ભરત ભારદ્વાજ
ઇરાન સાથેના યુદ્ધવિરામને મામલે અમેરિકા સામે બાંયો ચડાવીને બેઠેલા ઈઝરાયલે ચેતવણી આપી છે કે, ઈઝરાયલ પર ભીષણ આતંકવાદી હુમલો કરનારું સંગઠન હમાસ પાકિસ્તાન અને બાંગ્લાદેશની મદદથી ભારત પર મોટા હુમલાની ફિરાકમાં છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત, રુવેન અઝારે દાવો કર્યો છે કે, હમાસના આતંકવાદીઓના પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આંટાફેરા વધી ગયા છે.
હમાસના આતંકવાદીઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં છાવણીઓ બનાવીને સક્રિય છે અને ભારતમાં ગમે ત્યારે આતંકી હુમલો કરી શકે છે. અઝારના દાવા પ્રમાણે, ઈઝરાયલ લાંબા સમયથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હમાસની પ્રવૃત્તિઓ પર નજર રાખીને બેઠું છે. તેમાં ખબર પડી છે કે, હમાસનું હવે પછીનું ટાર્ગેટ ભારત છે.
અઝારના કહેવા પ્રમાણે તો, 7 ઓક્ટોબર, 2023ના દિવસે ઈઝરાયલમાં કરેલા આતંકવાદી હુમલા પછી હમાસના આતંકવાદીઓની હિંમત બહુ વધી ગઈ છે. તેમને એમ જ લાગે છે કે, આપણે ઈઝરાયલને રગદોળી શકીએ તો પછી દુનિયામાં ગમે ત્યાં આવા હુમલા કરી શકીએ. પોતાની હિંમતની ચકાસણી માટે હમાસે હવે ભારતને પસંદ કર્યું છે તેથી ભારતે અત્યંત સતર્ક રહેવું જરૂરી હોવાનો અઝારનો દાવો છે.
હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો કરીને 1200 લોકોને મોતને ઘાટ ઉતારેલા. હમાસે ઈઝરાયલને ઊંઘતું ઝડપીને એક સાથે જમીન, સમુદ્ર અને હવામાંથી ઇઝરાયલ પર હુમલો કરીને કાળો કેર વર્તાવેલો. હમાસનો શિકાર બનેલા 1,200 લોકોમાંથી મોટા ભાગના સામાન્ય નાગરિકો હતા ને કેટલાક વિદેશીઓ પણ હતી.
આ બધાંની જાહેરમાં માથાં કાપીને કે લાઈનમાં ઊભા રાખીને ગોળીઓ મારીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતા. હમાસના આતંકવાદીએ ઘણી યુવતીઓને હવસનો શિકાર બનાવીને બળાત્કાર કરેલા અને કેટલીક વિદેશી યુવતીઓ પર બળાત્કાર કરીને હત્યા કર્યા પછી તેમના મૃતદેહની સામે નગ્નાવસ્થામાં પરેડ પણ કરી હતી.
હમાસના આતંકવાદી કેટલાક વિદેશીઓ સહિત લગભગ 250 લોકોને ઉઠાવી પણ ગયા હતા અને બે વર્ષ સુધી બંદી બનાવીને રાખ્યા હતા. આ બંદીઓ પર અમાનવીય અત્યાચારો કરાતા હતા અને હમાસે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધેલી. ઈઝરાયલે સતત બૉમ્બમારો કરીને હમાસના આતંકવાદી ઠેકાણાં અને હમાસનું શાસન હતું એ ગાઝા પટ્ટીને ખેદાનમેદાન કરી નાંખ્યું પછી હમાસે ઘૂંટણીયે પડીને ઈઝરાયલીઓને છોડવા પડ્યા. ઈઝરાયલના રાજદૂતે આ ઘટનાનો ઉલ્લેખ કરીને ભારતને ચેતવ્યું છે.
ઈઝરાયલના રાજદૂતે બે દિવસ પહેલાં ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કરેલી. ભારત સરકારે તેની સામે કોઈ પ્રતિક્રિયા આપી નથી ને એ સ્વાભાવિક છે. આ બધા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ જાહેરમાં ચર્ચવાના વિષયો નથી. ભારત સરકારને આ પ્રકારની ઘણી ચેતવણીઓ મળતી હોય છે ને તેનું શું કરવું તેનો નિર્ણય સરકાર પોતાની રીતે લેતી જ હોય છે. સરકારે શું કાર્યવાહી કરી એ જાહેર કરવાની ના હોય કેમ કે રાષ્ટ્રીય સુરક્ષા અત્યંત સંવેદનશીલ મુદ્દો છે.
આ કારણે ભારત કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના બેસી રહે તેમાં કશું ખોટું નથી. ઈઝરાયલે રાબેતા મુજબ ખાનગીમાં આ ઈનપુટ્સ આપ્યા જ હશે ને ભારતે તેને ગંભીરતાથી લઈને પોતે લેવાનાં પગલાં લીધાં જ હશે. આ તો અઝારે ઈન્ટરવ્યૂમાં વાત કરી તેથી આપણને હમાસ તરફથી ખતરો હોવાની ખબર પડી, બાકી આ વાતની ખબર પણ ના થઈ હોત.
