દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
અઠવાડિયામાં યેનસેનના હાથમાંથી નંબર-વન રૅન્ક જતી રહી
સાઉથ આફ્રિકાનો ઑલરાઉન્ડર માર્કો યેનસેન હજી અઠવાડિયા પહેલાં પહેલી જ વખત ટેસ્ટના બોલર્સમાં વર્લ્ડ નંબર-વન બન્યો હતો, પરંતુ ગણતરીના દિવસોમાં ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્કે તેના કબજામાંથી એ રૅન્ક પાછી લઈ લીધી છે. ટેમ્બા બવુમાના સુકાનમાં સાઉથ આફ્રિકાએ કેપ ટાઉનની જે છેલ્લી ટેસ્ટ સાથે સિરીઝ 2-1થી જીતી લીધી એ ટેસ્ટમાં યેનસેન ત્રણ વિકેટ લઈ શક્યો હતો, જ્યારે સ્ટાર્ક નવ વિકેટ મેળવી શક્યો હતો જેને લીધે નંબર-વન રૅન્ક પાછી તેની પાસે આવી ગઈ છે.
વડોદરા, મુંબઈમાં રમાશે ડબ્લ્યૂપીએલની મૅચો
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલની આગામી સીઝન 14 જાન્યુઆરીથી સાતમી ફેબ્રુઆરી સુધી રમાશે અને આ ટૂર્નામેન્ટની મૅચો વડોદરા તથા મુંબઈમાં રમાશે. બન્ને સ્થળે 11-11 મૅચ રમાશે. 14મી જાન્યુઆરીની પ્રથમ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ અને બે ટાઇટલ જીતી ચૂકેલા મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. 2026ની ડબ્લ્યૂપીએલની મૅચો વડોદરા ઉપરાંત હાલમાં રિનોવેશન હેઠળના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
મહાદેવ સટ્ટા એપના મુખ્ય આરોપીના સાથી રવિ ઉપ્પલની યુએઇમાં અટકાયત
મહાદેવ ઓનલાઇન સટ્ટા એપમાં તપાસ એજન્સીઓને વધુ એક સફળતા મળી છે. જેમાં આ કેસમાં મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરના સાથી રવિ ઉપ્પલની યુએઇમાં અટકાયત કરવામાં આવી છે. રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઇન સટ્ટા એપની સિન્ડીકેટમાં સૌરભ ચંદ્રાકરના ખાસ સહયોગી માનવામાં આવે છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ
ગુજરાતમાં કોંગ્રેસના દિવાળી પૂર્વે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 1 લી નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં ગેરહાજર યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં સ્ટેટ સેક્રેટરી સહિત 24 જિલ્લા પ્રમુખોને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીનો સીએમ ભગવંત માન પર પ્રહાર, કહ્યું જોક્સ કહેતી વખતે મોંમાંથી દારૂની વાસ આવે છે
પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસે સીએમ ભગવંત માન પર પ્રહાર શરૂ કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંજાબના સંગરુરમાં રેલી દરમિયાન જણાવ્યું હતું કે ભગવંત માન સવારે 11 વાગ્યે જોક્સ કહેતા હતા ત્યારે તેમના મોંમાંથી દારૂની વાસ આવતી હતી.
મહાદેવ સટ્ટા એપનો આરોપી સૌરભ ચંદ્રાકર આઠ દિવસના CBI રિમાન્ડ પર, મોટા નામ ખૂલવાની શકયતા
દેશભરમાં ચર્ચામાં રહેલા મહાદેવ ઓનલાઇન સટ્ટા એપ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને સીબીઆઈએ રાયપુરની વિશેષ અદાલતમાં રજૂ કર્યો હતો.જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સીબીઆઇના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેની પૂછપરછ દિલ્હીમાં કરવામાં આવશે.જેના પગલે સીબીઆઈ 11 નવેમ્બર સુધી સૌરભ ચંદ્રાકરની પૂછતાછ કરશે. તેમજ તેમાં અનેક મોટા નામ ખૂલે તેવી શક્યતા છે.
