Sun Aug 23 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પ હોર્મુઝની ખાડી કેમ ખોલાવી શકતા નથી?

2026-04-06 08:53:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે  સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ ખોલવા માટે ઈરાનને ફરી અલ્ટિમેટમ અને સાથે સાથે લુખ્ખી દાટી પણ આપી દીધી. ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપતાં ધમકી આપી છે કે, ઈરાન નહીં માને તો તબાહ કરી દઈશું. ઈરાન સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ ના ખોલે તો તેના ઊર્જા મથકોને નિશાન બનાવવાની ધમકી પણ ટ્રમ્પે આપી છે. ઈરાન આ અલ્ટિમેટમને માને એવી શક્યતા ઓછી છે કેમ કે ઈરાને ટ્રમ્પના અલ્ટિમેટમને બકવાસ ગણાવ્યું છે. ઈરાને વળતી ધમકી પણ આપી છે કે, અમેરિકાનું લશ્કર ઈરાનમાં પગ પણ મૂકશે તો તેના માટે નરકના દરવાજા ખોલી દેવાશે. 

ઈરાનનો આ મિજાજ નવો નથી કેમ કે ઈરાન પહેલાં પણ ટ્રમ્પનાં ત્રણ અલ્ટિમેટમને ઘોળીને પી ગયું છે. ટ્રમ્પે પહેલાં ઈરાનને પાંચ દિવસની મુદત આપી હતી, પણ ઈરાન એ મુદતને ઘોળીને પી જતાં ટ્રમ્પે વધુ 5 દિવસ લંબાવ્યા હતા. ઈરાને આ અલ્ટિમેટમને પણ ના ગણકારતાં ટ્રમ્પે  હવે માત્ર 48 કલાકની મહેતલ આપી છે, પણ ઈરાન હુમલા નથી રોકી રહ્યું એ જોતાં એ અલ્ટિમેટમને માનવાના મૂડમાં નથી એ સ્પષ્ટ છે. ઈરાને અમેરિકાનાં બે ફાઈટર જેટ પણ ઉડાવી દીધાં છે એ જોતાં ઈરાન નમતું નહીં જ જોખે એવું લાગે છે. 

ટ્રમ્પ લુખ્ખી દાટીઓ આપે છે છતાં હોર્મુઝ સ્ટ્રેઈટ એટલે કે હોર્મુઝની સામુદ્રધુની કેમ ખોલાવી શકતા નથી કેમ કે ઈરાને સમુદ્રમાં વોટર માઈન્સ એટલે કે જળ સુરંગો બિછાવી દીધી છે. ટ્રમ્પે પહેલાં ફિશિયારી મારેલી કે, હોર્મુઝની સામુદ્રધુનીમાં કોઈ વોટર માઈન્સ નથી, પણ અમેરિકન ગુપ્તચર તંત્રે ઈરાને વોટર માઈન્સ બિછાવી હોવાની માહિતી આપી પછી ટ્રમ્પ ટાઢાબોળ થઈ ગયા છે. 

અમેરિકાનું નેવી કંઈ પણ કરે તો ઈરાન આ વોટર માઈન્સથી ફસાયેલાં ક્રૂડનાં જહાજોને ઉડાવવા માંડે ને રીતસર સમુદ્ર ભડકે બળકે બળે તેથી ટ્રમ્પ કશું કરી શકતા નથી. અમેરિકન ગુપ્તચર તંત્રની માહિતી પ્રમાણે, હોર્મુઝ સામુદ્રધુનીમાં મહમ 3 અને મહમ 7 એમ બે પ્રકારની ઈરાની સુરંગો બિછાવવામાં આવી છે, પણ બીજી જળ સુરંગો પણ હોઈ શકે છે. અમેરિકન ગુપ્તચર તંત્ર હોર્મુઝ સ્ટ્રેઈટ સુધી જઈ શકતું નથી પણ સેટેલાઈટ તસવીરો અને બીજો સોર્સને આધારે આ માહિતી મેળવી છે. 

મહમ 3 મોટાં જહાજોના ફુરચેફુરચા ઉડાવી શકે છે જ્યારે મહમ 7 નાનાં અને મધ્યમ કક્ષાનાં જહાજોને ફૂંકી મારી શકે છે. ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીના છીછરા પાણીમાં સેંકડો મહમ 7 માઈન્સ મૂકી હોવાનું મનાય છે. મહમ 7 માઈન્સને  300 ફૂટ જેટલે ઊંડે સમુદ્રમાં તળિયે બેસાડી શકાય છે પણ મહમ 3 તો બિછાવવાની જરૂર પણ નથી.

ઈરાનનાં હેલિકોપ્ટર્સ કે નેવીની બોટ હોર્મુઝ સ્ટ્રેઈટના પાણીમાં જળ સુરંગો ફેંકીને આવી જાય એટલે કામ પતી ગયું. ઈરાને પોતે વિકસાવેલી આ વોટર માઈન્સ પાણીમાં તરતી રહે છે પણ તેમાં એકોસ્ટિક સેન્સર લગાવેલાં હોવાથી પસાર થતાં જહાજને શોધીને તેના તળિયે ચોંટી જાય છે. રીમોટ કંટ્રોલથી ચાલતી હોવાથી ઈરાનના લશ્કરી અધિકારીઓ દૂર બેઠાં બેઠાં વિસ્ફોટ કરીને જહાજને ઉડાવી શકે છે. 

