Sun Jul 26 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:25 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-25 08:33:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-25 20:09:48

ભારત ફરી જીત્યું, શ્રેયસની કૅપ્ટન્સીમાં પ્રથમ સિરીઝ-વિજય

હરારેઃ ભારતે અહીં ઝિમ્બાબ્વેને ટી-20 સિરીઝની બીજી મૅચમાં પણ હરાવીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતે પાંચ વિકેટે 219 રન બનાવ્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 17.5 ઓવરમાં ફક્ત 129 રનમાં ઑલઆઉટ થઈ જતાં ભારતે 90 રનથી વિજય મેળવ્યો હતો. બૅટિંગમાં નિષ્ફળ રહેલા ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા (આઠ રન)એ પછીથી બોલિંગમાં કમાલ બતાવી હતી. તેણે 17 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

2026-07-25 19:14:36

ઝિમ્બાબ્વેએ 16 બૉલમાં ચાર વિકેટ ગુમાવી

ભારત આજે જ ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝની ટ્રોફી પર કબજો કરી શકે એમ છે, કારણકે યજમાન ટીમે 220 રનના લક્ષ્યાંક સામે માત્ર 49 રનમાં ચાર વિકેટ ગુમાવી છે. એક તબક્કે ઝિમ્બાબ્વેએ ફક્ત 16 બૉલમાં 15 રનના ખર્ચે આ ચારેય વિકેટ ગુમાવી હતી. 3.4 ઓવરમાં ટીમનો સ્કોર 1/34 હતો અને 6.2 ઓવરમાં સ્કોર 4/49 હતો. ચારમાંથી બે વિકેટ પેસ બોલર પ્રિન્સ યાદવે અને એક-એક વિકેટ નવા ફાસ્ટ બોલર યશ ઠાકુર અને સ્પિનર રવિ બિશ્નોઈએ લીધી હતી.

2026-07-25 18:57:23

યશ ઠાકુરે ડેબ્યૂમાં જ ભારતને પ્રથમ વિકેટ અપાવી, પાંચમી ઓવરમાં સ્કોર 2/36

ઝિમ્બાબ્વેએ ભારત સામેની બીજી ટી-20માં જીતવા 220 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ધમાકેદાર શરૂઆત પછી ઓપનર બ્રાયન બેનેટ (32 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ની વિકેટ ગુમાવી છે. આ મૅચમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર યશ ઠાકુરે ભારતને આ પ્રથમ વિકેટ અપાવી હતી. તેણે બેનેટને વિકેટકીપર ઇશાનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. પછીની ઓવર પેસ બોલર પ્રિન્સ યાદવે કરી હતી જેના પહેલા જ બૉલમાં તેણે બેન કરૅનને શિવમ દુબેના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. પાંચમી ઓવરમાં ઝિમ્બાબ્વેનો સ્કોર 2/36 હતો.

2026-07-25 18:34:47

ઇશાન-તિલકની 94 રનની ભાગીદારીથી ભારતના પાંચ વિકેટે 219

હરારેમાં ભારતે ઝિમ્બાબ્વે સામે ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી મૅચમાં 20 ઓવરમાં પાંચ વિકેટે 219 રન બનાવીને યજમાન ટીમને જીતવા 220 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. વિકેટકીપર ઇશાન કિશન (81 રન, 44 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને તિલક વર્મા (60 અણનમ, 29 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) વચ્ચે માત્ર 44 બૉલમાં 94 રનની ભાગીદારી થઈ હતી. ઇશાન સેન્ચુરી સુધી નહોતો પહોંચી શક્યો, પણ ભારતને વિજય અપાવવા તેણે મોટું યોગદાન આપ્યું હતું. શ્રેયસે પચીસ રન, વૈભવે 20 રન, અભિષેકે આઠ રન, રિન્કુ સિંહે 12 રન અને શિવમે અણનમ છ રન બનાવ્યા હતા. કૅપ્ટન સિકંદર રઝાની ચાર ઓવરમાં 47 રન બન્યા હતા અને તેને એકેય વિકેટ નહોતી મળી. તેના સિવાયના બાકીના પાંચેય બોલરને એક-એક વિકેટ મળી હતી.

