Fri Sep 04 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:28 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-28 08:03:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ:28 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-28 22:17:06

નેપાળના સુનસારી જિલ્લામાં કોમી હિંસા ફાટી, એકનું મોત

નેપાળના સુનસારી જિલ્લામાં કોમી હિંસા ફાટી નીકળી છે. જેના લીધે સતત બીજા દિવસે પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ હિંસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. સુનસારી જિલ્લો બિહારની સીમાને અડીને આવ્યો છે.

2026-07-28 21:19:16

બેંકોએ ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ ન રાખતા રૂપિયા 26,170.37 કરોડ વસૂલ્યા

દેશની બેંકોએ છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી ખાતામાં  મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી પેટે રૂપિયા 26,170.37 કરોડ વસૂલ્યા છે. આ માહિતી  નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં  આપી હતી.

2026-07-28 19:41:00

બિલ્કીસ બાનો કેસની જૂની ટિપ્પણી મુદ્દે કેન્દ્રીય  શિક્ષણ મંત્રી વિપક્ષના નિશાના પર

ગુજરાતમાં વર્ષ 2002ના તોફાનોમાં બિલ્કીસ બાનો કેસ અંગે કરેલી જૂની ટિપ્પણીને લઇને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષના નિશાના પર આવ્યા છે. આ અંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમજ રાહુલ ગાંધીએ તેમને દુષ્કર્મીઓના રક્ષક ગણાવ્યા છે.

2026-07-28 18:50:36

જમ્મુ કાશ્મીરના ઉરીમાં એલઓસી નજીક માઈન બ્લાસ્ટ, બે જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના ઉરીમાં એલઓસી નજીક એક માઈન વિસ્ફોટમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક શ્રીનગરની આર્મી બેઝ હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

2026-07-28 18:47:13

અમદાવાદ કોર્પોરેશન અને ગ્રામીણ વિસ્તારો માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું

ગુજરાત સરકારે અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે સુરતની જેમ જ આર્થિક પુનઃવસન સહાય જાહેર કરવામાં આવ્યું છે.

2026-07-28 17:57:02

રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી

ગુજરાતના રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યો આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ત્રણ લોકોએ ઝેરી પદાર્થ પીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.

2026-07-28 17:27:51

ગુજરાત પવન ઊર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું

ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

2026-07-28 16:56:52

દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં ભોજન આપનાર જુનૈદ મલિકની સુપ્રીમ કોર્ટના અરજી

દિલ્હીના જંતર-મંતર પર સીજેપીના વિદ્યાર્થી આંદોલનમાં ભોજન પૂરું પાડનાર  જુનૈદ મલિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેણે દિલ્હી પોલીસ પર ગેરકાયદે અટકાયત, માનસિક ત્રાસ અને તેમના પરિવારને ધાકધમકી આપવા સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે.

2026-07-28 16:12:39

પીઓકેના મીરપુરમાં ધરણાં કરતા લોકો પર સુરક્ષા દળોનું ફાયરિંગ, અનેક લોકો ઘાયલ

પીઓકેના કાશ્મીરના મીરપુરમાં રાવલકોટ ઘટના અંગે ધરણાં કરી રહેલા લોકો પર પાકિસ્તાની સુરક્ષા દળોએ ફાયરિંગ કર્યું હતું. જેના લીધે અફડા તફડી મચી હતી. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા.

2026-07-28 15:27:22

લોકસભામાં એન્ટી પેપર લીક બિલ મુદ્દે ચર્ચામાં સરકાર વિપક્ષ આમને સામને


લોકસભામાં એન્ટી પેપર લીક બિલ મુદ્દે ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ આમને સામને આવ્યા હતા. જેમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે  ચર્ચાની શરૂઆત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે યુપીએ સરકાર દરમિયાન પણ પેપર લીક થતાં હતા તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. જેના જવાબમાં કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ સમગ્ર બિલને માત્ર દેખાવો ગણાવ્યો હતો.

2026-07-28 13:47:26

દક્ષિણ જાપાનના કુમામોટોમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ

દક્ષિણ જાપાનના કુમામોટો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો  છે. જે બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

2026-07-28 13:10:51

સુરતમાં વીજ કરંટથી વિદ્યાર્થીનું મોત

સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં પીટીના પિરિયડ દરમિયાન ધાબા પર ગયેલા ધોરણ-9ના વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.

2026-07-28 11:56:16

ફેસબુક પર PM મોદીનો વીડિયો બ્લોક થયા બાદ મેટાએ કરી સ્પષ્ટતા

મેટા દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોને ફેસબુક પર પ્રતિબંધિત કરવા મામલે સત્તાવાર રીતે માફી માંગવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર ઘટના પાછળ કોઈ ઈરાદાપૂર્વકનું પગલું નહીં, પરંતુ એક ટેક્નિકલ ખામી જવાબદાર હતી. મેટાના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સંબંધિત કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને હવે તેને સફળતાપૂર્વક રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે.

2026-07-28 09:46:14

શ્રીલંકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત

શ્રીલંકા સામે રમાનારી 2 મેચોની ટેસ્ટ શ્રેણી માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 15 ઓગસ્ટથી ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

2026-07-28 08:11:01

ભિલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ તરફ જઈ રહેલી મેમૂ ટ્રેનનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતર્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ તરફ જઈ રહેલી મેમૂ ટ્રેનનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટના બાદ અમદાવાદ તરફ જતી રેલ સેવાઓ પ્રભાવિત થઈ ગઈ અને અનેક ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. માહિતી મળતા જ રેલવેના અધિકારીઓ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેકને વહેલામાં વહેલી તકે કાર્યરત કરવાનું કામ શરૂ કરી દીધું હતું.

2026-07-28 08:07:19

સંસદમાં આજે પેપર લીક સુધારા બિલ પર થશે ચર્ચા

સંસદમાં આજે પેપર લીક સુધારા બિલ પર ચર્ચા થશે.  લોકસભામાં ચર્ચા માટે 6 કલાકનો સમય નક્કી કરાયો છે. નવા કાયદા હેઠળ ગુનેગારો સામે કડક સજાની જોગવાઈ છે.

2026-07-28 08:04:57

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું

 રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 2.68 ઇંચ પડ્યો હતો. 130 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.