મુંબઈ: સામાન્ય રીતે હાર્બર લાઈન ઉપર ધીમી ટ્રેનો જ દોડતી હોય છે, પણ આજે પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) તરફ જતી એસી લોકલ ટ્રેન ફાસ્ટ ટ્રેનની જેમ તેના રૂટમાં આવતા કોઈ પણ સ્ટેશને ઊભી નહીં રહેતા મુસાફરોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. ટ્રેનમાં મુસાફરોમાં સર્જાયેલી અફડાતફડીની સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને મુંબઈના લોકલ મુસાફરોની સુરક્ષા અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
વાયરલ થયેલા વીડિયોમાં એસી લોકલના ડબ્બામાં આશરે ૮થી ૧૦ મુસાફરો જોવા મળે છે, તેમાં એક નાનું બાળક પણ સામેલ હતું. ટ્રેન એક પછી એક સ્ટેશન પસાર કરતી રહી અને ક્યાંય ઊભી ન રહેતાં મુસાફરોમાં મૂંઝવણ ફેલાઈ હતી. કેટલાક મુસાફરો શું થઈ રહ્યું છે તે જાણવા માટે ટ્રેનમાં લગાવવામાં આવેલા ઇમર્જન્સી ઈન્ટરકોમ ડિવાઈસ પાસે એકત્ર થયા હતા. કેટલાક મુસાફરોએ મોટરમેન સાથે સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
Panvel to CSMT train not stopping on any station , Commuters panicked.@drmmumbaicr@GM_CRly
— Chetna Raja (@ChetnaRaja) September 8, 2026
investigate and take immediate action on culprit. Why we don't have Controlled Trains ? Luckily none is harm otherwise it was disaster.@AshwiniVaishnaw@Dev_Fadnavis@PMOIndia pic.twitter.com/X01T5VLLtp
મુંબઈ રેલ પ્રવાસી સંઘે આ ઘટનાની ગંભીર નોંધ લઈને તાત્કાલિક તપાસ કરવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. સંઘે મધ્ય રેલવેના મુંબઈ વિભાગ ઉપરાંત રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વડા પ્રધાન કાર્યાલયને પણ ટૅગ કરીને ઘટનાની તપાસની માગણી કરી છે.
સંઘે સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ લોકલ ટ્રેન તેના નિર્ધારિત સ્થાનકે ઊભી ન રહે અને સતત આગળ વધતી રહે તો આવી સ્થિતિને નિયંત્રિત કરવા માટે રેલવે પાસે પૂરતી વ્યવસ્થા છે કે નહીં. સમયસર કાર્યવાહી ન થાય તો આવી ઘટના ગંભીર અકસ્માતમાં ફેરવાઈ શકે છે, તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
દરમિયાન, રેલવેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘રેલવે સેવા’ દ્વારા પણ આ મામલાની નોંધ લેવામાં આવી છે. આ ફરિયાદ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. મુંબઈ વિભાગના વિભાગીય રેલવે મેનેજરને પણ આ મામલે ટૅગ કરવામાં આવ્યા છે.
કારશેડ તરફ જઈ રહી હતી લોકલ?
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એક અન્ય દાવો પણ સામે આવ્યો છે. કેટલાક લોકોના જણાવ્યા અનુસાર, સંબંધિત લોકલ ટ્રેન કારશેડ તરફ જઈ રહી હતી અને મુસાફરોને તેની જાણકારી જાહેરાત દ્વારા આપવામાં આવી હતી. જોકે, આ દાવાને રેલવે તરફથી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી.
વાયરલ થયેલા વીડિયોના આધારે પણ આ ટ્રેન નિયમિત મુસાફર સેવા હતી કે કારશેડ તરફ લઈ જવામાં આવી રહેલી ટ્રેન હતી, તે સ્પષ્ટ થતું નથી. ટ્રેન સ્થાનકો પર શા માટે ઊભી ન રહી, મુસાફરો માટે કોઈ જાહેરાત કરવામાં આવી હતી કે નહીં અને તે સમયે ટ્રેન કયા હેતુથી દોડી રહી હતી, તે અંગે મધ્ય રેલવેના સત્તાવાર ખુલાસાની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાના વીડિયોએ મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા અને ઇમરજન્સીની પરિસ્થિતિમાં રેલવેની વ્યવસ્થા અંગે ફરી એકવાર સવાલો નિર્માણ કર્યા છે.