2026-07-25 17:33:29

11 ઓવરમાં ભારતના ત્રણ વિકેટે 104 રન, શ્રેયસે પચીસમા રને વિકેટ ગુમાવી

ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20માં 11 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 104 રન બનાવ્યા છે. કૅપ્ટન શ્રેયસ ઐયર 20 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી પચીસ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે બેનેટના બૉલમાં બૅકવર્ડ પૉઇન્ટ પર બ્રાડ ઇવાન્સના હાથમાં કૅચઆઉટ થયો હતો. એ પહેલાં, અભિષેકે આઠમા રને અને વૈભવે 20મા રને વિકેટ ગુમાવી હતી.

2026-07-25 17:02:21

અભિષેકની વિકેટ પછી વૈભવ પાંચમા બિગ શૉટની લાલચમાં થયો આઉટ

હરારેમાં ઝિમ્બાબ્વે સામે ભારતને પ્રથમ બૅટિંગનો સુંદર મોકો મળ્યો, પણ સસ્તામાં બે વિકેટ ગુમાવી દીધી. અભિષેક શર્મા ફક્ત બે ચોગ્ગાથી બનેલા ફક્ત આઠ રનના સ્કોર પર કૅચઆઉટ થયો ત્યાર પછી વૈભવ સૂર્યવંશીએ ઍન્ગારવાના સતત ચાર બૉલમાં ફટકાબાજી કર્યા પછી પાંચમા બૉલ પર પણ બિગ શૉટ મારવાની લાલચમાં વિકેટ ગુમાવી દીધી હતી. તેણે આ પેસ બોલરની ઓવરના બીજા બૉલ પર ચોગ્ગો માર્યા બાદ ત્રીજા બૉલ પર છગ્ગો ફટકાર્યો હતો. તે અહીં જ નહોતો અટક્યો. ચોથા બૉલ પર અને પાંચમા બૉલ પર તેણે બે ચોગ્ગા ફટકારીને સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું, પરંતુ છઠ્ઠો બૉલ જે શૉર્ટ બૉલ હતો એમાં સાહસ બતાવીને વધુ એક ઊંચો શૉટ મારવા ગયો અને મિડ-ઑનના ફીલ્ડર મુઝરબાનીને કૅચ આપી બેઠો હતો. સિરીઝની પ્રથમ મૅચના હાફ સેન્ચુરિયન વૈભવે નવ બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા.

2026-07-25 14:31:04

રાજ્યમાં સવારે 6 થી બપોરના 2 સુધીમાં 180 તાલુકામાં વરસાદ

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. નીટ પેપર લીક વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે તેમણે એક  મોટો નિર્ણય લીધો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઇને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તમામ વિપક્ષી દળો પણ પ્રધાનનું રાજીનામું  માંગી રહ્યા હતા.

2026-07-25 14:30:43

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. નીટ પેપર લીક વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે તેમણે એક  મોટો નિર્ણય લીધો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઇને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તમામ વિપક્ષી દળો પણ પ્રધાનનું રાજીનામું  માંગી રહ્યા હતા.

2026-07-25 12:35:51

સવારે 10 થી બપોરના 12 સુધીમાં 87 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 10 થી બપોરના 12 સુધીમાં 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જોકે  આ બે કલાકના સમયગાળામાં એક પણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો. વલસાડના કપરાડમાં 0.87 ઇંચ, આણંદના ખંભાતમાં 0.87 ઇંચ, નવસારીના વાંસદામાં 0.59 ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં 0.55 ઇંચ વરસાદ પડ્યો હતો. 83 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

2026-07-25 09:45:36

ધોળીધજા ડેમ 100 ટકા ભરાઈ ગયો, નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ

સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, મેમકા, ભડિયાદ, નાના કેરાળા, સાંકળી, શિયાણી, નટવરગઢ, દોલતપર, રામરાજપર, જાંબુ, પરનાળા સહિતના ગામોના લોકોને નદીમાં અવર-જવર ન કરવા અને માલ મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

2026-07-25 08:38:01

24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ પડ્યો હતો. પાટણના સાંતલપુરમાં 15 ઇંચ, રાધનપુરમાં 13.46 ઇંચ, ભાભરમાં 11.3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-07-25 08:35:00

આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

અમદાવાદમાં આજે પણ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કલેક્ટરના આદેશથી અમદાવાદની તમામ સ્કૂલો-કોલેજોમાં 25 જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે. આજે પણ અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શહેરીજનોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.