ઉત્તરાખંડના કેદારતાલમાં 4000 ફૂટની ઉંચાઇ પરથી ચાર ટ્રેકર્સના મૃતદેહ મળ્યા, હિમ સ્ખલન થતાં ફસાયા હતા
ઉત્તરાખંડના ઉત્તર કાશીના કેદારતાલમાં 27 ઓકટોબરના રોજ ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા ટ્રેકર્સમાંથી ચારના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં 12 લોકો ગંગોત્રીથી કેદારતાલ ટ્રેક માટે રવાના થયા હતા. તેમજ ખરાબ હવામાનના લીધે આ દળ પરત ફરી રહ્યું હતું. ત્યારે રસ્તા પર હિમ સ્ખલન થતાં આ દળ તેની ચપેટમાં આવ્યું હતુ. જેમાં ચાર સભ્યો, ત્રણ પૉર્ટર અને એક રસોઇયાને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. જ્યારે 7 ટ્રેકર્સ અને એક ગાઈડ ફસાયા હતા. જેમની સતત શોધ કરવામાં આવી રહ્યા છે.
અમેરિકાની મિડટર્મ ચૂંટણી મુદ્દે જયરામ રમેશનું નિવેદન, કહ્યું લોકોએ ટ્રમ્પને સ્પષ્ટપણે નકાર્યા...
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ ચાલી રહી છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટી આગળ છે. જેની બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે મધ્યસત્ર ચૂંટણીઓ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓએ એક આશ્ચર્યજનક ચુકાદો આવ્યો છે. જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે નકારી કાઢવામાં આવ્યા છે.
વન-ડે શ્રેણીમાં પણ ભારતની વિજય શરૂઆત
ઑકલૅન્ડમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને વન-ડે સિરીઝની પ્રથમ મૅચમાં પાંચ વિકેટે હરાવ્યું છે. નમન ધીરે વિનિંગ ફોર ફટકારી હતી. ભારતીય બોલર્સે કિવી બૅટ્સમેનોને 185 રન સુધી સીમિત રાખ્યા એને લીધે વરસાદના વિઘ્નો વચ્ચે ભારતની જીત આસાન થઈ ગઈ હતી. ભારતે 32 ઓવરમાં 143 રન બનાવવાના નવા ટાર્ગેટને પગલે 22.4 ઓવરમાં પાંચ વિકેટે 143 રન બનાવી લીધા હતા. ચાર વિકેટ લેનાર અર્શદીપ અને ત્રણ વિકેટ મેળવનાર ગુરનૂર બ્રાર ભારતીય બોલિંગના બે હીરો હતા, જ્યારે બૅટિંગમાં વિરાટ કોહલી (74 રન 51 બૉલ, એક છગ્ગો, 13 ચોગ્ગા)એ કિવીઓને ભારતીય ટીમ પર હાવિ નહોતા થવા દીધા. ગિલે 37 રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડના બોલર્સમાં પેસર જેકબ ડફીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. હવે શનિવારે વેલિંગ્ટનમાં બીજી વન-ડે રમાશે.

ઑકલૅન્ડમાં મેઘરાજા પણ રમત રમે છે
ઑકલૅન્ડના ઇડન પાર્કમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે વરસાદને લીધે ખોરવાઇ રહી છે. જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ભારતનો સ્કોર વરસાદના છેલ્લા વિઘ્ન વખતે 12 ઓવરમાં 1/64 હતો. રોહિત શર્મા શરૂઆતમાં જ ઝીરોમાં આઉટ થયા પછી કેપ્ટન શુભમન ગિલ 27 રને અને વિરાટ કોહલી 29 રને દાવમાં હતા. ભારતે ત્યારે 228 બૉલમાં 122 રન બનાવવાના બાકી હતા. જોકે ફરી રમત શરૂ થયા બાદ 13મી ઓવરને અંતે ટીમનો સ્કોર એક વિકેટે 74 રન હતો. ગિલ 28 રને અને કોહલી 38 અને રમી રહ્યો હતો.

મિડટર્મમાં ટ્રમ્પની હાર પર બરાક ઓબામાનું નિવેદન
અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામ પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ નિવેદન આપ્યું છે. કહ્યું કે, અમેરિકામાં મતદારોએ વિભાજનકારી રાજકારણને નકારી કાઢ્યું છે. વધુમાં કહ્યું કે, સાથે મળીને કામ કરવાની શાસન વ્યવસ્થા, મજબૂત સમાધાન અને લોકોને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેવા નેતૃત્વની અત્યારે માંગ છે. ડોનાલ્ડ ટ્રમ્પની હાર પર ઓબામાએ તીખા પ્રહાર કર્યાં છે.
ભારતને 186 રનનો લક્ષ્યાંક મળ્યા પછી રોહિત ઝીરોમાં આઉટ
ન્યૂ ઝીલૅન્ડ સામે ઑકલૅન્ડની પ્રથમ વન-ડેમાં જીતવા માટે ભારતને 186 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યા પછી ભારતે શરૂઆતમાં જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પાછો આવી ગયો હતો. જેમીસનના બૉલમાં સેન્ટરનરે તેનો કૅચ ઝીલ્યો હતો. કેપ્ટન ગિલ પાંચ રને રમી રહ્યો હતો અને તેની સાથે વિરાટ કોહલી જોડાયો હતો.
