Sat Oct 03 2026

Logo

ગેરકાયદે ગર્ભપાત અને જાતિ પરીક્ષણ રોકવા મહારાષ્ટ્ર સરકાર બનાવશે ટાસ્ક ફોર્સ

2026-09-08 20:39:57
Author: Mumbai Samachar Team
ગેરકાયદે ગર્ભપાત અને જાતિ પરીક્ષણ રોકવા મહારાષ્ટ્ર સરકાર બનાવશે ટાસ્ક ફોર્સ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ગેરકાયદેસર ગર્ભપાત પર લગામ લગાવવા અને ગર્ભ જાતિ પરીક્ષણ અટકાવવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરશે. જાહેર આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સરકારી નિર્ણય અનુસાર, વિધાન પરિષદના સભ્ય નીલમ ગોર્હેના નેતૃત્વ હેઠળની આ ટાસ્ક ફોર્સ સોનોગ્રાફી સેન્ટરો અને ક્લિનિક્સની આકસ્મિક તપાસ કરશે, જિલ્લાઓમાં કાયદાના અમલીકરણની સમીક્ષા કરશે અને ગેરકાયદેસર ગર્ભ જાતિ પરીક્ષણ તેમ જ કન્યા ભ્રૂણહત્યાના કિસ્સાઓમાં ઝડપી કાર્યવાહી કરવાની ભલામણ કરશે.
 
આ ટાસ્ક ફોર્સ 'પ્રી-કોન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક અધિનિયમ, ૧૯૯૪' અને 'મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અધિનિયમ, ૧૯૭૧નું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરશે.ત્રણ વર્ષની મુદ્દત ધરાવતી આ ટાસ્ક ફોર્સ પીસી અને પીએનડીટી' કાયદાના અમલીકરણની સમીક્ષા કરવા અને સરકારને સુધારાત્મક પગલાંની ભલામણ કરવા માટે વિવિધ જિલ્લાઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનોની મુલાકાત લેશે.

જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને અન્ય સંબંધિત અધિકારીઓને ટાસ્ક ફોર્સની મુલાકાતો દરમિયાન તેમને વહીવટી, તકનીકી અને રેકોર્ડ સંબંધિત સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સ દર ત્રણ મહિને જાહેર આરોગ્ય વિભાગને તેની તપાસ અને ભલામણો અંગેના અહેવાલો સુપ્રત કરશે, જેના આધારે જરૂરી વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.