નવી દિલ્હી: મહાદેવ ઓનલાઇન સટ્ટા એપમાં તપાસ એજન્સીઓને વધુ એક સફળતા મળી છે. જેમાં આ કેસમાં મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરના સાથી રવિ ઉપ્પલની યુએઇમાં અટકાયત કરવામાં આવી છે. રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઇન સટ્ટા એપની સિન્ડીકેટમાં સૌરભ ચંદ્રાકરના ખાસ સહયોગી માનવામાં આવે છે.
અનેક આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી
મહાદેવ એપના માધ્યમથી ગેરકાયદે ઓનલાઇન સટ્ટાબાજી અને નાણાકીય વ્યવહારોનું નેટવર્ક ચલાવવાના આક્ષેપો છે. આ મામલે ભારતીય તપાસ એજન્સીઓ લાંબા સમયથી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિતના અનેક આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
રવિ ઉપ્પલ મહાદેવ એપના બે મુખ્ય પ્રમોટરોમાંના એક
આ અંગે મળતી માહિતી મુજબ ભારતની માંગ પર દુબઈના સત્તાવાળાઓએ રવિ ઉપ્પલની અસ્થાયી રૂપે અટકાયત કરી છે. રવિ ઉપ્પલને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવા માટે ભારત સરકારે પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરી છે. રવિ ઉપ્પલ મહાદેવ એપના બે મુખ્ય પ્રમોટરોમાંના એક છે. બીજા પ્રમોટર સૌરભ ચંદ્રાકર છે. થોડા દિવસ પહેલા જ સીબીઆઈ દ્વારા સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવવામાં આવ્યો છે.
રેડ કોર્નર નોટિસના આધારે તેની ધરપકડ
રવિ ઉપ્પલ વિરુદ્ધ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. ઓક્ટોબર 2023માં પણ દુબઈ પોલીસે રેડ કોર્નર નોટિસના આધારે તેની ધરપકડ કરી હતી પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા.
મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ આરોપી
તેણે ઇન્ટરપોલ પાસેથી તેની રેડ કોર્નર નોટિસ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જાન્યુઆરીમાં ઇડીએ તેની અરજીનો વિરોધ કર્યો હતો. નવેમ્બર 2025 માં ઇડીને માહિતી મળી હતી કે રવિ ઉપ્પલ પણ યુએઇમાં ગુમ છે અને તેનો પત્તો લાગ્યો નથી. ઇડીએ ઇન્ટરપોલને જણાવ્યું હતું કે રવિ ઉપ્પલ આશરે રૂ. 6,000 કરોડના કથિત મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ આરોપી છે. સુપ્રીમ કોર્ટે ઇડીને રવિ ઉપ્પલને શોધવાનો પણ નિર્દેશ આપ્યો છે.