અર્લિંગ્ટન: ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લૅન્ડે અહીં 23મા ફિફા વર્લ્ડ કપમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને ત્રણ પોઇન્ટ સાથે ગ્રૂપ-એલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું.
હૅરી કેનના પેનલ્ટીથી કુલ પાંચ ગોલ
ઇંગ્લૅન્ડનો કેપ્ટન હૅરી કેન (Harry Kane) વર્લ્ડ કપના ઇતિહાસમાં પેનલ્ટી કિકથી (શૂટઆઉટની કિક નહીં) સૌથી વધુ પાંચ ગોલ કરનાર ખેલાડી બન્યો છે.
ઇંગ્લૅન્ડ (England) સતત ત્રીજા વર્લ્ડ કપમાં પ્રથમ મૅચ જીત્યું છે. ઇંગ્લૅન્ડે ફર્સ્ટ હાફમાં બે ગોલ કર્યા હતા. બંને ગોલ હૅરી કેનના હતા. એમાંથી એક ગોલ તેણે ક્રોએશિયાના ખેલાડીના ગંભીર ફાઉલને પગલે પગલે મળેલી પેનલ્ટી કિકમાં કર્યો હતો.
પહેલા હાફમાં ક્રોએશિયાએ પણ બે ગોલ કર્યા હતા અને સ્કોર 2-2ની બરાબરીમાં રહ્યો હતો. ક્રોએશિયા વતી બાટુરિના અને મુસાએ એક-એક ગોલ કર્યો હતો.
ઇંગ્લૅન્ડના 12 શૉટ, પણ ગોલ ચાર
સેકન્ડ હાફમાં બંને ટીમ વચ્ચેની રસાકસી વધુ તીવ્ર બની હતી. આખી મૅચમાં ઇંગ્લૅન્ડના 12 શૉટ્સ ઑન ટાર્ગેટ હતા જેની તુલનામાં ક્રોએશિયાના ફક્ત પાંચ હતા. જોકે બેલિંગમ અને રૅશફર્ડે એક-એક ગોલ કરીને ઇંગ્લૅન્ડને 4-2થી રોમાંચક વિજય અપાવ્યો હતો.
આર્જેન્ટિનાએ 3-0ના માર્જિન સાથે અલ્જીરિયાને જે મૅચમાં હરાવ્યું એને બાદ કરતા ઇંગ્લૅન્ડ-ક્રોએશિયાની મૅચ આ વખતની ટૂર્નામેન્ટની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ મેચ ગણાય છે.
અન્ય બે મૅચમાં શું બન્યું?
ફિફા વર્લ્ડ કપની પોર્ટુગલ-કૉન્ગો મૅચ પછીની બે મૅચના પણ રોમાંચક પરિણામ આવ્યા હતા. ઘાનાએ પનામાને 1-0થી અને કોલમ્બિયાએ ઉઝબેકિસ્તાનને 3-1થી હરાવ્યું હતું.