Tue Aug 18 2026

Logo

વેસ્ટર્ન રેલવેમાં ગંદકી કરનારા ચેતજો: 27 લાખનો દંડ વસૂલ્યા બાદ હવે ટ્રેનોમાં લાગશે 'નેનો' ટેકનોલોજી

2026-08-18 15:44:32
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોમાં પાન-ગુટકાના કારણે થતી ગંદકીને રોકવા માટે હવે કડક દંડ જોગવાઈ સાથે નેનો ટેકનોલોજીનો પણ સહારો લેવામાં આવ્યો છે. એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન થૂંકવા અને અસ્વચ્છતા ફેલાવવાના 12,265 કેસ નોંધીને પશ્ચિમ રેલવેએ 27.18 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમ છતાં ડબ્બાઓમાં ડાઘની સમસ્યા યથાવત્ રહેતા રેલવેએ ડાઘથી કાયમી છુટકારો મેળવવા માટે નવી ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય લીધો છે.

વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ
રેલવે અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, માટુંગા રોડ કારશેડ ખાતે આશરે 5 લાખના ખર્ચે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે દાદર અને મુંબઈ સેન્ટ્રલ કારશેડની કેટલીક લોકલ ટ્રેનોમાં જર્મન નેનો ટેકનોલોજી આધારિત ‘વોલગાર્ડ’ અને ‘મેટલગાર્ડ’ કોટિંગ કરવામાં આવ્યું છે. આ કોટિંગ ટ્રેનના ડબ્બાની અંદરની દીવાલ, દરવાજા અને અન્ય મેટલ સપાટીઓ પર લગાવવામાં આવી રહ્યું છે. આગામી તબક્કામાં આ સુવિધાને અન્ય રેક સુધી વિસ્તારવામાં આવશે.

હવે સફાઈમાં લાગશે 5 મિનિટ
આ કોટિંગની મુખ્ય વિશેષતા એ છે કે તેના કારણે પાન-ગુટખાના ડાઘ સપાટી પરથી ઊંડે સુધી પ્રવેશી શકતા નથી. જેના કારણે અગાઉ જે ડાઘ સાફ કરવામાં લગભગ 30 મિનિટનો સમય લાગતો હતો તે હવે માત્ર 5 મિનિટમાં સાફ થઈ શકશે. આ ઉપરાંત આ કોટિંગ કાટ, હવામાનની અસર અને સામાન્ય ઘસારાથી પણ રક્ષણ પૂરું પાડે છે તથા અંદાજે 5 વર્ષ સુધી ટકી રહેવાની શક્યતા છે.

વિરારમાંથી સૌથી વધુ દંડ વસૂલ્યો
દંડની કાર્યવાહીની વાત કરીએ તો પહેલી એપ્રિલથી 31 જુલાઈ 2026 દરમિયાન ચર્ચગેટ-વિરાર ઉપનગરીય માર્ગ પર ચાલતી લોકલ ટ્રેનો અને 34 સ્ટેશનો પર થૂંકવા બદલ કુલ 12,265 કેસ નોંધાયા હતા, આમાંથી વિરાર સૌથી વધુ 1,242 કેસ અને 4.31 લાખ રૂપિયાના દંડ સાથે પહેલા ક્રમે છે. ત્યાર બાદ બોરીવલીમાં 1,016 કેસ અને 2.09 લાખ, દાદરમાં 806, અંધેરીમાં 756 અને ચર્ચગેટમાં 485 કેસ નોંધાયા હતા.

રેલવેમાં રોજના 35 લાખ પ્રવાસીનો પ્રવાસ
રેલવે તંત્રની વ્યૂહરચના સ્પષ્ટ છે કે માત્ર ટેકનોલોજી પર આધાર રાખવામાં આવશે નહીં. સ્વચ્છતા જાળવવા માટે દંડ, જનજાગૃતિ અભિયાન અને નિયમિત સફાઈની કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવશે. રોજ 35 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડતી લોકલ ટ્રેનોમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું એ રેલવેની પ્રાથમિકતા છે તેવી માહિતી પણ રેલવેના અધિકારીઓએ આપી હતી.