- વિરલ રાઠોડ
TRAIએ આ વર્ષે એક મોટો અને મહત્ત્વનો સર્વે પૂરો કર્યો. મે મહિનામાં એનાં પરિણામ જાહેર કરાયાં. જાણીને નવાઈ લાગશે કે ભારત દેશમાં ટેલિકૉમ યુઝર્સની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે, પણ કેટલો? આફ્રિકાના ચાર ટાપુની વસ્તીની સરેરાશ સંખ્યા કરતાં ભારતમાં ટેલિકૉમ યુઝર્સની સંખ્યા ખૂબ જ વધારે છે...! દરેક સામાન્ય પરિવારમાં પણ મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્શન એક પ્રાથમિક જરૂૂરિયાતમાં સામેલ છે. આ સર્વેના રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા. મે મહિનામાં ફિક્સ્ડ-લાઇન સેવાઓમાં કુલ 2.98 મિલિયન યુઝર્સ નવા ઉમેરાયા. જેમાંથી 2.92 મિલિયન મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ હતા. આનો સીધો અર્થ એ થયો કે એક જ મહિનામાં નવા મોબાઈલ યુઝર્સનો આંકડો એકાએક વધ્યો. જુદી-જુદી ટેલિકૉમ કંપનીના માત્ર નવા યુઝર્સને ભેગા કરવામાં આવે જેના એક જ મહિનામાં પ્લાન શરૂ થયા હોય એવા યુઝર્સ કુલ 5.236 મિલિયન છે. હવે દેશના ટોટલ સ્માર્ટફોન ઇન્ટરનેટ સર્વિસ બેઝ મોબાઇલ યુઝર્સનો આંકડો આરામથી 23 મિલિયનને પાર થઈ જાય છે. મોબાઇલ આવતાં જ કેટલીક સેવાઓ આંગળીના વેઢે મળી રહી છે. લાઇટ બિલથી લઈને લોકેશન ટ્રેક કરવા સુધીની સગવડ મળી રહી છે. ક્વિક કૉમર્સ અને મિનિમાઇઝડ સર્વિસનું માર્કેટ આકાશી કદ ધારણ કરી રહ્યું છે.
આ તમામ સુખ-સુવિધા સાથે જે વધ્યું એ છે સાયબર ફ્રૉડ, નકલથી અસલી અને બચત કરેલી નોટ ખંખેરવાનો ધંધો. આનાથી બચવાનો રસ્તો એટલે ડિજિટલ લિટરસી. આ પ્રાથમિક વ્યાખ્યા છે. કારણ કે, આપણી સાવધાની એ જ આપણી સુરક્ષા. આ જ ખ્યાલનો વર્ષ 2000માં થોડો વિસ્તાર થયો. મોબાઇલ પર સર્ફિંગ કરતાં આવડતું હોય અને જે તે નાના-મોટા ઑફિશિયલ વર્કને મોબાઇલમાંથી જ પતાવી દે એને ડિજિટલ લિટરસીમાં આવરી લેવાયા. એ પછી હાઇટેક પ્રોગ્રામિંગ, કોડિંગ, ડિઝાઇનિંગ, ડિજિટલ મીડિયા, કમ્યુનિકેશન, ઑનલાઇન શૉપિંગ, ઑર્ડરિંગ, ટ્રેકિંગ અને એઆઈ સુધીના તમામ એક્સેસ ડિજિટલ લિટરસીમાં ઉમેરાયા.
સ્માર્ટ ફોન હાથમાં આવતાં આ તમામ સુવિધાનો ઉપયોગ કરવો એ માત્ર ડિજિટલ લિટરસી નથી. આપણા દેશમાં હજુ પણ મિસકૉલ એક કોડવર્ડ છે અને ગમે ત્યારે ગમે તેને મેસેજ ઠોકી દેવાની ટેવ છે. ન સમય જોવાનો ન પરિસ્થિતિ. સામે છેડે કોઈ ઑફલાઇન હોય તો પણ મેસેજ પહોંચી જાય. વાત સારી છે પણ ક્યારેક તે મોકલનારની મેનર્સ વગર ફૂટપટ્ટીએ માપી બેસે છે. આને રફલી કમ્યુનિકેટર્સ કહેવાય છે. આવાં કૉમ્યુનિકેટર્સ સર્વરની પણ અણધારી મશ્કેલી વધારે છે. ડિવાઇસ ઑપરેટિંગ એબિલિટી અને ડિવાઇસ સ્કિલ બન્નેમાં પાતળી ભેદરેખા છે. લાખો રૂપિયાનો ફોન હોય પણ કમ્યુનિકેશન ડિગ્નિટી ન હોય તો શું કામનું? બીજી તરફ ગમે ત્યારે ગમે તે નંબરને ગ્રુપમાં જોડીને વૉટ્સઍપ પર ટ્રાફિક વધારવાનો કીમિયો ચાલ્યો છે. આનાથી જે તે વ્યક્તિની મંજૂરી વગર નંબર ઍડ કરવો કે એને સર્વિસ સંબંધી લિંક મોકલવી એ ફ્રૉડ પાછળના કાવતરાનો પહેલો ભાગ ગણાય છેે.