ઈઝરાયલના રાજદૂત ચોક્કસ વ્યૂહરચનાના આધારે આ બધી માહિતી આપી રહ્યા છે. ઈઝરાયલ ઈરાન સામે યદ્ધવિરામ માટે તૈયાર નથી ને પોતાને કનડતાં આતંકવાદી સંગઠનોને સાવ નેસ્તનાબૂદ કરીને જ જંપ લેવા માગે છે તેથી પોતાની તરફેણમાં માહોલ ઊભો કરવા મથે છે. ભારત સાથે ઈઝરાયલના વરસોથી સારા સંબંધ છે અને બંને મુસ્લિમ આતંકવાદીઓથી ત્રસ્ત છે તેથી ઈઝરાયલ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને પોતાની સાથે રાખવા માગે છે. અત્યારે ભારત તટસ્થ છે કેમ કે ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ બંને સાથે ભારતને સારા સંબંધો છે. ભારતને હમાસનો ડર બતાવાય તો ભારત ઈઝરાયલ ભણી ઢળી શકે એવી પણ ઈઝરાયલની ગણતરી હોઈ શકે છે.
પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથેની મિલિભગતમાં હમાસ ભારત પર હુમલાની ફિરાકમાં હોવાની ઈઝરાયલની વાત સાવ અધ્ધરતાલ પણ નથી કેમ કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંનેમાં ભારત વિરોધી માહોલ બહુ પ્રબળ છે. પાકિસ્તાની સરકાર અત્યારે પાકિસ્તાન આર્મીની તાબેદાર છે અને લશ્કરી વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરના ઈશારે વર્તે છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક રહેમાન ભારત વિરોધી નથી પણ બાંગ્લાદેશનું આર્મી ભારત વિરોધી છે. બાંગ્લાદેશનું આર્મી પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ અને આઈએસઆઈને લાલ જાજમ પાથરીને આવકારી રહ્યું છે.
તારીક રહેમાન વડા પ્રધાન બન્યા એ પહેલાં જ પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ બાંગ્લાદેશમાં ઘૂસી ગયેલું ને તેમને હાંકી કાઢવા તારીક રહેમાનનું ગજું નથી. પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈની મદદથી હમાસ પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઘૂસી ગયું હોય એ શક્યતા નકારી ના શકાય.
અત્યારે પાકિસ્તાન-બાંગ્લાદેશ અને હમાસ બંનેને એકબીજાની જરૂર છે. પાકિસ્તાનની ભારત સામે સીધા જંગની તાકાત નથી. પાકિસ્તાન પાંચમી કતારિયાઓને આગળ કરીને જ ભારત સામે યુધ્ધ લડે છે ને આતંકવાદ ફેલાવે છે. હમાસ તેમનો હાથો બનવા તૈયાર છે તો તેમને શો વાંધો હોય?
બાંગ્લાદેશમાં શેખ હસીનાને ઉથલાવ્યા પછી મુસ્લિમ કટ્ટરવાદીઓ સત્તા કબજે કરવાનાં સપનાં જોતા હતા. બાંગ્લાદેશમાં સત્તા મળે તો પાકિસ્તાનની મદદથી ભારતને રગદોળવાનાં શેખચલ્લી જેવાં દિવાસ્વપ્નોમાં કટ્ટરવાદીઓ રાચતા હતા. આર્મીએ પણ કટ્ટરવાદીઓને ગાદી પર બેસાડવા માટે છેક પૂંછડા લગીનું જોર લગાવી દીધેલું પણ બાંગ્લાદેશી પ્રજાએ શાણપણ બતાવીને કટ્ટરવાદી જમાતના બદલે રહેમાનની બાંગ્લાદેશ નેશનલ પાર્ટીને સત્તા સોંપતાં કટ્ટરવાદીઓ અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારી રહ્યા છે.
બાંગ્લાદેશની સરકાર તરફથી ભારત વિરોધી પ્રવૃતિઓ માટે સીધી કોઈ મદદ મળવાની નથી તેથી આર્મી અને પાકિસ્તાનના સહારે મનસા પૂરી કર્યા વિના છૂટકો નથી. ઈઝરાયલે મારી મારીને સુવ્વર બનાવી દેતાં હમાસના આતંકીઓ પણ ભાગતા થઈ ગયા છે.પહેલાં હમાસના આતંકી મિડલ-ઈસ્ટના દેશોમાં પડ્યાપાથર્યા રહેતા પણ ઈઝરાયલ ત્યાં પણ બોમ્બમારો કરી રહ્યું છે તેથી તેમને સલામત ઠેકાણું જોઈએ છે. બાંગ્લાદેશ અત્યારે તેમના માટે સલામત ઠેકાણું છે. આ સલામતીના બદલામાં ભારતમાં થોડા હુમલા કરવા પડ તો તેના માટે હમાસ તૈયાર જ હોય એ જોતાં ઈઝરાયલની ચેતવણી સાવ મોં-માથા વિનાની નથી જ.
ભારત આ ધમકીઓને પહોંચી વળવા પૂરેપૂરું સક્ષમ છે. ભૂતકાળમાં અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સહિતનાં આતંકવાદી સંગઠનો ભારતમાં હુમલાની ચેતવણી આપી ચૂક્યાં છે પણ કદી હુમલો ના કરી શક્યાં. પાકિસ્તાનનાં પીઠ્ઠુ આતંકવાદી સંગઠનોને પણ ભારત ખોખરું કરી જ રહ્યું છે એ જોતાં હમાસ કોઈ ગુસ્તાખી કરશે તો તેની હાલત પણ ખરાબ થશે જ.