પાણીમાં ઉછળતી ને તરતી રહેતી આ વોટર માઈન્સને દૂરથી જોઈને કોઈને ખતરાનો અંદાજ ના આવે. દરિયામાં તકતી કોઈ ચીજ હોય એવું જ લાગે પણ વિસ્ફોટ કરે ત્યારે જહાજનાં છોતરાં સુદ્ધાં ફાટી જાય. મહમ 7 માઈન્સ 330 કિલો વિસ્ફોટકની બનેલી હોવાથી ગમે તેવા જહાજને ઉડાવવા સક્ષમ છે જ્યારે મહમ 7માં 220 કિલો વિસ્ફોટકો હોવાથી મધ્યમ કે નાનાં જહાજોને ફૂંકી મારી શકે છે.

ઈરાન પાસે અત્યારે 6000 જેટલી વોટર માઈન્સ હોવાનું કહેવાય છે. થોડાં વરસો પહેલાં ઈરાને મહમ 7 માઈન્સની નિકાસ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાના ડરે કોઈ જાહેરમાં બોલતું નથી પણ ઘણા દેશોએ પોતાની દરિયાઈ સુરક્ષા માટે આ વોટર માઈન્સ ખરીદી છે તેથી ઈરાન સતત આ માઈન્સ બનાવ્યા જ કરે છે. આ કારણે ઈરાન પાસે મોટા પ્રમાણમાં  વોટર માઈન્સ છે તેમાં મીનમેખ નથી. 

યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાની નેવીને નિશાન બનાવીને સતત હુમલા કર્યા છે કે જેથી વોટર માઈન્સને સાફ કરી દેવાય. અપાચે હેલિકોપ્ટર અને અ-10 ક્લોઝ એર સપોર્ટ પ્લેનની મદદથી અમેરિકા ઈરાની નેવીનાં નાનાં નાનાં જહાજો પર હુમલા કરી રહ્યું છે પણ ઈરાની નેવી સાફ થતું નથી. ઈરાનના નેવીનો બેઝ બંદર બહેશ્તી ખાતે છે. પહેલાં ચાબહાર તરીકે ઓળખાતા આ નેવલ બેઝમાં કેટલી પેટ્રોલિંગ બોટ કે નાનાં જહાજ છે તેની અમેરિકાને જ ખબર નથી. 

એ સિવાય હોર્મુઝ સ્ટ્રેઈટની આસપાસ બીજાં 15 જેટલાં સી પોર્ટ છે તેથી ઈરાનની અસલી તાકાતનો અમેરિકાને અંદાજ જ નથી આવતો. શિયાઓના શાસનમાં અમેરિકાના જાસૂસોને શોધી શોધીને ખતમ કરી દેવાયા હોવાથી અમેરિકા પાસે અંદરની માહિતી મેળવવાના સ્રોત પણ બહુ નથી તેથી અમેરિકા લાચાર છે. 

રશિયા અને ચીન આ યુદ્ધમાં સીધાં સામેલ નથી, પણ ઈરાનને પાછલા બારણે મદદ કરે જ છે. રશિયા અને ચીન બંને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને જબરદસ્ત સ્પાય નેટવર્ક પણ ધરાવે છે. અમેરિકા સામેના યુદ્ધમાં ઈરાનને તેનો લાભ પણ મળી રહ્યો હોવાથી પણ અમેરિકા લાચાર છે. ટ્રમ્પ પોતે ઈરાનને ચપટીમાં મસળી શકે તેમ હોવાના ફાંકા મારે છે પણ ખરેખર એવું કરી શકવાની સ્થિતિમાં નથી.  

ટ્રમ્પે ફરી ધમકી આપી છે કેમ કે ટ્રમ્પે પોતાનો વટ બતાવવા માટે ધમકી આપવી જ પડે તેમ છે. ટ્રમ્પ કશું કર્યા વિના બેસી રહે તો અમેરિકાની ધાક ખતમ થઈ જાય તેથી  ટ્રમ્પ ધમકી આપે છે, પણ અંદરખાને ટ્રમ્પ પણ હાંફવા માંડ્યા છે ને સમાધાન ઈચ્છે છે. ટ્રમ્પ ઈરાનને કોઈ પણ રીતે મંત્રણાના ટેબલ પર લાવીને સમાધાન કરાવવા ઊંચાનીચા થઈ રહ્યા છે પણ ઈરાન આ  મામલે પણ મચક નથી આપતું.
 
અમેરિકાની શરતો સામે ઈરાને પોતે પણ શરતો મૂકી છે અને અમેરિકા પોતાની શરતો ના માને તો મંત્રણામાં રસ નથી એવું સોઈ ઝાટકીને કહી દીધું છે તેથી ટ્રમ્પ બરાબરના ભેરવાયા છે. ટ્રમ્પે વાસ્તવિકતા સમજીને નરમ પડવાની જરૂર છે. એક મહિનાના યુદ્ધમાં ઈરાને સાબિત કરી દીધું છે કે, ઈરાન વેનેઝુએલા નથી કે અમેરિકાનું આર્મી પ્રમુખના ઘરમાં ઘૂસીને તેને ઉઠાવી જાય ને આર્મી કશું ના કરી શકે. ઈરાન ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યું છે એ જોતાં ટ્રમ્પે મમત મૂકીને સમાધાન કરી લેવું જોઈએ. અમેરિકાની આબરૂ પણ સચવાઈ જશે ને દુનિયાને પણ ફાયદો થશે.