Thu Jul 23 2026

Logo

અમદાવાદના આ વિસ્તારમાં દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ, સોસાયટીમાં ઘૂસેલા દીપડાને જોઈને લોકો ભાગ્યા

2026-07-20 09:36:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં દીપડાની દહેશત જોવા મળતી હતી પણ હવે અમદાવાદ શહેરમાં પણ દીપડાના આંટાફેરા જોવા મળ્યો છે. અમદાવાદના ઘુમાની શરણદીપ સોસાસટીમાં દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સોસાટીયમાં ઘૂસેલા દીપડાને જોઈને લોકો ભાગ્યા હતા. અમદાવાદના ઘુમા વિસ્તારમાં ઘૂસેલા દીપડાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

મળતી વિગત પ્રમાણે, રવિવારે મોડી રાત્રે સોસાયટીના બે રહેવાસીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને દીપડો જોવા મળ્યો હતો. જે બાદ તેમણે આ અંગે સોસાયટીના લોકોને જાણ કરી હતી. ઉપરાંત સોસાયટીની સિક્યુરિટી માટે લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં દીપડો હોવાની પુષ્ટિ થઈ હતી.

દીપડો જોવા મળ્યા બાદ સોસાયટી દ્વારા વન વિભાગ તથા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓને જાણ કરાઈ છે. ઘુમા અને આસપાસના વિસ્તારોમાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ દ્વારા અત્યારે દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં દીપડાનો મળ્યો હતો મૃતદેહ

વર્ષ 2021માં શહેરના સરખેજ -ગાંધીનગર હાઈવેના સનાથલ બ્રિજ પાસે દીપડાનો મૃતદેહ મળ્યો હતો. આ દીપડો અજાણ્યા ભારે ભરખ વાહનની ટક્કરે મોતને ભેટ્યો હતો.

આ ઉપરાંત 2019માં ગાંધીનગર સચિવાલય સંકુલમાં પણ દીપડો જોવા મળ્યો હતો. સચિવાલય સંકુલમાં દીપડો ગેટ નંબર 7 થી ઘુસ્યો હોવાના અહેવાલ સામે આવતા વન વિભાગ તથા સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું હતું. વનવિભાગ દ્વારા CCTV ચેક કરવામાં આવ્યા હતા. જેમાં દીપડો હેલી સવારે તોતિંગ દરવાજાની નીચેથી સચિવાલય પ્રવેશ કરતો જોવા મળ્યો હતો.