રિયાધ શહેેરમાં વૉટ્સઍપ પર વગર પરમિશને કોઈ ગ્રુપ કે લિંક્સ સંબંધિત કૉમ્યુનિટી બનાવવામાં આવે તો એને જેલની સજા સુધીની જોગવાઈ છે. ચોક્કસ હેતુપૂર્વકનો પરમિશન સાથેનો ઉપયોગ એ સાક્ષરતા કહેવાય, પણ ડિજિટલ સાક્ષરતા એને કહેવાય જ્યારે કોઈ નવો નંબર આપણામાં આવે અને તેને આપણે સહજતાથી પૂછીએ કે, હું મારા કેટલાક મેસેજ, મલ્ટિમીડિયા, ડોક્સ કે જરૂરી એવી માહિતી આપની સાથે શેર કરું? અડધી રાત્રે મેસેજ કરતાં પહેલાં સૉરી ટુ ડિસ્ટર્બ ફોર લેટ નાઇટ મેસેજ... ઉતાવળ નથી થોડો સમય કાઢજો ફોન પર વાત કરવી છે... સ્ટેટસ જોયા બાદ ઑન ધ સ્પૉટ રીપ્લાય કરતાં રૂબરૂ મુલાકાત વખતે એની ચર્ચા વધારે રસપ્રદ બને છે.
આવી મેનર કેળવાય ત્યારે સંદેશા મોકલનાર અને મેળવનાર બન્નેને અમુક કૉન્ટેક્ટ બોરિંગ નથી લાગતા. અન્યથા એવું પણ બને કે આવા બોરિંગ કૉન્ટક્ટના મેસેજ દિવસના અંતે માંડ-પરાણે જોવામાં આવે. કૉર્પોરેટ કંપનીના કે ઑફિસના ગ્રુપમાં વિથ યૉર રિસ્પેક્ટ અને જી બૉસ જેવા પ્રયોગ કૉમ્યુનિકેશને વધારે સ્મૂથ બનાવી દે છે. ફ્રૉડથી બચવાની વાત પર પહેલી અવેરનેસ એ છે કે કોઈ પણ લિંક પર ડાયરેક્ટ ક્લિક ન કરીએ. કોઈ માર્કેટ ગ્રુપ કે અન્ય કોઈ કૉમ્યુનિટીમાં લિંક પર વારંવાર મોબાઇલથી એક્સેસ ટાળીએ. જે તે પીડીએફ મોબાઇલમાં ખોલવાને બદલે પીસી કે લૅપટૉપ પર ખોલીએ. જેથી એમાં કરેલા મોબાઇલ કોડિંગ ઍક્ટિવ ન થાય. સ્ટેટસમાં લિંક હોય તો હવે દરેક મોબાઈલ આ પહેલા અલર્ટ આપે છે. એ રિસ્કી લાગે તો એ સ્ટેટસ જોવાનું પણ ટાળીએ.
આઉટ ઑફ બૉક્સ
હરિયાણાની રાજ્ય સરકારે સરસ પહેલ કરી છે. સરકારી શાળામાં ડિજિટલ લિટરસીનો એક આખો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જેમાં વિદ્યાર્થીઓને કૉમ્પ્યુટર કોર્ષની સાથે મોબાઈલ એક્સેસ પણ શિખવાડવામાં આવે છે જેમાં ફ્રૉડથી કેમ બચવું, રિસ્પેક્ટફુલી કૉમ્યુનિકેશન કેમ કરવું, વધારે પડતા મેસેજિગ અને ડેટાનું એનાલિસિસ જેવી બાબતનો સમાવેશ કરાયો છે.