Thu Jun 18 2026

Logo

ટપ્પર શરાબ પ્રકરણમાં મોટી કાર્યવાહી: દુધઈ પોલીસ મથકના બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, પોલીસ બેડામાં ફફડાટ

2026-06-18 11:58:00
Author: `Mumbai Samachar Team
Article Image


ભુજઃ અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાંથી સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા ઝડપી પાડવામાં આવેલા રૂા. ૭૯.૫૨ લાખના વિદેશી દારૂના હાઈપ્રોફાઈલ કેસમાં પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ચકચારી પ્રકરણમાં ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવા બદલ દુધઈ પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે આ આકરી ખાતાકીય કાર્યવાહીને સત્તાવાર સમર્થન આપ્યું છે.

સત્તાવાર વિગતો મુજબ, એલસીબીની ટુકડીએ દુધઈ પોલીસ મથકની હદમાં આવતા ટપ્પર ગામ નજીક દરોડો પાડીને કેમિકલ ટેન્કરમાંથી કટિંગ થતો રૂા. ૭૯,૫૨,૪૦૦ની કિંમતનો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે, દરોડાની પ્રાથમિક કાર્યવાહી વખતે ઘટનાસ્થળેથી એક પણ આરોપી ઝડપાયો નહોતો અને તમામ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ એલસીબીએ સઘન તપાસ હાથ ધરીને જગમાલ રામજી ભરવાડ, મંગલસિંઘ ઉર્ફે સરદાર પ્રતાપસિંઘ હરવંશી, મુખ્ય સુત્રધાર મહેશ ઉર્ફે પરેશ ધના મરંડ (આહીર) અને સોનુ બબનસિંઘ ભારદ્વાજ સહિત કટિંગ કરનારા અન્ય ૫ પરપ્રાંતીય મજૂરો મળી કુલ ૯ આરોપીઓને જુદા-જુદા વિસ્તારોમાંથી દબોચી લીધા હતા.

એલસીબીના આ સફળ ઓપરેશન બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે સમાંતર ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ગુપ્ત તપાસ દરમિયાન દુધઈ પોલીસ મથકના બે કર્મચારીઓની ગુનાહિત બેદરકારી અથવા બુટલેગરો સાથેની કથિત સંડોવણી સપાટી પર આવતાં જ એસપી સાગર બાગમારે બંનેને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

અગાઉ પૂર્વ કચ્છ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાખો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ અને કોલસાની ચોરી ઝડપી પાડી હોવા છતાં સ્થાનિક પોલીસ સામે ખાસ કોઈ નક્કર પગલાં લેવાયા નહોતા. પરંતુ આ વખતે એસપી દ્વારા સીધા સસ્પેન્શનના આદેશ કરાતાં પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. આ કડક પગલાંને પગલે પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ પોલીસ આલમમાં એવો ગણગણાટ પણ શરૂ થયો છે કે, આવા મોટા નેટવર્કમાં માત્ર નાના કર્મચારીઓ જ નહીં, પરંતુ જો કોઈ ઉચ્ચ અધિકારીઓની પણ બેદરકારી કે સંડોવણી ખુલે તો તેમની સામે પણ આવા જ આકરા પગલાં લેવાવા જોઈએ.

(ઉત્સવ વૈદ્ય)