જૂઈ પાથ
સંગીતાબહેનના દીકરાનાં લગ્ન થયા. વહુનાં પિયરથી બેગ ભરીને પહેરામણી આવી. સગાઓમાં સાડી, કાપડ, ભેટ સોગાત વહેંચ્યા પછી જે કંઈ બચી ગયુ એ સંગીતાબહેને સાચવીને કબાટમાં મૂક્યું. એ પછી વારે તહેવારે વહુને ત્યાંથી આવેલી વસ્તુઓ જ બધાને પોતાનાં અંગત વહેવારમાં આપે. બે વર્ષે પછી સંગીતાબહેનને એક સાડી ભેટમાં મળી.
એમને લાગ્યું કે આ સાડી બહુ જોયેલી છે. એમણે વહુને પૂછ્યું કે વહુબેટા, આ સાડી કેમ આટલી જોયેલી લાગે છે.
વહુએ તરત કહ્યું : મમ્મી, આ સાડી તો મારા પિયરથી પહેરામણીમાં આવી હતી એ જ છે.’ે સંગીતાબહેન ભોંઠા પડી ગયા. પોતે વહુને ત્યાંથી આવેલી સાડી કોઈને ભેટમાં આપી અને એ જ સાડી ફરતી ફરતી એમની પાસે આવી અકબંધ ગીફ્ટ પેક પણ બદલાયા વગર. સંગીતાબહેનને ખ્યાલ આવી ગયો કે જેમ એમણે ભેટમાં આપેલી વસ્તુ આગળ ધકેલી એમ કોઈએ પણ એમની સાથે એ જ કર્યું છે.
બીજી તરફ બબલુની બર્થ- ડેમાં જેટલી ભેટ આવી એ બધી મમ્મીએ કોણે શું આપ્યુંની યાદી બનાવી કબાટમાં સાચવીને કે અમુક સંતાડીને મૂકી દીધી. બબલુને રમવા બારમાંથી બે જ ગેમ આપી. મમ્મીનો ઈરાદો એ જ કે ભેટમાં આવેલી ગેમ્સ એકસાથે બબલુને રમવા આપે તો એક પણ ગેમ એ સરખી શીખીને રમી ના શકે. પોતે સાચવીને મૂકે તો ગેમ્સ રફેદફે ના થાય અને દર થોડા સમયે નવી ગેમ કાઢે તો બબલુને નવી વસ્તુ રમવા મળે. જોકે ધીમે ધીમે એવું થયું કે બબલુનાં મિત્રોની બર્થડે પાર્ટીમાં બીજાએ આપેલી ભેટ જ ભેટ તરીકે જવા લાગી. છેવટે બબલુ માટે ખાસ કંઈ બચ્યું નહીં.
આવું આપણામાંથી પણ ઘણા બધા કરતા હશે. એકે આપેલી ભેટ બીજાને ભેટ સ્વરૂપે આપી દેવી એ કદાચ સામાન્ય બાબત છે. જો કે ભેટ આપવાની અલગ અલગ રીત પણ હોય છે. નવી વસ્તુ ખરીદીને આપવી, ભેટમાં આવેલી વસ્તુ બારોબાર આપવી, જૂની ના વપરાતી વસ્તુ આપવી કે પછી વેસ્ટમાંથી બેસ્ટ જેવું કંઈક આપવું. ટૂંકમાં અલગ અલગ ભેટો લાગતા વળગતાને કોઈ પણ પ્રકારે પહોંચતી રહે છે. અમુક ઉત્સાહી લોકો તો પાછું ઘરમાંથી ના જોઈતી વસ્તુ કોઈને આપ્યાનું ગૌરવ કરે છે અને આ મુદ્દે પોતાની જાતને હોંશિયાર માને છે.
આમ તો ભેટનું રિસાયકલિંગ કરવું એ વાતને બે રીતે જોઈ શકાય, સારી અને ન સારી. સારી બાજુ એ કે જે વસ્તુ આપણે ઉપયોગમાં નથી લેવાનાં એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે. સાથે ભેટનું રિસાયકલિંગ કરવાથી એ કચરામાં જતી અટકે છે અને એ વસ્તુ લાંબો સમય વાપરી શકાય છે. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ હોય છે અને માટે કોઈ પણ કારણસર જે આપણે નથી વાપરી રહ્યા એ વસ્તુનું અન્ય વ્યક્તિ માટે મહત્ત્વ વધુ હોઈ શકે છે. આમ જે તે વ્યક્તિ ઉત્સાહથી એ વસ્તુ વાપરી શકે છે. આવેલી અને ઉપયોગમાં ના લેવાની વસ્તુ સામેવાળી વ્યક્તિને ભેટ આપવાથી રૂપિયા બચાવી શકાય છે અને ગમતી ભેટ મળે તે કોને ના ગમે, એમ આમ ભેટ આપ્યા અને લીધાનો વહેવાર પણ સચવાય છે.
ભેટ રિસાયકલ કરવાનાં સિક્કાની બીજી બાજુ જોઈએ તો સૌથી પહેલા એ ભેટ જેણે આપી હતી એની ભેટ આપનાર પોતે ના વાપરીને બીજા કોઈને આપી દે છે એવી જાણ થતાં દુ:ખ અનુભવે છે. જે ભેટ પોતે વિચારીને, મહેનત કરીને કોઈવાર કદાચ જાતે બનાવે છે એ જેને ભેટ આપી છે એનાથી અલગ વ્યક્તિને વાપરતા જોઈ પોતે કરેલી મહેનત વ્યર્થ લાગે છે. કોઈવાર ભેટનું રિસાયકલિંગ કરતી વખતે લોકો જોવાનું ભૂલી જાય છે કે આ ભેટ પર્સનલાઈઝ્ડ છે એટલે કે એના પર કોઈ નામ કે અંગત નિશાન કરેલું છે. આવી ભેટ જેને મળે છે એને ચોક્કસપણે ખરાબ લાગવાની શક્યતા રહે છે.
આમ જુવો તો ગિફ્ટ રિસાયકલિંગ ખોટું નથી. કોઈ ભેટ આપવા ખાતર, ફરજના ભાગરૂપે આપે છે તો કોઈ પ્રેમથી સામેવાળી વ્યક્તિને ગમે એ ઊંડાણપૂર્વક વિચારીને ભેટ આપવાનું નક્કી કરે છે. ભાવનાત્મક જોડાણવાળી ગિફ્ટ રિસાયકલ કરવું લાગણીનાં સ્તરે અઘરું છે, એમાં ક્યાંક ને ક્યાંક ભેટ સાથે જોડાયેલી ભાવનાઓનું અપમાન થતું હોય એવું લાગે છે.
આમ ગિફટ આપનાર લેનારનાં ઈરાદા, પ્રામાણિકતા, પ્રાથમિકતા, વિશ્વાસ, સમય, ઘનિષ્ઠતા, આર્થિક ક્ષમતા વગેરે ધ્યાનમાં લેવા જેવા હોય છે. બાકી ઈધર કા માલ ઉધર કરવાનાં ક્યાં વાર લાગે છે?
આ વિશે બોલો, તમે શું કહો છો?