Wed Oct 14 2026

Logo

દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં ત્રિરંગો લહેરાવવા અભિજીત દીપકેની દેશભક્તોને અપીલ કરી...

2026-10-14 21:34:29
Author: Mumbai Samachar Team
દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં ત્રિરંગો લહેરાવવા અભિજીત દીપકેની દેશભક્તોને અપીલ કરી...

નવી દિલ્હીઃ કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દીપકેએ લોકોને સેન્ટ્રલ પાર્કમાં ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે. તેણે 16 ઓક્ટોબરે આ હાકલ કરી હતી. દિપકેએ તમામ દેશભક્ત નાગરિકોને શુક્રવારે સેન્ટ્રલ પાર્ક પહોંચવા અને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિનંતી કરી છે.

અભિજીત દીપકેએ ‘એક્સ’ પર એક વીડિયો જાહેર કરીને કહ્યું કે આશુતોષ રાંકા અને સૌરવ દાસને ફક્ત ત્રિરંગો ફરકાવવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. હું ત્રિરંગાને પ્રેમ કરતા તમામ દેશભક્તોને અપીલ કરું છું કે તેઓ 16 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં ત્રિરંગો લઈને પહોંચે. આપણે ત્યાં ત્રિરંગો ફરકાવીશું. આપણે તેમને કહીશું કે ત્રિરંગો ફરકાવવો ગુનો નથી.

દિલ્હી પોલીસે સીજેપીના ત્રણ નેતાઓ, આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્ય શિંદેની ધરપકડ કરી હતી. તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે એસઈએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આશુતોષ અને સૌરવ દાસને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.

આશુતોષ અને સૌરવને શાંતિ જાળવી રાખવાના બોન્ડનો ભંગ કરવા અને જંતર-મંતરમાં પ્રવેશવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. જંતર મંતર હવે વિરોધ પ્રદર્શન કરવા માટેના સ્થળમાં સામેલ નથી. 

નોંધનીય છે કે પોલીસે મંગળવારે સીજેપી નેતાઓની ધરપકડ કરી હતી. તેઓએ ત્રિરંગો હાથમાં લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સંગઠને કહ્યું કે તેમણે જંતર-મંતર અને વિરોધ પ્રદર્શન કરવાના તેમના અધિકારને 'પાછો મેળવ્યો' છે.

તેણે કહ્યું હતું કે, "જે લોકો દિલ્હી આવી શકતા નથી, તેઓ પોતપોતાના શહેરોમાં સાંજે ત્રિરંગા માર્ચ કાઢે અને દર્શાવે કે ત્રિરંગો એ આપણું ગૌરવ છે. આ પછી મને પણ જેલમાં ધકેલવામાં આવી શકે છે પરંતુ મને તેની ચિંતા નથી. ત્રિરંગો મારું ગૌરવ છે અને હું તેને લહેરાવીશ જ." 

પોલીસે જણાવ્યું હતું કે તેમના સાથી અજિંક્ય શિંદેને છ મહિના સુધી શાંતિ અને સારો વ્યવહાર જાળવી રાખવાની શરતે વ્યક્તિગત બોન્ડ અને 5000 રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.