શ્વેતા જોષી અંતાણી
ઉનાળાની રજાઓ ચાલી રહી હતી. એક સવારે માનસીએ રસોડામાં મમ્મી-પપ્પાને વાત કરતાં સાંભળ્યાં.
‘આપણા બાજુના બંગલામાં નવી ફૅમિલી રહેવા આવવાની છે. મુંબઈથી અમદાવાદ શિફ્ટ થઈ રહ્યાં છે. એમની દીકરી પણ માનસીની ઉંમરની જ છે. કદાચ એ પણ માનસીની સ્કૂલમાં જ ભણવા જશે.’
માનસીના ચહેરા પર તરત જ સ્મિત આવી ગયું. આખી સોસાયટીમાં એની ઉંમરનું કોઈ નહોતું. એને લાગ્યું કે હવે રજાઓમાં એકલા બેસીને કંટાળવું નહીં પડે. થોડા દિવસ થયા ત્યાં મમ્મીની વાત અનુસાર પાડોશમાં રિયા પોતાના પરિવાર સાથે રહેવા આવી. પહેલી જ મુલાકાતમાં બંને વચ્ચે એવી દોસ્તી થઈ કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતી હોય. રિયા મુંબઈની વાતો કરતી અને માનસી અમદાવાદની. બંને કલાકો સુધી ગપ્પાં મારતી, સાથે ગીતો સાંભળતી અને સાંજે બૅડ્મિન્ટન રમવા જતી.
સ્કૂલ શરૂ થઈ ત્યારે રિયાને નવી સ્કૂલમાં જરાય મુશ્કેલી ન પડી. માનસીએ એને શિક્ષકોનો સ્વભાવ, કયા ક્લાસમાં ક્યાં બેસવું અને કઈ પરીક્ષામાં કેવા પ્રશ્ર્નો પુછાય એ બધું સમજાવી દીધેલું. સમય જતાં બન્નેની દોસ્તી વધુ ગાઢ બનતી ચાલી, પરંતુ પહેલી જ ટર્મની પરીક્ષાએ પાસો બદલી નાખ્યો.
એમાં થયું એવું કે રિયાએ વર્ગમાં બીજો નંબર મેળવ્યો હતો, જ્યારે માનસીને સરેરાશ ગુણ મળ્યા હતા. માનસીને પોતાની નિષ્ફળતાનું દુ:ખ તો થયું, પણ એણે રિયાને હસીને અભિનંદન આપ્યાં.
‘વાહ! તું તો બહુ હોશિયાર નીકળી!’ ઘરે પહોંચતાં જ મમ્મીએ રિપોર્ટ કાર્ડ જોઈને મોઢું બગાડ્યું. ‘માનસી, તું આખો દિવસ ફોનમાં અને મિત્રો સાથે જ વ્યસ્ત રહે છે. જરા રિયા પાસેથી શીખ. નવી સ્કૂલમાંથી આવીને પણ બીજો નંબર લાવી છે. તને તો અહીં ભણતાં કેટલાં વર્ષ થઈ ગયાં!’
માનસીએ ચૂપચાપ સાંભળી લીધું. એને ખબર હતી કે હવે જવાબ આપશે તો વાત લાંબી ચાલશે. એ પછી જાણે રિયા એની મમ્મી માટે આદર્શ દીકરી બની ગઈ. રિયા સમયસર ભણે, રિયા પોતાની મમ્મીને મદદ કરે, રિયા કેટલી સરસ રીતે વાત કરે! દરેક વાતમાં રિયાની પ્રશંસા અને માનસીની ટીકા. માનસીને રિયા પ્રત્યે ઈર્ષ્યા નહોતી. એને તો પોતાની દોસ્તની સફળતાનો આનંદ હતો, પરંતુ જ્યારે એ જ સફળતાને આધારે વારંવાર એની સરખામણી થતી ત્યારે એના મનમાં રિયા માટે અજાણ્યો ગુસ્સો જન્મવા લાગ્યો.
