Wed Oct 14 2026

Logo

રશ્મિકા મંદાનાની આ સાઈડ તો તમે જોઈ જ નહીં હોય, કર્યું એવું કામ કે...

2026-10-14 20:30:39
Author: Darshana Visaria
રશ્મિકા મંદાનાની આ સાઈડ તો તમે જોઈ જ નહીં હોય, કર્યું એવું કામ કે...

સાઉથ અને બોલીવૂડમાં પોતાની અદાકારીથી કરોડો દિલો પર રાજ કરનાર અભિનેત્રી રશ્મિકા મંદાના ફરી એકવાર પોતાના સેવાકાર્યને કારણે ચર્ચામાં આવી છે. પોતાની આગામી ફિલ્મ 'રણબાલી'ની રિલીઝ પહેલાં રશ્મિકાએ એક અત્યંત પ્રશંસનીય પહેલ કરતાં 400 જરૂરિયાતમંદ પરિવારોને દત્તક લીધા છે. ખુદ રશ્મિકાએ આ વાતનો ખુલાસો કર્યો છે, ચાલો જાણીએ આ પાછળની આખી સ્ટોરી... 

બોલીવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના પોતાની દમદાર એક્ટિંગની સાથે સાથે જ તેની સૂઝબૂઝ અને અદ્ભૂત સમજશક્તિને કારણે પણ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. આ પહેલ અંતર્ગત તે આગામી એક વર્ષ સુધી દર ત્રણ મહિના માટે આ પરિવારોના કરિયાણા અને રાશનનો તમામ ખર્ચ ભોગવશે, જેથી આ ગરીબ પરિવારો પોતાના પૈસા બચાવીને ભવિષ્યનું આયોજન કરી શકે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ આ સેવાકાર્ય 'રશ્મિકા દેવરકોંડા'ના નામે શરૂ કર્યું છે.

ફિલ્મ 'રણબાલી'ના કિરદાર 'જયમ્મા'થી પ્રેરિત નિર્ણય

રશ્મિકાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે કેટલાક પાત્રો એવા હોય છે જે કલાકારની અંગત જિંદગી અને વિચારસરણી પર ઊંડી અસર છોડી જાય છે. આગામી ફિલ્મ 'રણબાલી'માં તેણે ભજવેલું પાત્ર 'જયમ્મા' પણ આવું જ છે. રશ્મિકાએ સ્પષ્ટ કર્યું કે તેનો આ નિર્ણય જયમ્માના પ્રભાવ અને તેની અંદર રહેલી સેવાભાવનાનું જ પરિણામ છે.

શા માટે સેવાકાર્યને જાહેરમાં લાવવાનો નિર્ણય કર્યો?

અત્યાર સુધી આવા સામાજિક કાર્યોને ગુપ્ત રાખતી રશ્મિકાએ જણાવ્યું હતું કે પહેલાં હું આ બધી વાતો છુપાવીને રાખતી હતી કારણ કે મને લાગતું હતું કે મારી ટીમ અને મારા સુધી જ આ વાત રહે તે પૂરતું છે. પરંતુ હવે હું આ અંગે ખુલીને વાત કરી રહી છું, જેથી મારા ચાહકો અને અન્ય લોકો પણ પ્રેરિત થઈને જરૂરિયાતમંદોની મદદ કરવા આગળ આવે. આજે મેં 400 પરિવારોને દત્તક લીધા છે. 

રશ્મિકાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે દર ત્રણ મહિને 400 પરિવારોની મદદ કરવાનો આ સિલસિલો આખું વર્ષ ચાલશે. મારો ઉદ્દેશ્ય એ છે કે તેમના રાશનનો ખર્ચ બચે અને તેઓ આ નાણાં પોતાના પરિવારના સુરક્ષિત ભવિષ્ય માટે વાપરી શકે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાના ટૂંક સમયમાં જ મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'રણબાલી'માં વિજય દેવરકોંડા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 16મી ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત રશ્મિકા આગામી સમયમાં ફિલ્મ 'માયસા'માં પણ લીડ રોલમાં જોવા મળશે.