પૂંછડિયા કિવીઓએ પરેશાન કર્યા પછી ભારતને મળ્યો 186 રનનો લક્ષ્યાંક
ઑકલૅન્ડમાં પાંચ વન-ડેવાળી શ્રેણીની પ્રથમ મૅચમાં ન્યૂ ઝીલૅન્ડ જીતવા માટે ભારતને 186 રનનો સાધારણ લક્ષ્યાંક આપી શક્યું છે. એક તબક્કે કિવીઓની સાતમી વિકેટ 115મા રને પડી હતી. 9મી વિકેટ 146 રન પર પડી હતી, પરંતુ છેલ્લા બે બૅટ્સમેન બ્લેર ટિકનર (34 રન, 23 બૉલ, ચાર છગ્ગા, એક ચોગ્ગો) અને જેકબ ડફી (15 અણનમ, 21 બૉલ, ત્રણ ચોગ્ગા)એ ભારતીય બોલરોને ખૂબ હંફાવ્યા હતા અને ફીલ્ડરોને દોડાવ્યા હતા. બંને બૅટ્સમેન વચ્ચે છેલ્લી વિકેટ માટે 39 રનની ભાગીદારી થઈ હતી. તેઓ તેમનો સ્કોર 9/146 પરથી છેલ્લે 10/185 સુધી લઈ ગયા હતા. અર્શદીપે ચાર વિકેટ, બ્રારે ત્રણ વિકેટ અને કંબોજે બે વિકેટ લીધી હતી. એક બૅટ્સમેન રનઆઉટ થયો હતો. હવે રોહિત, વિરાટ, ગિલ તેમ જ અન્ય બૅટ્સમેનોની કસોટી થશે.

મિડટર્મ ચૂંટણીના પરિણામ વચ્ચે ટ્રમ્પનું નિવેદન
અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું બેલેટ (ચૂંટણીના મેદાનમાં)માં નહોતો, જો હોત તો અમે ભારે બહુમતી સાથે જીત હાંસલ કરોત’. મિડટર્મ ચૂંટણીના રિઝલ્ટ વચ્ચે ટ્રમ્પનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓએ મારી બાજી
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં આજે મતગણતરી થઈ રહી છે. આમાં ભારતીય મૂળના નેતાઓ બાજી મારી ગયાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય મૂળના નેતા પિયા ડાંડિયા, અરૂણા મિલર અને સુહાસ સુબ્રમણ્યમે આ મિડટર્મ ચૂંટણીમાં જીત હાંસલ કરી લીધી છે. આ ત્રણેય નેતાઓ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે, જેમણે રિપબ્લિક પાર્ટીના નેતાઓને માત આપી છે.
કિવીઓ પર અર્શદીપ પછી ગુરનૂર બ્રાર ત્રાટકયો: બે ઓવરમાં બે વિકેટ લીધી
ઑકલૅન્ડમાં ભારતે વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલામાં ન્યૂ ઝીલૅન્ડને મુશ્કેલીમાં મૂકી દીધું છે. કિવીઓએ પહેલા 40 રનમાં બે વિકેટ ગુમાવી હતી જે અર્શદીપ સિંહે લીધી હતી. તેમનો સ્કોર 17મી ઓવરને અંતે 84 રન હતો ત્યાં સુધીમાં તેમણે બીજી બે વિકેટ ગુમાવી દીધી હતી અને એ બંને વિકેટ પેસ બોલર ગુરનૂર બ્રારે બે ઓવરમાં મેળવી હતી. બ્રારે ઓપનર ટિમ સાઇફર્ટ (38 રન)ને પૅવિલિયન ભેગો કર્યા બાદ બીજા ડેન્જરસ બૅટ્સમૅન ટૉમ લૅથમ (ત્રણ રન)નો ડાબા હાથે અફલાતૂન વળતો કૅચ ઝીલ્યો હતો.

