ભરત ભારદ્વાજ
કૉંગ્રેસના નેતાઓને દેશની બહુમતી પ્રજાની લાગણીને અવગણવામાં આનંદ આવતો લાગે છે. આ માનસિકતાનું તાજું ઉજાહરણ શ્રીનગરમાં ‘વંદે માતરમ્’ના આખા ગાન સામે કૉંગ્રેસે ઊભો કરેલો ડખો છે. શ્રીનગરમાં સોમવારથી જમ્મુ અને કાશ્મીર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ચાલુ થયો છે. આ મહોત્સવમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડો. ફારુક અબ્દુલ્લાએ પધરામણી કરેલી. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના આખા ગાનથી કરાઈ ને ઓમર તથા ફારુક બંનેએ આખું ‘વંદે માતરમ્’ ગાયું તેની સામે કૉંગ્રેસને વાંધો પડી ગયો છે.
જમ્મુ અને કાશ્મીરમાં કૉંગ્રેસ ઓમર અબ્દુલ્લાની સરકારમાં ભાગીદાર છે તેથી કૉંગ્રેસના જનરલ સેક્રેટરી અને સંગઠનના કારભારી કે. સી. વેણુગોપાલે વણમાગી સલાહ આપી દીધી છે કે, નેશનલ કોન્ફરન્સે આખું ‘વંદે માતરમ્’ ગાવાના બદલે કૉંગ્રેસની જેમ બે જ અંતરા ગાવા જોઈએ અને કૉંગ્રેસની સાથે રહીને સાથી ધર્મ નિભાવવો જોઈએ. નેશનલ કોન્ફરન્સે કૉંગ્રેસને સામી ચોપડાવી છે કે, કૉંગ્રેસ સાથી પક્ષોએ શું કરવું ને શું ના કરવું એ નક્કી ના કરી શકે. અમારે કઈ રીતે વર્તવું તેની અક્કલ અમારામાં છે જ એટલે અમને જ્ઞાન આપવાનું બંધ કરો.
કૉંગ્રેસના વાંધાને કારણે ભાજપને ‘વંદે માતરમ્’ મુદ્દે કૉંગ્રેસને ભાંડવાની તક મળી ગઈ છે એટલે ભાજપ પણ આ વિવાદમાં કૂદયો છે. ભાજપે કૉંગ્રેસને એકવીસમી સદીની ‘મુસ્લિમ લીગ’ ગણાવીને કહ્યું છે કે, ‘વંદે માતરમ્’ના સંપૂર્ણ ગાન સામે કાશ્મીર ખીણના અલગતાવાદી નેતાઓને વાંધો નથી પણ કૉંગ્રેસને વાંધો છે તેના પરથી સાફ છે કે, દિમાગી નક્સલ કૉંગ્રેસ હવે ‘મુસ્લિમ લીગ કૉંગ્રેસ’માં પરિવર્તિત થઈ ગઈ છે અને ધર્માંધ તથા કટ્ટરપંથી પરિબળોનાં પગોમાં આળોટી ગઈ છે. ભાજપના પ્રહાર સામે કૉંગ્રેસે પણ ‘વંદે માતરમ્’ પર રાજકારણ રમવાનો આક્ષેપ મૂકતાં સામસામી આક્ષેપબાજી જામી છે.
આ આક્ષેપબાજીથી દેશને ફાયદો થાય એવું કશું નિપજવાનું નથી પણ કૉંગ્રેસની મુસ્લિમ કટ્ટરવાદીઓનાં તળવાં ચાટવાની માનસિકતા ફરી છતી થઈ ગઈ તેમાં બેમત નથી. કૉંગ્રેસ આખું ‘વંદે માતરમ્’ ગાવા સામે વાંધો લે છે તેનું એક માત્ર કારણ મુસ્લિમ મતબેંકની ચિંતા છે. કૉંગ્રેસ હજુય એવા ભ્રમમાં જીવે છે કે, મુસ્લિમ મતદારો મુઠ્ઠીભર મુલ્લા-મૌલવીઓ કે નેતાઓના ખૂંટે બંધાયેલા છે ને તેમના કહેવા પ્રમાણે મત આપે છે એટલે તેમને ખુશ રાખીશું તો મુસ્લિમોના મત સાગમટે આપણને મળશે. આ મુઠ્ઠીભર મુલ્લા-મૌલવીઓ કે નેતા ‘વંદે માતરમ્’ના આખા ગાન સામે વિરોધ કરે છે એટલે કૉંગ્રેસ પણ હઈસો હઈસો કરીને મચી પડી છે.
