(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલીમાં સિગ્નલ પર ઊભેલી ટૅક્સીમાંથી ઊતરેલી વૃદ્ધા પર બેસ્ટની વેટ-લીઝ બસ ફરી વળતાં તેનું મૃત્યુ થયું હતું.
બેસ્ટના અધિકારીના જણાવ્યા મુજબ સોમવારની સવારે 11.25 વાગ્યાની આસપાસ વરલીમાં એસટી ઑફિસ નજીક મેલા જંક્શન પાસે આ ઘટના બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી વૃદ્ધાની ઓળખ ધારાવીમાં રહેતી વનમાલા રામ સાબળે (60) તરીકે થઈ હતી.
રૂટ નંબર-152 પરની બેસ્ટની બસ ભાયખલા રેલવે સ્ટેશનથી લોટસ જઈ રહી હતી. મેલા જંક્શન ખાતેનું સિગ્નલ રેડ હોવાથી બસ ઊભી રહી હતી. તે જ સમયે એક ટૅક્સી બસની બાજુમાં આવીને ઊભી રહી હતી.
સિગ્નલ લાલ હોવાથી વનમાલા દરવાજો ખોલી ટૅક્સીમાંથી બહાર નીકળી હતી. એ જ વખતે સિગ્નલ ગ્રીન થતાં ડ્રાઈવરે બસ સ્ટાર્ટ કરી હતી. બસ આગળ વધવાને કારણે વનમાલા પાછલા ટાયર નીચે આવી ગઈ હતી.
ગંભીર હાલતમાં વનમાલાને બસ ક્ધડક્ટર ટૅક્સીમાં મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
દરમિયાન બનાવની જાણ થતાં વરલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસ ડ્રાઈવરને તાબામાં લઈ પોલીસે ઘટના પ્રકરણે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.