Thu Oct 15 2026

Logo

નિવૃત્તિ પછી ગમતી પ્રવૃત્તિ સાથે પૂરતું વળતર મેળવવાની બીજી ઇનિંગ્સ!

2026-10-15 08:26:00
Author: Neela Sanghvi
નિવૃત્તિ પછી ગમતી પ્રવૃત્તિ સાથે પૂરતું વળતર મેળવવાની બીજી ઇનિંગ્સ!

 

નીલા સંઘવી

એક વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે વિચારે છે કે ‘બસ હવે બહુ થયું. બહુ કામ કર્યું. હવે તો બસ આરામ કરવો છે, હરવું ફરવું છે અને જલસા કરવા છે. હવે કમાવાની જરૂર નથી. આટલાં વર્ષો કામ કરીને ઇનફ કમાઈ લીધું છે. સારી એવી બચત છે, હવે કાંઈ કામ કરવું નથી. વર્ષો કામના દબાણ હેઠળ જીવ્યો છું. 

હવે કોઈ સ્ટ્રેસ જોઈએ નહીં.’ તો વળી બીજી કોઈ વ્યક્તિ એવું વિચારે, કામ તો ઘણું કર્યું, પૈસા કમાઈ લીધા, બચત કરી લીધી. હવે સમાજ માટે કાંઈ કરવું છે. હવે પૈસા કમાવા નથી. હવે સમાજસેવા કરવી છે. તો કોઈ ત્રીજી વ્યક્તિ જિંદગીમાં બહુ વધારે કમાઈ શકી નથી. હજુ તેમની પાસે પૂરતી બચત નથી. કંપનીએ તો રિટાયર્ડ કરી દીધા હવે શું કરવું? હજુ સ્વાસ્થ્ય સારું છે, કામ કરી શકાય તેમ છે, પૈસાની જરૂર છે, પણ કામ મેળવવું મશ્કેલ છે. 

આમ નિવૃત્ત થનાર વ્યક્તિ અલગ અલગ વિચારો ધરાવે છે. મોટા ભાગના લોકો જો જરૂર ન હોય તો પૈસા કમાવાનું વિચારતા નથી. જરૂરતમંદ વિચારે છે. ઘણીવાર એવું બને કે પૈસાની જરૂર ન હોય, પણ કામ સામેથી પૂછતું આવે તો પછી રિવોર્ડ પણ સારો મળે. તો એવી તક કોઈ શા માટે જતી કરે?

રશ્મિનભાઈ એમનું નામ. વિદ્વાન વ્યક્તિ વર્ષો સુધી જાણીતી કૉલેજમાં પ્રોફેસર તરીકે સેંકડો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર કર્યું. ગુજરાતી વિષય ભણાવ્યો. અખાના છપ્પા અને પ્રેમાનંદનાં આખ્યાન, કનૈયાલાલ મુનશીની ‘પાટણની પ્રભુતા’, મનુભાઈ પંચોલી ‘દર્શક’ની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ જેવી નવલકથા શીખવતા પ્રોફેસર રશ્મિન તલ્લીન થઈ જતા. 

વિદ્યાર્થીઓને પણ પ્રોફેસર રશ્મિન જે શીખવે તે તરત યાદ રહી જતું હતું, કારણ કે પ્રોફેસરની શીખવવાની રીત જ અદ્ભુત હતી. તેમનો અવાજ પણ સાંભળવો ગમે એવો. પ્રોફેસર રશ્મિન વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. સમય જતાં, ઉંમર થતાં પ્રોફેસરે રિટાયર્ડ થવાનું હતું. હજુ સ્વસ્થ તન અને મન સાથે રિટાયર્ડ થવાની પ્રોફેસર રશ્મિભાઈની ઇચ્છા ન હતી, પરંતુ સરકારશ્રીના નિયમો તો પાળવા જ પડેને?     

પ્રોફેસર રિટાયર્ડ થયા. કૉલેજના આચાર્ય, સાથી પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓએ રશ્મિનભાઈનો વિદાય સમારંભ ગોઠવ્યો. તેમનું સન્માન કર્યું. ‘સર’ સાથેના પ્રસંગો વાગોળ્યા. સરે શીખવેલાં કાવ્યો, વ્યાકરણ તો તે શીખ્યા જ હતા, સાથે સાથે સરે પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠાના જે પાઠ ભણાવ્યા હતા તે પણ તેઓ જિંદગીભર યાદ રાખશે તેવું કહ્યું ત્યારે પ્રોફેસર રશ્મિનની આંખોમાં હર્ષનાં આંસુ હતાં.

