નવી દિલ્હીઃ ઈન્ટરનેટ સંબંધિત વિષયોની ચર્ચા જ્યારે પણ વૈશ્વિક ફલક પર થાય છે ત્યારે ઈન્ટરનેટ પાછળ ખર્ચાતા રૂપિયાનો મુદ્દો અવશ્ય ઉછળે છે. એક ચોક્કસ સમય બાદ અને મોંઘવારીના આ સમયમાં વાત એવી સામે આવી છે, જ્યાં ભારતમાં ઈન્ટરનેટ ડેટા સસ્તો હોવાનું જાણવા મળ્યું છે. ભારતનું નામ એ દેશની યાદીમાં છે જ્યાં મોબાઈલ ડેટા ખૂબ સસ્તો છે. પણ દુનિયાના બીજા પણ કેટલાક દેશ છે જ્યાં ભારત કરતા પણ સસ્તો ડેટા છે. આ યાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે જ્યાં ઈન્ટરનેટ ડેટા ભારત કરતા સસ્તો છે.
1GBની કિંમત ભારતમાં કેટલી?
ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા કૂદકે-ભૂસકે વધી રહી છે. એક અનુમાન અનુસાર દેશમાં આશરે 50 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત એ દેશમાં સામેલ છે જ્યાં ઈન્ટરનેટ ડેટા સસ્તો છે. પણ આ યાદીમાં છ દેશ એવા છે જ્યાં ડેટા ભારત કરતા પણ સસ્તો છે, જ્યાં 1 GB ડેટાની કિંમત ભારતમાં ઈન્ટરનેટ ડેટાની કિંમત કરતા ઘણી ઓછી છે.
આ છ દેશમાં ઈઝરાયલ, ઈટલી, ફિજી, સેન મરીનો, કમ્બોડિયા અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. કેબલ યુકેના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી સસ્તુ ઈન્ટરનેટ ઈઝરાયલમાં છે. ઈઝરાયલમાં સૌથી સસ્તો ઈન્ટરનેટ ડેટા છે. જ્યારે મિડલ ઈસ્ટમાં આવેલા દેશમાં 1 GB મોબાઈલ ડેટાની એવરેજ 0.02 ડૉલર છે.
ભારતીય રૂપિયામાં આનું રૂપાંતર કરવામાં આવે તો માંડ ₹ 1.90 થાય છે. આ પછી બીજા ક્રમે ઈટલી છે, જ્યાં 1 GB મોબાઈલ ડેટાની સરેરાશ કિંમત 0.09 ડૉલર છે. એ પછી ફિજી (0.09 ડૉલર), સેન મરીનો (0.10 ડૉલર), કંબોડિયા (0.12 ડૉલર) અને પાકિસ્તાનમાં 1 GB ડેટાની કિંમત 0.12 ડૉલર આશરે 11.40 રૂપિયા છે. ભારતની ગણતરી કરવામાં આવે તો ભારતમાં 1GB ડેટાની કિંમત 15.60 રૂપિયા છે.
237 દેશમાં સર્વે કરાયો
આ સર્વેમાં કુલ 237 દેશને સામેલ કરાયા હતા અને દરેક દેશના 1GBના ભાવની સરેરાશ કાઢવામાં આવી હતી. કુલ 5603 પ્લાનના આધાર પર એવરેજ કાઢવામાં આવી હતી. દરેક દેશના મોબાઈલ ઈન્ટરનેટ રીચાર્જના પ્લાનમાં ઈન્ટરનેટ ડેટા કેટલો મળે છે એની સામે GB કેટલા મળે છે એનો સર્વે કરાયો હતો. બાંગ્લાદેશમાં 1 GB મોબાઈલ ડેટાની એવરેજ 0.23 ડૉલર છે. ચીનમાં 0.38 ડૉલર, બ્રિટનમાં 0.62 ડૉલર, સિંગાપુરમાં 0.63 ડૉલર, જાપાનમાં 3.48 ડૉલર તથા અમેરિકામાં 6 ડૉલર છે.
સૌથી વધુ મોંઘુ ઈન્ટરનેટ ઝિમ્બાબ્વેમાં છે. અહીંયા 1GBની કિંમત 43.75 ડૉલર છે. ફાકલેન્ડ નામના ટાપુ પર 1 GB મોબાઈલની કિંમત 40.58 ડૉલર, સેન્ટ હેલેનામાં તે 40.13 ડૉલર, દક્ષિણ સુદાનમાં 23.70 ડૉલર અને ટોકેલાઉમાં 17.24 ડૉલર છે. યમનમાં 1 GB મોબાઇલ ડેટા માટે તમારે 15.68 ડૉલર ખર્ચવા પડે, જ્યારે તુર્કમેનિસ્તાનમાં તેનો ખર્ચ 11.42 ડૉલર છે. તેવી જ રીતે, સ્વિટ્ઝર્લેન્ડમાં તેનો ખર્ચ 7.29 ડૉલર છે.