ન્યૂ ઝીલૅન્ડની બીજી વિકેટ પણ અર્શદીપે લીધી
ઑકલેન્ડમાં આજે અહીં ઇડન પાર્કના મેદાન પર ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થયેલી વન-ડે સિરીઝની પહેલી બંને વિકેટ પેસ બોલર અર્શદીપ સિંહે લીધી હતી. તેની ત્રીજી ઓવરના ત્રીજા બૉલમાં ઓપનર વિલ યંગ આઉટ થયો હતો. સ્ક્વેર લેગમાં શ્રેયસ ઐયરે તેનો ઊંચો આસાન કૅચ ઝીલ્યો હતો. એ સમયે ન્યૂ ઝીલૅન્ડનો સ્કોર એક વિકેટે બાવીસ રન હતો. આ વિકેટ પડી એની થોડી વાર પહેલાં આકિબ નબીના એક બૉલમાં નમન ધીરે ટિમ સાઇફર્ટનો સરળ કૅચ છોડ્યો હતો. જોકે કિવીઓની બીજી વિકેટ પણ અર્શદીપ સિંહે લીધી હતી. એમાં નમન ધીરે નિકોલ્સ (નવ રન)નો કૅચ ઝીલ્યો હતો. આ વખતે નમન ધીરે સીધો કૅચ ઝીલવામાં કોઈ ભૂલ નહોતી કરી. 11મી ઓવરને અંતે ન્યૂ ઝીલૅન્ડનો સ્કોર બે વિકેટે 54 રન હતો. સાઇફર્ટ 24 રને અને ડેરિલ મિચલ 12 અને દાવમાં હતા.

આસામમાં દૂષિત પાણી પીવાથી 52 વિદ્યાર્થીઓની તબિયત લથડી
આસામમાં ગુવાહાડીની કોલેજમાં આવેલી હોસ્ટેલમાં દૂષિત પાણી પીવાના કારણે 52 વિદ્યાર્થીની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીઓએ પાણીમાંથી દૂર્ગધ આવતી હોવાની ફરિયાદ પણ કરી હતી. બાદમાં જ્યારે પાણીની ટાંકી ચેક કરવામાં આવી ત્યારે તેમથી મરેલો વાંદરો મળી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે આ વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
વન-ડે સિરીઝની પહેલી વિકેટ અર્શદીપે લીધી
ઑકલૅન્ડમાં ન્યૂ ઝીલેન્ડ સામે શરૂ થયેલી પાંચ મૅચવાળી વન-ડે સિરીઝની પ્રથમ વિકેટ લેફ્ટ આર્મ પેસ બોલર અર્શદીપ સિંહે લીધી છે. તેની ત્રીજી ઓવરના ત્રીજા બૉલમાં ઓપનર વિલ યંગ આઉટ થયો હતો. સ્ક્વેર લેગમાં શ્રેયસ ઐયરે તેનો ઊંચો આસાન કૅચ ઝીલ્યો હતો. એ સમયે ન્યૂ ઝીલૅન્ડનો સ્કોર એક વિકેટે બાવીસ રન હતો. આ વિકેટ પડી એની થોડી વાર પહેલાં આકિબ નબીના એક બૉલમાં નમન ધીરે ટિમ સાઇફર્ટનો સરળ કૅચ છોડ્યો હતો.

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી, શરૂઆતી આંકડામાં ટ્રમ્પના પાર્ટી પાછળ
અમેરિકામાં ત્રણ નવેમ્બરે મિડટર્મ ચૂટંણી માટે મતદાન શરૂ થઈ ગયું હતું. અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓમાં મતદાન બાદ પરિણામની વાત કરવમાં આવે તો, તખ્તો પટલાઈ શકે તેવું શરૂઆતી આંકડા પરથી લાગી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે, ડેમોક્રેટિક પાર્ટી આગળ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ ચાલી રહી છે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અગ્ની પરિક્ષા સમાન છે.
ભારત-ન્યૂ ઝીલેન્ડની પ્રથમ વન-ડેમાં ભારતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી: શરૂઆત વિલંબમાં
ઑકલેન્ડમાં ન્યૂ ઝીલૅન્ડમાં ભારતની પ્રથમ વન-ડે સિરીઝને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એ અવસરે આજે અહીં ઇડન પાર્કના મેદાન પર શરૂ થઈ રહેલી પાંચ મૅચની વન-ડે સિરીઝનો ટૉસ વરસાદને લીધે થોડો વિલંબમાં મુકાયો હતો. જોકે 20 મિનિટના વિલંબ બાદ સિક્કો ઉછાળવામાં આવતા શુભમન ગિલે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર થયો બ્લાસ્ટ
રાજસ્થાનમાં આવેલા શ્રીગંગાનગરમાં અનૂપગઢ-સુરતગઢ રેલવે ટ્રેક પર જોરદાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટના કારણે ટ્રેકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ટ્રેક પરથી અનૂપગઢ-સુરતગઢ ટ્રેન પસાર થઈ તે પછી બ્લાસ્ટ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અત્યારે સુરક્ષાના કારણે અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આ સાથે બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.