વર્ષોથી સવારે ઊઠીને તૈયાર થઈને કૉલેજ જવાની ટેવ. પંદર દિવસ-મહિનો તો સારું લાગ્યું. વહેલા ઊઠવું નહીં, આરામ કરવાનો, પણ ધીરે ધીરે કંટાળો આવવા માંડ્યો. ઊઠીને કૉલેજ જવાનું, વિદ્યાર્થીઓને મળવાનું એ એમનું ગમતું કામ હતું. વળી કૉલેજમાં જે પાઠ ભણાવવાનો હોય એની થોડી તૈયારી કરવાની. એટલે કૉલેજથી ઘેર આવીને પણ એક બે કલાક પ્રોફેસરના અધ્યયનમાં જ જતા. રશ્મિનભાઈનું વાંચન વિશાળ એટલે પોતાના વિષય માટે આમ તો તેમને તૈયારી કરવાની જરૂર જ ન પડે, છતાંયે એટલા નિષ્ઠાવાન કે એમના વિદ્યાર્થીઓને કાંઈક નવું મળે, અનોખું મળે તે માટે સંશોધન કરતા રહે.

હવે આ બધું છૂટી ગયું હતું. તેથી એક કામ જે તે પોતાના કાર્યકાળ દરમિયાન કરતા હતા તે ચાલુ રાખવાનું તેમણે વિચાર્યું. પોતાના ઘેઘૂર અવાજને કારણે અને અનેક વિષયોમાં નિપુણ હોવાને કારણે તેમને કાર્યક્રમનું સંચાલન કરવાનો મહાવરો હતો. કેટલાયે સાહિત્યિક તેમજ સામાજિક કાર્યક્રમનું સંચાલન તેમણે કર્યું હતું. નિવૃત્ત સમયમાં પણ તેમણે કાર્યક્રમ સંચાલનનું કાર્ય ચાલુ રાખ્યું.  
 
એમાં એક વખત એક પ્રસિદ્ધ કથાકારની કથા સમયે મંચ સંચાલન કરવાનું આમંત્રણ રશ્મિનભાઈને મળ્યું. રશ્મિનભાઈએ એ આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું અને પછી તો પૂછવું જ શું? રશ્મિનભાઈનો અવાજ અને વિદ્વતા સૌને અપીલ કરી ગયા અને રશ્મિનભાઈકી ગાડી તો ચલ પડી. ગાડી એવી તો ચલ પડી કે આજ સુધી બ્રેક લાગી નથી. 73-74 વર્ષની વય હશે રશ્મિનભાઈની. આ ઉંમરે તે સતત કાર્યરત છે અને ફક્ત કાર્યરત નથી સારામાં સારું મહેનતાણું પણ મેળવે છે. 

આજ સુધીમાં અનેક કથાઓનું સંચાલન મંચ પરથી કર્યું છે. આકાશવાણી અને દૂરદર્શન પર તો તે વર્ષોથી સંચાલન કરતા જ હતા. ભારત સરકાર સંચાલિત ફિલ્મ ડિવિઝનમાં પણ સેંકડો ડૉક્યુમેન્ટરી માં તેમણે પોતાનો અવાજ આપ્યો અને આજે પણ સતત તેમને ડૉક્યુમેન્ટરીમાં વૉઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે આમંત્રણ મળતાં જ રહે છે.

આ બધાં કામની સાથે એક અનોખું કાર્ય કરવાની ઑફર એમને એક વાર મળી. વૈદિક વિવાહવિધિનું સંચાલન કરવાની. આ ક્ષેત્ર રશ્મિનભાઈ માટે નવું હતું, પણ રશ્મિનભાઈએ પડકાર ઝીલી લીધો. ગીત-સંગીત સાથે લગ્નવિધિનું મહત્ત્વ એવી રીતે સમજાવ્યું કે જેમનાં વિવાહ હતાં તે દંપતી અને સગાં-સંબંધીઓ ખુશ થઈ ગયા. પછી શું? બસ, પછી તો આ કામ માટેનું તે બ્રાન્ડ નેમ બની ગયા. 

તેમણે દેશ-વિદેશમાં 400 જેટલી સંગીતબદ્ધ વૈદિક વિવાહવિધિનું ગુજરાતી, મારવાડી, બંગાળી, પંજાબી, સિંધી, દક્ષિણ ભારતીય પરિવારોમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં સંચાલન કર્યું અને હજુ આ કામ અવિરત ચાલ્યા જ કરે છે. હવે આવનારી લગ્નની સિઝનમાં તેમના સંચાલનના કાર્યક્રમોનું બુકિંગ શરૂ પણ થઈ ગયું છે.

ટૂંકમાં જો તમારામાં ટૅલેન્ટ હોય તો વૃદ્ધાવસ્થામાં પણ કામ કરીને સારી કમાણી થઈ શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે રશ્મિનભાઈ. જો સ્વાસ્થ્ય સારું હોય, મનગમતું કામ મળતું હોય, સરસ રિવોર્ડ મળતો હોય તો વૃદ્ધાવસ્થામાં પણ એ તક ઝડપી જ લેવી જોઈએ... રશ્મિનભાઈનું ઉદાહરણ જાણીને તમે પણ આ વાત સાથે સહમત થશો.