થોડાં અઠવાડિયાં પછી પરીક્ષાઓ નજીક આવતાં મમ્મીએ સાંજે બૅડ્મિન્ટન રમવા જવાની મનાઈ કરી દીધી. ‘હવે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી ઘરમાં બેસીને ભણવાનું. મને રિયા જેવા માર્ક્સ જોઈએ છે,’ માનસી ગુસ્સાથી ધ્રૂજી ઊઠી:
‘મમ્મી, હું રિયા નથી! મારી પોતાની આવડત છે, મારી પોતાની રીત છે. દર વખતે એની સાથે મારી સરખામણી કરવાની શું જરૂર છે?’
‘તો પછી એના જેટલા માર્ક્સ લાવી બતાવ!’ મમ્મીએ તરત જવાબ આપ્યો. એ દિવસે માનસી રમવા ના ગઈ. બીજા દિવસે સ્કૂલમાં રિયાએ પૂછ્યું ત્યારે માનસીએ ખોટું બોલી દીધું કે એની તબિયત સારી નહોતી. રિયાએ વધુ પૂછ્યું તો માનસી ગુસ્સે થઈ ગઈ. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત ઓછી થઈ. સાથે જમવાનું, રિસેસમાં હસવાનું અને ઘરે પાછાં ફરતાં રસ્તામાં ગપ્પાં મારવાનું બધું અટકી ગયું. માનસીને અંદરથી ખબર હતી કે રિયાનો કોઈ વાંક નહોતો, છતાં એને લાગતું હતું કે રિયા એની જિંદગીમાંથી દૂર થઈ જાય તો કદાચ મમ્મીની સરખામણીઓ પણ બંધ થઈ જાય.
પરીક્ષાઓ પૂરી થઈ. મમ્મીએ ફરી રમવા જવાની છૂટ આપી, પણ માનસીને હવે મેદાનમાં જવાનું મન થતું નહોતું. ધીમે-ધીમે માનસીએ રિયા સાથેની દરેક બાબત પર ચોકડી મારી.
એમ ને એમ સમય વીતતો ગયો. કંટાળેલી રિયાએ એકવાર સામેથી પૂછી લીધું :
‘માનસી, તે અચાનક મારી સાથે વાત કરવાનું કેમ બંધ કરી દીધું હતું? મેં કંઈ ખોટું કર્યું હતું?’ માનસીની આંખો ઝૂકી ગઈ.
‘ના, તારો કોઈ વાંક નહોતો. મમ્મી સતત તારી સાથે મારી સરખામણી કરતી હતી. તારા માર્ક્સ, તારી આદતો, તારી હોશિયારી... બધું જ. મને એટલો ગુસ્સો આવતો કે મેં તારી સાથે જ વાત કરવાનું બંધ કરી દીધું.’
રિયા પહેલાં તો આશ્ચર્યથી જોઈ રહી, પછી ખડખડાટ હસી પડી. ‘અરે! બસ આટલી જ વાત? મારી મમ્મી પણ એવું જ કરે છે! એ કહે છે કે માનસી કેટલી સમજદાર છે, મમ્મીને કેટલી મદદ કરે છે અને બધાની સાથે કેટલો સરસ વ્યવહાર કરે છે. મને તો ઘણી વાર કહે છે કે માનસી પાસેથી કંઈક શીખ!’
માનસી થોડી ક્ષણો સુધી એને જોતી રહી. પછી બંને એકસાથે હસી પડી.
‘એટલે આપણે બંને એકબીજાની મમ્મીની નજરમાં આદર્શ દીકરીઓ છીએ!’ માનસીએ કહ્યું. ‘હા, પણ આપણને જ ખબર છે કે આપણે ખરેખર કેટલા આદર્શ છીએ!’ રિયાએ આંખ મારી.
થોડી વાર પછી માનસી ગંભીર થઈ ગઈ. ‘રિયા, તને નથી લાગતું કે મોટેરાઓ સરખામણી કરીને અજાણતાં આપણને એકબીજાથી દૂર કરી દે છે?’ રિયાએ એનો હાથ પકડી લીધો :
‘લાગે છે, પણ આપણે એટલાં નાનાં પણ નથી કે બીજાની સરખામણીને કારણે પોતાની દોસ્તી ગુમાવી દઈએ,’ બન્ને ફરી હસી પડી.
મમ્મીઓ કદાચ પ્રેમથી જ સરખામણી કરતી હશે, પણ ક્યારેક એ પ્રેમના શબ્દો બાળકોના મનમાં અણગમો અને અંતર ઊભું કરી દે એ આનું નામ...