Sun Jun 14 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 13 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-13 08:39:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

 

Live Updates

2026-06-13 22:19:08

ભારતનો સાત વિકેટે વિજયઃ ગિલના સથવારે રાહુલની ફટકાબાજી

ભારતે અફઘાનિસ્તાનને ધરમશાલામાં પ્રથમ વન-ડેમાં 13 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું અને ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. ભારતે પચીસ-પચીસ ઓવરની એ ટૂંકાવાયેલી મૅચમાં 22.5 ઓવરમાં ત્રણ વિકેટે 195 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. કૅપ્ટન ગિલ 84 રને અણનમ રહ્યો હતો, જ્યારે કેએલ રાહુલે 19 બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોરની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા.

2026-06-13 22:01:31

સ્પિનર માનવ સુથારે કાઉન્ટીની પહેલી જ મૅચમાં ત્રણ વિકેટ લીધી

રાજસ્થાન રાજ્યના યુવાન સ્પિનર માનવ સુથારને ભારત વતી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ફળી ત્યાર પછી હવે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ પણ શરૂઆતથી માફક આવવા લાગી છે. તેની આ પહેલી જ કાઉન્ટી ટૂર છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં કુલ સાત વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવનાર માનવે સ્કારબરૉની ચાર દિવસીય મૅચમાં પ્રથમ દાવમાં ત્રણ વિકેટ મેળવી. માનવ વૉરવિકશર ટીમ વતી રમે છે અને તેણે યૉર્કશરના સેન્ચુરિયન વિલિયમ લક્ષટન (167 રન), સૅમ વાઇટમૅન (પંચાવન રન) અને જ્યોર્જ હિલ (30 રન)ની વિકેટ લીધી હતી. યૉર્કશરની ટીમ 469 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.

2026-06-13 21:12:06

ભારતના નવ ઓવરમાં 1/73ઃ રોહિત ઈજા પામ્યા બાદ રનઆઉટ

ધરમશાલામાં અફઘાનિસ્તાને 195 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતે સાધારણ શરૂઆત કરી હતી અને નવ ઓવરમાં એક વિકેટના ભોગે 73 રન બનાવ્યા હતા. રોહિત શર્મા બૉલ વાગતાં ઈજા પામ્યા બાદ થોડી વારમાં રનઆઉટમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 16 બૉલમાં એક સિક્સર અને એક ફોરની મદદથી 16 રન બનાવ્યા હતા. નવમી ઓવરને અંતે કૅપ્ટન ગિલ 29 રને અને ઇશાન કિશન 19 રને દાવમાં હતો.

2026-06-13 20:14:24

ભારતને મળ્યો 195 રનનો લક્ષ્યાંક: બન્ને નવોદિતની ત્રણ-ત્રણ વિકેટ

અફઘાનિસ્તાને ભારત સામે વરસાદ બાદ 25-25 ઓવરની થઈ ગયેલી વન-ડેમાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 24.5 ઓવરમાં 194 રન બનાવ્યા જેમાં ઓપનર ગુરબાઝના 102 રનનો ફાળો હતો. નવા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રારે 27 રનમાં ત્રણ વિકેટ અને નવા સ્પિનર હર્ષ દુબેએ 47 રનમાં ત્રણ વિકેટ લીધી. બે-બે વિકેટ અર્શદીપ અને નીતીશ રેડ્ડીએ મેળવી હતી. ભારતીય ટીમને આઇપીએલની ટીમ જેવો 195 રનનો મેળવી શકાય એવો ટાર્ગેટ મળ્યો છે. હવે ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો રોહિત શર્મા, ગિલ, ઇશાન કિશન, શ્રેયસની કસોટી થશે.