કૉંગ્રેસની મોટી તકલીફ એ છે કે, ભૂતકાળમાંથી બહાર આવવા તૈયાર નથી ને 1937માં સ્થગિત થઈ ગઈ છે. આ કારણે 1937માં દેશમાં જે માહોલ હતો એ જ માહોલ અત્યારે પણ છે એવું માનીને વર્તે છે. 1937માં ‘વંદે માતરમ્’ના બે જ અંતરા ગાવાનો નિર્ણય એટલે લેવાયેલો કે મુસ્લિમ લીગ તેનો વિરોધ કરતી હતી. ‘વંદે માતરમ્’નો વિરોધ કરીને મુસ્લિમ લીગ સંપૂર્ણ મુસ્લિમ સમાજને પોતાની તરફ વાળી દેશે એવા ડરથી એ નિર્ણય લેવાયેલો. આ નિર્ણય ખોટો હતો કેમ કે 1937માં પણ મુસ્લિમ લીગના મુઠ્ઠીભર નેતાઓને જ વિરોધ હતો, બહુમતી મુસ્લિમોને કોઈ વિરોધ નહોતો ને ‘વંદે માતરમ્’માં કશું મુસ્લિમ કે ઈસ્લામ વિરોધી છે જ નહીં.
કૉંગ્રેસને લાગે છે કે, 90 વર્ષ પછી પણ ભારતના મુસ્લિમો એવા જ છે. હજુય મુસ્લિમો ‘વંદે માતરમ્’ ગાવા તૈયાર નથી ને આ ભ્રમમાંથી બહાર આવવા કૉંગ્રેસ તૈયાર નથી. આ માન્યતાનું કારણ એ કે, કૉંગ્રેસનો સામાન્ય મુસ્લિમો સાથે કોઈ સંપર્ક જ નથી અને કૉંગ્રેસ હજુય કઠમુલ્લાઓ ને બની બેઠેલા ઠેકેદાર નેતાઓનાં ચશ્માંથી જ મુસ્લિમોને જુએ છે. એકવીસમી સદીનો ભારતીય મુસ્લિમ સમાજ બહુ બદલાઈ ગયો છે એ જ તેમને ખબર નથી. એવું ના હોત તો મુસ્લિમો ‘વંદે માતરમ્’ના આખા ગાનનો વિરોધ કરવા માટે મેદાનમાં ના આવી ગયા હોત ? બીજું કંઈ નહીં તો કમ સે કમ સોશ્યલ મીડિયા પર તો આ વિરોધ જોવા મળ્યો હોત કે નહીં ?
સદ્નસીબે મુસ્લિમો દ્વારા ‘વંદે માતરમ્’ના આખા ગાન સામે કોઈ વાંધા પણ નથી ઉઠાવાયા કે વિરોધ પણ નથી કરાયો તેથી તેમને કોઈ વાંધો જ નથી. આ વાત અબ્દુલ્લાઓને સમજાઈ ગઈ પણ ‘વંદે માતરમ્’ના આખા ગાન સામે વિરોધથી મુસ્લિમોને પોતાની તરફ વાળીને ફરી સત્તામાં આવવાનાં શેખચલ્લીનાં સપનાં જોતા કૉંગ્રેસીઓને સમજાતી નથી.
