Wed Oct 14 2026

Logo

પીએમ મોદી એશિયન ગેમ્સના સ્પર્ધકોનું કરશે સન્માન, બધા વચ્ચે ખૂબ ચર્ચા પણ થશેઃ જાણી લો, દિવસ અને સમય

2026-10-14 16:56:24
Author: Ajay Motiwala
પીએમ મોદી એશિયન ગેમ્સના સ્પર્ધકોનું કરશે સન્માન, બધા વચ્ચે ખૂબ ચર્ચા પણ થશેઃ જાણી લો, દિવસ અને સમય

નવી દિલ્હીઃ જાપાનમાં ચોથી ઑક્ટોબરે પૂરી થયેલી 20મી એશિયન ગેમ્સમાં ચંદ્રકો જીતનાર ભારતના જે ઍથ્લીટો અને ખેલાડીઓ સહિત આ રમતોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકોનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુવાર, 15મી ઑક્ટોબરે શાનદાર સમારોહમાં સન્માન થવાનું છે એનો સમય જાહેર કરવામાં આવ્યો છે. આ સમારોહ સાંજે 4.30 વાગ્યાની આસપાસ શરૂ થશે. વડા પ્રધાન મોદી (Modi) તમામ સ્પર્ધકોને સંબોધન કરશે તેમ જ તેમની સાથે ચર્ચા પણ કરશે. આ સમારોહ (Function) દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નૅશનલ સ્ટેડિયમમાં યોજાશે.

ભારતથી કુલ 503 સ્પર્ધક એશિયન ગેમ્સ માટે જાપાન (Japan) ગયાં હતાં. એમાંથી 310 સ્પર્ધકોએ પહેલી જ વખત આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. લગભગ 100 પુરુષ અને 100 મહિલા ઍથ્લીટો વિવિધ કૅટેગરીઓમાં મેડલ જીત્યા હતા. ભારતે 2022ની પાછલી એશિયન ગેમ્સની જેમ આ વખતે પણ 46 દેશમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. જોકે 2022ના કુલ 28 ગોલ્ડ સહિતના 106 ચંદ્રકોની તુલનામાં આ વખતે ભારત 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રૉન્ઝ સહિત 85 ચંદ્રક જીત્યું હતું.

શૂટર નીરુ ઢાંડા, તીરંદાજ કુમકુમ મોહોડ, રનર વિથ્યા રામરાજ, તીરંદાજ ચિકિતા તનિપર્થી તેમ જ સાહિલ જાધવ સહિત ઘણાં ઍથ્લીટો એક કરતાં વધુ ચંદ્રક જીત્યાં હતાં. ભારત પુરુષ તથા મહિલા ક્રિકેટ ટીમ તેમ જ હૉકી ટીમ ગોલ્ડ મેડલ જીતી હતી. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં મેન્સ ક્રિકેટ ટી-20 ટીમ હાલમાં ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝ રમે છે જેમાં 2-1થી આગળ છે.

 

જાપાનમાં આઇચી-નાગોયા, નિશીન વગેરે સ્થળોએ ક્રિકેટ સહિત વિવિધ રમતોની હરીફાઈઓ યોજાઈ હતી જેમાં 46 દેશના કુલ 10,800 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રમતોત્સવ 19મી સપ્ટેમ્બરે શરૂ થયો હતો. ગુરુવારના પીએમ મોદી સાથેના સમારોહમાં ઍથ્લીટોના કોચ તેમ જ સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ પણ હાજરી આપશે. એ ઉપરાંત, આ ભવ્ય સમારોહમાં ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનના પ્રમુખ પી. ટી. ઉષા તેમ જ નૅશનલ સ્પોર્ટ્સ ફેડરેશનોના પ્રતિનિધિઓ તથા ખેલકૂદ મંત્રાલયના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.