Thu Jun 18 2026

Logo

કીર્તિ પટેલે ગુજરાતના ક્યા મંત્રીના પગ ધોઈને પાણી પીવાનું કર્યું એલાન ? શું મૂકી છે શરત ?

2026-06-18 09:42:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ કીર્તિ પટેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. તેણે ગુજરાતના મંત્રીના પગ ધોઈને પાણી પીવાનું એલાન કરતાં રાજકીય ગરમાવો આવ્યો હતો. જોકે આ માટે તેણે શરત મૂકી હતી.

શું છે મામલો

રાજ્યમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કીર્તિ પટેલ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના ભાવનગરમાં આવેલા કાર્યાલય પર પહોંચી હતી. તેણે કહ્યું કે, જો જીતુ વાઘાણી 15 દિવસમાં ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવી દેશે તો હું તેના પગ ધોઈને પાણી પીશ.

કીર્તિ પટેલે કહ્યું, કૃષિ મંત્રી જીતુ વાઘાણી પોતે ખેડૂતના દીકરા હોવાથી ખેડૂતોના પ્રશ્ન સારી રીતે સમજી શકે છે. મને તેમના પર ન્યાય અપાવવાનો પૂરો ભરોસો છે. તેણે રજૂઆત કરતાં જણાવ્યું કે, ખેડૂતોન ભલા માટે જો જરૂર પડે તો તે કૃષિ મંત્રીના પગે પડીને પણ વિનંતી કરવા તૈયાર છે. જો ખેડૂતોને ન્યાય મળશે તો તેઓ મંત્રીના પગ ધોઈને પાણી  પીવા પણ તૈયાર છું. મારે કોઈ જશ નથી ખાટવો, માત્ર ખેડૂતોનું ભલું ઈચ્છું છું.

15 દિવસનું આપ્યું અલ્ટીમેટમ

કીર્તિ પટેલે અલ્ટીમેટમ આપતાં જણાવ્યું, જો 15 દિવસમાં ખેડૂતોની માંગણીઓ અને વળતર અંગે કોઈ સારો નિર્ણય નહીં આવે તો તે સોશિયલ મીડિયાના અન્ય સ્ટાર્સ અને ગુજરાતના યુવાનોને સાથે રાખીને ફરી ઉગ્ર રજૂઆત કરશે. આ ઉપરાંત કીર્તિ પટેલ કહ્યું, અત્યાર સુધી રાજકીય પક્ષો ખેડૂતોના નામે માત્ર ને માત્ર પોતાનું જ રાજકારણ કરતા હતા અને નુકસાન ખેડૂતોને થતું હતું પણ હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે.

કીર્તિ પટેલે કેમ ખેડૂત મુદ્દો ઉઠાવ્યો

કીર્તિ પટેલે પોતે ખેડૂતની દીકરી હોવાનું ગૌરવ વ્યક્ત કરતા કહ્યું કે, સોશિયલ મીડિયા પર ખેડૂતોના અનેક મેસેજ આવ્યા બાદ તેણે ખેડૂતોને હક અપાવવા માટે આ લડત ઉપાડી છે.

 

કોણ છે કીર્તિ પટેલ

કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઈનર હતી. તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ફેમસ થઈ હતી. જોકે સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ તે વિવિધ વિવાદમાં આવી હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે. "એની માને" ડાયલોગથી ફેમસ કીર્તિ પટેલને ટ્રોલરો ટ્રોલ કરવાનો મોકો નથી છોડતા. અગાઉ પણ હાથી અને ઘુવડવાળા મુદ્દાને લઈને વીડિયો બનાવ્યા હતા અને જેમના કારણે ઘણાં વિવાદો સર્જાયા હતા. આ ઉપરાંત મૃગીકુંડમાં સ્નાન, ભારતીબાપુ આશ્રમ વીડિયો સહિત અનેક વિવાદમાં સપડાઈ છે.