કૉંગ્રેસના નેતાઓમાં એટલી અક્કલ પણ નથી કે, ગયા મહિને સ્વાતંત્ર્ય દિને કૉંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ આખા ‘વંદે માતરમ્’નું ગાન અટકાવ્યું હોવાનો વિવાદ થયો ત્યારે પણ મુસ્લિમોએ સોનિયાનું વલણ યોગ્ય હોવાનું કહ્યું નહોતું. કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ એ પછી ‘વંદે માતરમ્’ અંગેની 1937ના ઠરાવનું પાલન કરીને હવે પછી કૉંગ્રેસના તમામ કાર્યક્રમોમાં રાષ્ટ્રગીતના માત્ર બે જ શ્ર્લોક ગાવાનો નિર્ણય લીધો તેને પણ સમર્થન નથી મળ્યું. કૉંગ્રેસે ત્યારે જ મુસ્લિમોને આ વાતમાં કોઈ રસ નથી ને આખું ‘વંદે માતરમ્’ ગાવા સામે વાંધો નથી એ સમજી જવાની જરૂર હતી પણ કૉંગ્રેસ જૂનાં ચશ્માં ઉતારવા જ તૈયાર નથી.
કૉંગ્રેસ પોતાના વલણને યોગ્ય સાબિત કરવા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓના નામે પણ ચરી ખાઈ રહી છે. વેણુગોપાલે જ્ઞાન પિરસ્યું છે કે, આખું ‘વંદે માતરમ્’ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે સર્વસમાવેશી અને વિવિધતાસભર વિચારધારાની કલ્પના કરી હતી અને પોષી હતી તેને સુસંગત જણાતું નથી. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય નરેન્દ્ર દેવ, મૌલાના આઝાદ, સરોજિની નાયડુ અને જે.બી. કૃપલાનીએ બહુ વિચાર કરીને બે જ શ્ર્લોક ગાવાનો નિર્ણય લીધેલો અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે તેને સમર્થન આપેલું. આ કારણે કૉંગ્રેસે બે જ શ્ર્લોક ગાવાનો નિર્ણય લીધો છે ને સાથી પક્ષોએ તેને માન આપવું જોઈએ.
કૉંગ્રેસની દલીલ બંધારણનું અપમાન કરનારી છે કેમ કે આજનું ભારત 1937નું ભારત નથી. એ વખતે અંગ્રેજોનું રાજ હતું ને આપણું બંધારણ નહોતું બન્યું. અત્યારે પ્રજાસત્તાક ભારતનું પોતાનું બંધારણ છે ને આ બંધારણ પ્રમાણે કાયદો બનાવીને કેન્દ્ર સરકારે આખું ‘વંદે માતરમ્’ ગાવાનો નિયમ બનાવ્યો છે. કૉંગ્રેસ આ બંધારણીય જોગવાઈને માનવા તૈયાર નથી ને અંગ્રેજો વખતના ઠરાવનું પૂંછડું ઝાલીને બેઠી છે એ બંધારણનું અપમાન ના કહેવાય તો બીજું શું કહેવાય ?
બીજી એક વાત પણ જાણવી જરૂરી છે. કૉંગ્રેસે બે શ્ર્લોક સાથેના વંદે માતરમ્ને રાષ્ટ્રીય ગીત જાહેર કર્યું તેની સામે પણ મોહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગને વાંધો હતો. મુસ્લિમ લીગનું કહેવું હતું કે, આખું ગીત જ ઈસ્લામ વિરોધી છે તેથી તેને સ્વીકારી ના શકાય. કૉંગ્રેસે મુસ્લિમ લીગને રીઝવવા આખા ગીતને નકાર્યું પણ મુસ્લિમ લીગે તો તેને પણ ના સ્વીકાર્યું તેનો અર્થ એ કે, વિરોધ કરવો હોય તો ગમે તે રીતે કરી શકાય. આ માનસિકતાને કૉંગ્રેસે પોષી અને હજુય પોષે છે.