મુંબઈઃ માત્ર બાળકો જ નહીં પણ યુવાનો પણ હવે જમતી વખતે બેફામ ફોનનો ઉપયોગ કરતા હોય છે. આજ કાલ ડાઈનિંગ ટેબલ પર જમતી વખતે મોબાઈલ એક્સેસની માત્રા વધતી જાય છે.ઓફિસની કેન્ટિન હોય કે ઘરનું રસોડું, મોબાઈલ સતત ચાલું રહેતો હોય છે. જો તમે આને મલ્ટિટાસ્કિંગ કહેતા હોવ તો આ ખરેખર તમારૂ શરીર બગાડી શકે છે. મોટાભાગના લોકો આ આદતમાં ઢળી રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ અને તબીબો કહે છે કે, જમતી વખતે મોબાઈલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
મગજ અને પેટ વચ્ચે સીધો સંબંધ
આવું કરવા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જ્યારે તમારું સંપૂર્ણ ધ્યાન મોબાઈલ સ્ક્રીન પરના વીડિયો કે ચેટ પર હોય છે, ત્યારે તમારું મન બે અલગ-અલગ દુનિયા વચ્ચે ફંટાઈ જાય છે. મેડિકલ સાયન્સ એવું કહે છે કે, પેટ અને મગજ વચ્ચે સીધો ચેતાકીય (neurological) સંબંધ હોય છે. જ્યારે આપણે ભોજન કરીએ છીએ, ત્યારે લગભગ 20 મિનિટ પછી પેટ મગજને સંકેત મોકલે છે કે પેટ ભરાઈ ગયું છે.
જોકે, જ્યારે મન સ્ક્રીનમાં મગ્ન હોય છે, ત્યારે તે આ સંકેતને ચૂકી જાય છે. આને "માઈન્ડલેસ ઈટિંગ" (mindless eating) એટલે કે સભાનતા વિના ખોરાક લેવો કહેવામાં આવે છે. આના પરિણામે, ખ્યાલ પણ ન આવે તે રીતે તમે તમારા શરીરની વાસ્તવિક જરૂરિયાત કરતાં 30 થી 50 ટકા વધુ ખોરાક ખાઈ શકો છો. વધુમાં, ફોન પર ધ્યાન હોવાને કારણે, લોકો ખોરાકને યોગ્ય રીતે ચાવવાને બદલે સીધો ગળી જાય છે. આનાથી માત્ર કેલરીનું પ્રમાણ ઝડપથી વધતું નથી, પરંતુ વજન વધવામાં અને પેટની ચરબી જમા થવામાં પણ વધારો થાય છે.
સમજો આ ન્યૂરોલોજી
જો તમામ પ્રયાસો છતાં વજન ઘટાડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવ, તો ભોજન કરતી વખતે તમારા ફોનને તમારી થાળીથી દૂર રાખવાનો પ્રયાસ કરો. મેડિકલ સાયન્સ એવું કહે છે કે, પાચનનું પહેલું પગથીયું પેટથી નહીં પણ મોઢાથી શરૂ થાય છે. ખોરાકને જોવાથી લઈને મોઢામાં મૂકવા સુધીની પ્રક્રિયામાં એના સ્વાદ, સુગંધ અને રંગનોનું પણ એક અલગ વિજ્ઞાન દિમાગમાં હોય છે. એ જમવાનું પીરસાય એ સમયે એક્ટિવ થાય છે. જ્યારે મન આ વસ્તુને ડીકોડ કરીને સમજવાનો પ્રયાસ કરે છે ત્યારે ગણતરીની સેકન્ડમાં મન ફરી મોબાઈલમાં ચોંટી ગાય છે. એટલા આ પ્રક્રિયા ભયંકર કરી ખોરવાઈ જાય છે.
AI(પ્રતીકાત્મક તસવીર)
સ્ટ્રેસ વધે છે, પેટ વધે છે
આંખ મોબાઈલ જોવામાં વ્યસ્ત હોય છે ત્યારે શરીર રેસ્ટ અને ડાઈઝેસ્ટ મોડમાં જવાના બદલે એક માનસિક તણાવગ્રસ્ત સ્થિતિમાં પહોંચે છે. સ્ક્રિન પર સતત અને સખત રીતે ફરતા રંગો, અવાજ, નોટિફિકેશન, સોશિયલ મીડિયા ઈન્ડિકેશન મનમાં સ્ટ્રેસ હોર્મોન વધારે છે જેની માઠી અસર શરીર પર થાય છે. મન જ્યારે તણાવગ્રસ્ત હોય છે એવા સમયે પાચનતંત્રમાં ઓટોમેટિક બ્લડફ્લો ઘટી જાય છે.પાચન માટેના પાચકરસ પૂરી રીતે આંતરડા સુધી પહોંચતા નથી. યોગ્ય માત્રામાં નીકળતા નથી. હવે સંપૂર્ણ રીતે ન ચાવેલું જમવાનું પણ પેટમાં પહોંચે ત્યારે તેને પચાવવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે. આના કારણે ક્યારેક જમ્યા બાદ પણ પેટમાં દુખાવો થાય છે.
બીજી અસર એ થાય છે કે, જે જમવાનું પચતું નથી એ પેટમાં સડી જાય છે. આનાથી ગેસ, બ્લોટિંગ, એસીડીટી જેવી પરેશાનીઓ ઊભી થાય છે. આનાથી ફેટ વધે છે અને પેટ પણ વધે છે. માત્ર જમતી વખતે જ નહીં પણ ટોયલેટમાં પણ ઘણા લોકો મોબાઈલ લઈને જતા હોય છે. અનેક અભ્યાસોએ સાબિત કર્યું છે કે ફોનની સ્ક્રીન પર ટોયલેટ સીટ કરતાં દસ ગણા વધુ જોખમી બેક્ટેરિયા અને જંતુઓ હોઈ શકે છે. દિવસભર આપણા ફોનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે મેટ્રોમાં, ઓફિસમાં, લિફ્ટમાં, સાર્વજનિક શૌચાલયોમાં અને રસ્તા પર ફરતી વખતે.
પરિવારના સંબંધો પર થશે અસર
જમવા બેસતા પહેલા કદાચ આપણે હાથ ધોઈએ છીએ, પરંતુ જમતી વખતે આપણે ઘણીવાર તે ગંદી ફોન સ્ક્રીનને આંગળીઓથી સ્પર્શીએ છીએ અને પછી એ જ હાથ વડે ખોરાકનો ટુકડો તોડીને મોઢામાં મૂકીએ છીએ. જોખમી બેક્ટેરિયા ખોરાક દ્વારા સીધા તમારા પેટમાં પ્રવેશી શકે છે, જેનાથી ફૂડ પોઈઝનિંગ, ઝાડા અને આંતરડાના ગંભીર ચેપ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જમતી વખતે સ્ક્રીનમાં મગ્ન રહેવાથી વાતચીતમાં મુશ્કેલી ઊભી થાય છે. આના પરિવારના સભ્યો સાથેના સંબંધો નબળા પડે છે. તેથી, જો સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને મહત્વ આપતા હોવ, તો જમવા માટે ફાળવેલી વીસ મિનિટ દરમિયાન તમારો ફોન ડાઇનિંગ ટેબલથી દૂર, બીજા રૂમમાં રાખો.