણી જાય અને નવી વહુ ઘરમાં આવે એ પછી મા-બાપની હાલત કફોડી થાય છે. એમને સાચવવાની વાત આવે તો દીકરા-વહુ બેદરકારી દાખવે છે. એ જ રીતે છોકરા-છોકરીના સંબંધની વાત ચાલે તો છોકરી હવે એ જરૂર પૂછે છે કે ‘તમારા ઘરમાં વડીલો કેટલા?’ નવા સબંધ થવામાં આ મુદો મહત્ત્વનો બનતો જાય છે.

મુદો એ છે કે ઘરના વડીલોને સાચવવાની વાત આવે ત્યાંથી સમસ્યા શરૂ થાય છે. હમણાં એક વીડિયો ક્લિપ સાંભળતો હતો જેમાં ‘બીએપીએસ’ના સ્વામી અને જાણીતા વક્તા જ્ઞાનવત્સલ સ્વામીએ એક કિસ્સો કહ્યો. એમણે કહ્યું કે એક અમારા મિત્ર છે. નવસારી રહે છે અને એમની ઑફિસ છે સુરત.

મ્યુચ્યુઅલ ફંડમાં બહુ મોટું કામકાજ છે. દેશનાં 20 શહેરોમાં એમની ઑફિસ છે. એકવાર એમને પૂછ્યું કે ‘આ રોજ તમે નવસારીથી સુરત અપ-ડાઉન કરો છો. તો કેટલો સમય જાય, આવવા-જવાના બે કલાક થઈ જાય તો શા માટે સુરત જ આવી જતા નથી? આમ તો તમારી ઑફિસ મુંબઈ જેવા મહાનગરમાં હોવી જોઈએ ... એટલું બધું તમારું કામકાજ છે.’ 

સ્વામીજી કહે, પેલા મિત્ર આ પ્રશ્ર્ન સાંભળીને ધીમું હસ્યા. મેં કહ્યું કે ‘આ પાછળ કોઈ અંગત કારણ હોય તો મને જવાબ આપવાની જરૂર નથી...’

પછી મિત્રએ જે જવાબ આપ્યો એ મને સ્પર્શી ગયો.

પેલા ભાઈએ કહ્યું કે ‘મારાં મા-બાપ નવસારીમાં જ મોટાં થયાંછે. એમની ઉંમર થવા આવી છે. એમનું મિત્ર વર્તુળ, ઓળખીતા પાળખીતા થોડા નવસારીમાં બચ્યા છે. એમને સુરત કે મુંબઈમાં ના ફાવે...’ 

જ્ઞાનવત્સલ સ્વામી ઉમેરે છે કે આટલી વાત પછી જે એમણે વાત કરી એ તો ગજબ હતી. એમણે કહ્યું કે મારો અને મારી પત્નીનો એક નિયમ છે. રોજ રાત્રે બધાએ સાથે જમવાનું. હું સુરતથી નવસારી જાઉં અને પછી અમે બધા સાથે બેસી જમીએ. થોડી વાતો થાય. અને સુવા જવાનો સમય થાય એટલે મા-બાપ એમના રૂમમાં જાય. અમે પણ એમના રૂમમાં જઈએ. હું પિતાજીના પગ દબાવું અને મારી પત્ની માના પગ દબાવે.

થોડીવાર એ ચાલે અને બંનેને ઊંઘ આવવા લાગે એટલે અમે રૂમમાંથી બહાર જઈએ. સ્વામીજી,  આ રીતે મા- બાપની સેવા કરવાનો મોકો મને રોજ મળે છે. મારે એટલે જ સુરત કે અન્યત્ર જવું નથી. આ સેવાનો લાભ છે એ ખોવો નથી...’

આ કિસ્સો સાંભળીએ એટલે આંખ ભીની થઈ જાય છે. હું તને આ વીડિયો ક્લિપ મોકલીશ, તું સાંભળીશ તો તારી પણ આંખ ભીની થઈ જશે. આમ તો આ ક્લિપ બહુ વાઇરલ થયેલી છે.

આવા કિસ્સા એક નહિ અનેક છે, પણ ખબર નહિ આમ છતાં કેમ એવી ફરિયાદ ઊઠે છે કે છોકરા વહુઆરુ મા-બાપની સેવા કરતાં નથી. શું આવા પ્રસંગો આપણા માટે કોઈ ટીવી સિરિયલ કે ફિલ્મનો એક ભાગ છે. ઘણીવાર એ જોતાં આપણી આંખો ભીની થઈ જતી હોય છે. પણ થોડી વારમાં બધું હતું એવું જ થઈ જાય છે.

સંતાનો એમનાં મા-બાપને વદ્ધાશ્રમમાં મૂકીએ આવે છે એવું આપણે સાંભળીએ ત્યારે જીવ કકળે છે કે જેમણે તમને મોટા કર્યા એ મોટા થયા ત્યારે તમે તમારી ફરજ ચૂકી ગયા?

મને દુલા ભાયા કાગ એટલે કે કાગબાપુ યાદ આવી જાય છે... એમણે મા-બાપ વિશે દુહાઓ કેવા લખ્યા છે!

મોઢે બોલું મા, તું મને સાંભરે રે
હજી નાનપણ સાંભરે,
આ તો મોટપની મજા,
મને કડવી લાગે કાગડા!

કાગબાપુએ પિતા અને માતાના ઉપકારોને યાદ કરતો બીજો એક અદ્ભુત દુહો પણ આપ્યો છે...

પેટ દીધાં એણે પાંજરાં, લોહી દીધાં કરી લાલ;
ઈ ધાવણ કેમ ભૂલાય, કાળજું કાપી આપિયું કાગડા!

કેટલીક વાર છોકરા છોકરીના સબંધનાં કિસ્સા સાંભળીએ ત્યારે હાયકારો નીકળી જાય છે. છોકરી પૂછે છે, ‘તારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે? એટલે કે ઘરમાં મા-બાપ અને વડીલો કેટલા?!’ આ કોઈ પરિભાષા છે? નવી પેઢી ઘણી બધી રીતે સ્માર્ટ છે એ સ્વીકાર્ય પણ વડીલો માટે આવી વિચારસરણી?

એક કિસ્સામાં તો છોકરીએ એમ કહ્યું કે ‘તું અમદાવાદમાં રહે છે, ફ્લૅટ છે પણ તારા મા-બાપ તો વતનમાં રહે છે, તો ત્યાં જાય છેને?’ ને  છોકરાએ કહ્યું કે, એ તો જાઉં જ ને... છોકરીએ આવાં કારણોસર સબંધ માટે ના પાડી દીધી. આ જ છોકરાઓ વિદેશમાં હોય અને પત્ની ગર્ભવતી થાય, ડિલિવરીનો સમય નજીક આવે ત્યારે એને દેશમાં વસતાં મા-બાપ જરૂર યાદ આવે છે.

આપણે ઉપગ્રહો છોડીએ છીએ પણ કેટલાક પૂર્વગ્રહ છોડી શકતા નથી. આ એક સામાજિક સમસ્યા છે અને એનો વ્યાપ વધતો જાય છે. એનો કોઈ ઉકેલ આવે એ જરૂરી છે. કોણ એ લાવી શકશે?
તારો બન્ની