પાવાગઢઃ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે નવરાત્રિના પાવન પર્વ દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દર્શનાર્થે આવેલા વાઘોડિયાના એક યુવકનો ભદ્રકાળી મંદિર નજીક શોર્ટકટ રસ્તેથી પસાર થતી વખતે અચાનક પગ લપસતાં અંદાજે 1000 ફૂટ ઊંડી ખીણમાં પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મૌત નીપજ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બનાવથી યાત્રાધામમાં દર્શનાર્થીઓ વચ્ચે શોકની લાગણી છવાઈ ગઈ છે.
સાથીદારોની નજર સામે જ બની દુર્ઘટના
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવકની ઓળખ અનિલ શંકર ભીલ તરીકે થઈ છે. તે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નિસરપૂર ગામનો વતની હતો અને હાલ વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતો હતો. નવરાત્રિ દરમિયાન પોતાના ત્રણ મિત્રો અને બે નાના બાળકો સાથે માં મહાકાળીના દર્શન કરવા માટે પાવાગઢ આવ્યો હતો. ભદ્રકાળી મંદિર તરફ જતી વખતે તેમણે શોર્ટકટ માર્ગ પસંદ કર્યો હતો, જ્યાં અચાનક સંતુલન ગુમાવતાં તે ઊંડી ખીણમાં પટકાયો હતો.
કલાકોની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો
આ દુર્ઘટના અંગે જાણ થતાં જ ગોધરા SDRF ની ટીમ અને હાલોલ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ખીણ અત્યંત ઊંડી અને દુર્ગમ હોવા છતાં, રેસ્ક્યૂ ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટેમોર્ટમ અર્થે હાલોલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પાવાગઢ પોલીસ સ્ટેશને આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કરૂણ ઘટના બાદ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓની સુરક્ષા પર ફરી પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ માઈભક્તો અને યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે, દર્શન માટે જતી વખતે જોખમી શોર્ટકટ માર્ગોનો ઉપયોગ કરવાને બદલે નિર્ધારિત અને સુરક્ષિત રસ્તાઓનો જ ઉપયોગ કરવો જેથી આવી હોનારત ટાળી શકાય! અત્યારે આ દુર્ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણીઓ છવાયેલી છે.