Fri Oct 02 2026

Logo

કેપ્ટન સ્મિત મચ્છર સાથે PM મોદીએ વિડીયો કોલથી ગુજરાતીમાં કરી વાત! જાણો શું કહ્યું?

2026-10-02 13:34:00
Author: Devayat Khatana
કેપ્ટન સ્મિત મચ્છર સાથે PM મોદીએ વિડીયો કોલથી ગુજરાતીમાં કરી વાત! જાણો શું કહ્યું?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાય દુબઈ' ફ્લાઇટમાં અદમ્ય સાહસ દાખવીને 174 લોકોને હેમખેમ ધરતી પર ઉતારનારા બહાદુર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી હતી. વડાપ્રધાને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો જીવ બચાવવા બદલ તેમના સાહસની ખૂબ પ્રશંસા કરી હતી. 

હિન્દુસ્તાનીઓ જીવ બચાવનારા લોકો
પીએમ મોદીએ તેમની હિંમતને બિરદાવી જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. વીડિયો કોલ દરમિયાન પીએમ મોદીએ ગર્વભેર કહ્યું હતું કે સ્મિતે સાબિત કરી દીધું છે કે હિન્દુસ્તાનીઓ કોઈનો જીવ લેનારા નહીં, પરંતુ જીવ બચાવનારા લોકો છે. વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિતે વડાપ્રધાન મોદીને સમગ્ર ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે વિકટ પરિસ્થિતિમાં પણ તેમને હિંમત ક્યાંથી મળી. 

દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે
પીએમએ કેપ્ટનનો જુસ્સો વધારતા કહ્યું કે, "આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે અને તમારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજયના જાપ થઈ રહ્યા છે. તમારી હિંમત, સૂઝબૂઝ અને ધીરજને કારણે અનેક લોકોના જીવ બચ્યા છે. આજે દેશ ગર્વથી કહી શકે છે કે ભારતીયો એ નથી જે બીજાનો જીવ લે છે, પરંતુ એ છે જે બીજાનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર રહે છે."

140 કરોડ દેશવાસીઓનું સન્માન વધાર્યું
વીડિયો કોલ દરમિયાન પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું હતું કે, સ્મિતે સાબિત કરી દીધું છે કે ભારતીયો કોઈનો જીવ લેનારા નહીં, પરંતુ જીવ બચાવનારા લોકો છે. વડાપ્રધાને તેમની બહાદુરી, સમયસૂચકતા અને મુશ્કેલ સમયમાં ધૈર્ય જાળવી રાખવાની પ્રશંસા કરતા કહ્યું કે, "તમે ગણતરીની સેકન્ડોમાં નિર્ણય લઈને અનેક લોકોના જીવ બચાવ્યા. શરીર પર આટલા મોટા ઘા હોવા છતાં પોતાના જીવનની પરવાહ કર્યા વિના તમે 140 કરોડ દેશવાસીઓનું સન્માન વધાર્યું છે, મને તમારા પર હૃદયપૂર્વક ગર્વ છે." સમગ્ર દેશ તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મેં વિચાર્યું કે જો હું અત્યારે ઊભો નહીં થાઉં તો.... 
વડાપ્રધાન સાથે વાત કરતા સ્મિત ભાવુક થઈ ગયા હતા. તેમણે પીએમ મોદીને પોતાના સૌથી મોટા પ્રેરણાસ્રોત અને આદર્શ ગણાવીને કહ્યું કે તેમની સાથે વાત કરવી એક ખાસ પળ છે. સ્મિતે વિમાનની અંદર સર્જાયેલી એ ઘટનાની આપવીતી વર્ણવતા રડમસ અવાજે કહ્યું કે, "તે સમયે હું મારી જિંદગી માટે લડી રહ્યો હતો. મને એટલા બધા ઘા વાગ્યા હતા કે હું નીચે ઢળી પડ્યો હતો. જ્યારે મને અહેસાસ થયો કે એરક્રાફ્ટ નીચે જઈ રહ્યું છે, ત્યારે મેં વિચાર્યું કે જો હું અત્યારે ઊભો નહીં થાઉં તો કંઈ પણ થઈ શકે છે." ત્યારબાદ તેમણે ભારે હિંમત ભેગી કરી, ઊભા થઈને કોકપિટનો દરવાજો ખોલ્યો અને બાકીના લોકો મદદ માટે આવી શક્યા.

હનુમાન ચાલીસા જ બોલતો રહ્યો 
મુશ્કેલીના આ સમયમાં ભગવાનની શક્તિ પરના પોતાના વિશ્વાસ વિશે વાત કરતા સ્મિતે જણાવ્યું કે, જ્યારે પણ તેઓ કોઈ સંકટમાં હોય છે ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે. ફ્લાઇટમાં થયેલા હુમલા વખતે પણ તેઓ હનુમાન ચાલીસા જ બોલી રહ્યા હતા અને તેમને ખાતરી છે કે ભગવાને જ તેમને બચાવ્યા છે. 

આ દરમિયાન પીએમ મોદીએ સ્મિતના માતા ગીતાબેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, માતાએ તેમને ભગવદ્ ગીતાના સંસ્કારો, મૂલ્યો અને શિક્ષણ સાથે મોટા કર્યા છે. પીએમ મોદીએ તેમને ખાતરી આપી હતી કે તેમને કોઈ પણ મદદની જરૂર હોય, તેઓ માત્ર એક ફોન કોલ દૂર છે.

ગુજરાતીમાં શું કહ્યું?
આ સાથે અંતે PM મોદીએ કેપ્ટન સ્મિત સાથે ગુજરાતીમાં વાતચીત કરી હતી. તેમણે જય શ્રીકૃષ્ણ કહીને ગુજરાતીમાં થોડી વાતચીત કરવા કહ્યું હતું.  કેપ્ટન સ્મિતના બાળકોને ગુજરાતી આવડે છે કે નહિ તેમજ તેમના બાળકો અંગે વાત કરી હતી. પીએમ મોદીએ સ્મિતના પત્નીની હિંમતને બિરદાવી હતી, તેમણે કહ્યું કે સોનલબેન સાથે વાત થઈ, તેઓ ખૂબ જ હિંમતવાળા છે. કોઇપણ ફરિયાદ વિના એકદમ સ્વસ્થ બનીને મારી સાથે વાત કરી હતી.