અમદાવાદઃ મહેસાણાના કડીના કરીમે 'આદિત્ય પટેલ' બની લગ્નની સાઈટ મારફતે સંખ્યાબંધ વિધવાઓને ફસાવી સંબંધ બાંધ્યા હતા. જોકે એક મહિલાએ ટ્રુ કોલર પર નામ ચેક કરતાં હકીકત સામે આવી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેટ્રોમોનિયલ સાઈટ જીવસાથી ડોટ કોમ પર હિન્દુ નામ ધારણ કરી અસહાય, છૂટાછેડા લીધેલી અને વિધવા હિન્દુ મહિલાઓને લગ્નની લાલચ આપી ફસાવતા એક રીઢા ગુનેગારની ધરપકડ કરી હતી. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે અને ચોંકાવનારા ખુલાસા થયા હતા.
વધુ એક મહિલાએ નોંધાવી ફરિયાદ
કરીમ સિપાહી નામના શખસે 'આદિત્ય પટેલ' એવું ખોટું હિન્દુ નામ ધારણ કરીને 100થી વધુ હિન્દુ મહિલાઓને પોતાની જાળમાં ફસાવી હતી. જે અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ અન્ય એક મહિલાએ પણ કરીમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ કરીમે આ મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ ધાક-ધમકી આપીને ખંડણી માગી હતી.
કરીમ અગાઉ પણ અન્ય એક મહિલા સાથે પોતાની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી ચૂક્યો છે અને જેલભેગો થઈ ચૂક્યો છે. હવે પોલીસ કરીમને આ પ્રકારના ગુનાઓ કરવામાં કોણ સાથ-સહકાર કે પીઠબળ પૂરું પાડતા હતા તેની તપાસ કરી રહી છે.
કરીમના ફોનમાંથી શું મળ્યું
કરીમ વીડિયો કોલ કરીને સ્ક્રીન રેકોર્ડિંગ કરતો હતો કરીમ આ વીડિયો એડલ્ટ વેબસાઇટોને ઊંચી કિંમતે વેચતો હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં તેણે 100થી વધુ મહિલાઓ અને યુવતીઓને ફસાવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસને કરીમના મોબાઇલ ફોનમાંથી 8,000થી વધુ ફોટો અને વીડિયો મળી આવ્યા છે. જેમાં 8 જેટલી મહિલાઓના નામના અલગ ફોલ્ડર હતા, જેમાં તે મહિલાઓના આપત્તિજનક રેકોર્ડેડ વીડિયો કોલ રાખવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કરીમ કોઈ ખાસ કામ ધંધો કરતો નહોતો. છેલ્લા થોડા મહિનાઓની છત્રાલની એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને આવક મર્યાદીત હતી. તેના વૈભવી ખર્ચ જોતાં તે મહિલાઓ પાસેથી નાણાં પડાવતો હોવાની અથવા વાંધાજનક વીડિયો ઊંચી કિંમતે વેચવાનું કૌભાંડ ચલાવતો હોવાની પ્રબળ શક્યતા છે. પ્રાથમિક તપાસમાં કરીમ સિપાઈએ 20 નહીં પરંતુ 100 જેટલી યુવતીઓ અને મહિલાઓને ટાર્ગેટ કરી હતી. તેના ફોનમાંથી મળી આવેલા ફોલ્ડર, ચેટ હિસ્ટ્રીના આધારે ભોગ બનનારી મહિલાઓને પણ સંપર્ક કરવામાં આવી શકે છે.
શું છે મામલો
મહેસાણાના કડીના સરઘાતાની ઘાટીમાં રહેતા કરીમે જીવનસાથી મેટ્રોમોનિયલ સાઈટ પર આદિત્ય પટેલના નામે પ્રોફાઈલ બનાવી હતી. તેમાં તેણે પોતાની ઓળખ પ્લાસ્ટિક મટીરિયલ્સના મોટા વેપારી તરીકે આપી હતી. આ નકલી ઓળખ દ્વારા તે વિધવા, ત્યકતા મહિલાઓ સાથે સંબંધો કેળવતો અને વિશ્વામાં લેતો હતો. વિશ્વાસ જીત્યા બાદ લગ્નનું બહાનું આપીને તે મહિલાઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં વીડિયો કૉલ કરતો અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતો હતો. ટ્રુ કોલરમાં તેનું અસલી નામ આવતાં તેની અસલીયત સામે આવી હતી.