2026-06-13 19:45:52

ભારત સામેની વન-ડેમાં અફઘાની ઓપનરની ટી-20 જેવી ફટકાબાજીઃ ફાસ્ટેસ્ટ સદી ફટકારી

ધરમશાલામાં અફઘાનિસ્તાને પચીસ-પચીસ ઓવરની વન-ડેમાં 21 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા છે અને એમાં ઓપનર રહમનુલ્લા ગુરબાઝ (102 રન, 51 બૉલ, આઠ સિક્સર, આઠ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. ગુરબાઝ આ વન-ડે મૅચમાં ટી-20 જેવું (વૈભવ સૂર્યવંશી જેવું કહીએ તો પણ ખોટું નથી) રમ્યો. તેણે 48 બૉલમાં અફઘાનિસ્તાન વતી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી. તે પોતાના 102 રનના સ્કોર પર પાર્ટ-ટાઇમ પેસ બોલર નીતીશ રેડ્ડીના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેણે 200.00ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા. વન-ડેમાં તેની આ નવમી સદી હતી. છમાંથી બે-બે વિકેટ નીતીશ તથા અર્શદીપે અને એક-એક વિકેટ નવા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રાર અને નવા સ્પિનર હર્ષ દુબેએ લીધી હતી.

2026-06-13 18:08:33

વન-ડે 25-25 ઓવરનીઃ નવા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રારે ડેબ્યૂમાં અફઘાનિસ્તાનની પ્રથમ વિકેટ લીધી

ધરમશાલામાં ભારતના કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે અને અફઘાનિસ્તાનને પ્રથમ બૅટિંગ કરીને ભારતને પડકારરૂપ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો છે. વરસાદના વિઘ્ને કારણે વન-ડે મૅચ 25-25 ઓવરની કરી નાખવામાં આવી છે. ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર ગુર્નુર બ્રાર અને લેફ્ટ-આર્મ સ્પિનર હર્ષ દુબેને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. યશસ્વી, પ્રિન્સ યાદવ અને કુલદીપ યાદવ આ મૅચમાં નથી. ગુર્નુર બ્રારે અફઘાનિસ્તાનના 13મા રને કરીઅરની પ્રથમ વિકેટ લીધી હતી. તેણે ઇબ્રાહિમ ઝડ્રાનને કૅપ્ટન ગિલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્રીજી ઓવરમાં અફઘાનિસ્તાનનો સ્કોર 2/16 હતો. બીજી વિકેટ અર્શદીપે લીધી હતી જેમાં તેણે સેદિકુલ્લા અટલને એલબીડબ્લ્યૂની અપીલમાં આઉટ કર્યો હતો. હશમતુલ્લા શાહિદી પ્રવાસી ટીમનો સુકાની છે. ભારતીય ટીમઃ ગિલ (કૅપ્ટન), રોહિત, કિશન, શ્રેયસ, રાહુલ (વિકેટકીપર), નીતીશ રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, અર્શદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુર્નુર બ્રાર.

2026-06-13 16:50:14

સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને આર્મી ચીફ તરીકે નિયુક્ત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ ભારતીય સેનાના આગામી વડા બનશે. ધીરજ સેઠ દેશના આગામી આર્મી ચીફ હશે. તેમણે ઓપરેશન સિંદૂરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ પાસે વ્યાપક કમાન્ડ અનુભવ છે; તેમણે રણપ્રદેશમાં આર્મર્ડ રેજિમેન્ટનું નેતૃત્વ કર્યું છે અને વિકસિત વિસ્તારમાં આર્મર્ડ બ્રિગેડનું નેતૃત્વ કર્યું છે.

