મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) જોગેશ્ર્વરી અને ચેમ્બુરમાં કરેલી ત્રણ કાર્યવાહીમાં 1.33 કરોડ રૂપિયાનો નશીલો પદાર્થ જપ્ત કરીને ચાર જણની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
એએનસીના બાંદ્રા યુનિટના અધિકારીઓ મંગળવારે રાતે જોગેશ્ર્વરીમાં એસ.વી. રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બસ ડેપો નજીક ઊભેલા યુવક પર તેમની નજર પડી હતી. યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવાયો હતો. યુવકની ઓળખ મોહંમદ કાસિફ ફારુક શેખ (23) તરીકે થઇ હતી, જેની તલાશી લેવાતાં 1.11 કરોડ રૂપિયાનું ચરસ મળી આવ્યું હતું. મઝગાંવ ખાતે રહેતા મોહંમદ કાસિફ શેખ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
બીજી તરફ એએનસીના ઘાટકોપર યુનિટના સ્ટાફે મંગળવારે ચેમ્બુર પશ્ર્ચિમમાં સાંતાક્રુ-ચેમ્બુર લિંક રોડ પર બ્રિજ નજીકથી મનીષકુમાર બૈજનાથ ચૌધરી (25)ને 11.48 લાખ રૂપિયાના 22 કિલો ગાંજા સાથે પકડી પાડ્યો હતો. આરોપી મનીષકુમાર ચૌધરી ગાંજો ઓડિશાથી વેચવા માટે લાવ્યો હતો, એવું તપાસમાં સામે આવ્યું હતું. દરમિયાન આઝાદ મેદાન યુનિટે મંગળવારે મધરાતે ચેમ્બુર વિસ્તારમાંથી 10.14 લાખ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જેઓ મેફેડ્રોન વેચવા માટે ત્યાં આવ્યા હતા.