(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ‘એ’ વોર્ડમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની નજીક આવેલા
સાબુ સિદ્દીક માર્ગ, મુસાફિર ખાના અને મનીષ માર્કેટ વિસ્તારોમાંથી ૯૨ અનધિકૃત સ્ટોલ સામે મુંબઈ મહાનગરપાલિકાના અતિક્રમણ નિર્મૂલન વિભાગ મારફત કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યા હતા.
પાલિકાના ઝોન એકના ડેપ્યુટી કમિશનર ચંદા જાધવે જણાવ્યું હતું મંગળવારે, ૧૩ ઑકટોબરના રોજ સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન અહીં ગેરકાયદે બાંધકામ જણાઈ આવ્યા હતા. એ બાદ ‘પેડસ્ટ્રીયન ફર્સ્ટ’ અભિયાન હેઠળ બુધવારે અતિક્રમણ નિર્મૂલન અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ અંતર્ગત સાબુ સિદ્દીક માર્ગ, મુસાફિરખાના અને આસપાસના વિસ્તારોમાં ૯૨ અનધિકૃત સ્ટોલ પર ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તાડપત્રી, વાંસ, લોખંડના પાઇપ અને લોખંડના પતરાંથી બનેલા કામચલાઉ બાંધકામો અને કાયમી બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા હતા.
આ સાથે જ ૭૫૦ ચોરસ ફૂટના ગોડાઉન સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૩૦ પોલીસ અમાલદારોની પોલીસ ટુકડી તહેનાત કરવામાં આવી હતી.