2026-06-13 16:27:34

ધરમશાલામાં પ્રેક્ષકોની ડીજેના મ્યૂઝિક પર ધમાલઃ એક અપડેટ પણ આવી ગયું

ધરમશાલામાં વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલામાં બૅટ્સમેનોના છગ્ગા-ચોગ્ગાના ધમાકાને બદલે પ્રેક્ષકોએ મેઘરાજાની રમઝટ જોવી પડી જેને કારણે ટૉસ ત્રણેક કલાકથી મોડો પડ્યો છે. જોકે પ્રેક્ષકોને આ લાંબા બે્રકમાં જલસો પડી ગયો છે, કારણકે ડીજેએ સ્થિતિનો લાભ લઈને લોકોને સંગીતના તાલે થનગનતા કરી દીધા છે. દરમ્યાન, એક અપડેટ આવ્યું છે કે આ મૅચને જો 50 ઓવરની વન-ડેમાંથી 20 ઓવરની ટી-20માં ફેરવવી હોય તો એ માટે હજી સાંજે 6.32 સુધીનો સમય છે. જો ત્યાં સુધીમાં વરસાદ અટકી જશે અને મેદાન રમવા લાયક થઈ જશે તો 40-40 જેટલી ઓવર તો રમાશે જ.

2026-06-13 15:44:09

વરસાદને કારણે ભારત અને અફઘાનિસ્તાન વન-ડે વિલંબમાં

હિમાચલ પ્રદેશના ધરમશાલામાં ભારે વરસાદ પડ્યા બાદ બપોરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ વન-ડે સમયસર શરૂ નહોતી થઈ શકી. ટૉસ નહોતો થઈ શક્યો અને અમ્પાયરો સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ભારતે તાજેતરમાં જ શુભમન ગિલના સુકાનમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મૅચ એક દાવ અને 300 રનથી જીતી લીધી હતી અને વન-ડેમાં ગિલ ઍન્ડ કંપની હવે વન-ડેમાં પણ પ્રભુત્વ જાળવી રાખવા મક્કમ છે. બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર વન-ડે રમાઈ છે જેમાંથી ત્રણ ભારતે જીતી હતી અને એક મૅચ ટાઇમાં પરિણમી હતી જે અફઘાનિસ્તાને જીતી લીધી હતી.

 

2026-06-13 11:43:18

આસામના જોરહાટમાં વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન પ્લેનમાં થયો વિસ્ફોટ

આસામના જોરહાટ સ્થિત વાયુસેના સ્ટેશન પર ભારતીય વાયુસેના (IAF) નું એક AN-32 માલવાહક વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું છે. આ વિમાન પુરવઠા સામગ્રીના વહન માટે ઉપયોગમાં લેવાતું હતું. શરૂઆતી માહિતી અનુસાર વિમાન એરબેઝ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ પ્લેન ક્રેશ થયું હતું.અકસ્માત બાદ પાયલોટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ભારતીય વાયુસેના દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અકસ્માતની તરત જ બાદ બચાવ અને રાહત ટીમોને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે અને તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

2026-06-13 11:33:14

આસામમાં ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પરથી ભારતીય વાયુસેના માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાયુસેનાના એક AN-32 ટ્રાન્સપોર્ટ વિમાનને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભારતીય વાયુસેનાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જોરહાટ ખાતે આ અકસ્માતની ઘટના બની છે. હાલ આ મામલે પ્રાથમિક વિગતો સિવાય કોઈ વધુ માહિતી ઉપલબ્ધ નથી.

2026-06-13 10:39:54

રાજકોટના સાંઢિયા પુલનું થયું લોકાર્પણ

રાજકોટમાં જામનગર રોડ પર 74.32કરોડના ખર્ચે નવનિર્મિત સાંઢિયા પુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કર્યું હતું. આ પુલના ઉદ્ઘાટનની ઘણા સમયથી રાહ જોવાતી હતી.

2026-06-13 08:40:16

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં MGVCLની ડીપી ધરાશાયી

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં MGVCLની ડીપી ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં  બે વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થયા છે. રોડ પર કલાકો સુધી ચક્કાજામ સર્જાયો હતો. પોલીસ સ્ટેશનથી બનસલ મોલ તરફ જતા માર્ગ પર લાભ આઈકોન ઈમારત સામે અચાનક MGVCLની ભારેખમ વીજ ડીપી (ડિસ્ટ્રિબ્યુશન પેનલ) ધરાશાયી થતાં બે રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ વ્યક્તિઓને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા.