Wed Oct 14 2026

Logo

મુંબઈ-બેંગ્લુરુ હાઈવે પર ખેડૂતોનું આંદોલન: NH-48 પર ટ્રાફિકજામ, પ્રવાસીઓ માટે વૈકલ્પિક માર્ગ જાહેર

2026-10-14 17:18:01
Author: Mumbai Samachar Team
મુંબઈ-બેંગ્લુરુ હાઈવે પર ખેડૂતોનું આંદોલન: NH-48 પર ટ્રાફિકજામ, પ્રવાસીઓ માટે વૈકલ્પિક માર્ગ જાહેર

મુંબઈ: કોંગ્રેસ સાથે વિપક્ષ તો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદ નજીક ખેડૂતોના આંદોલનને કારણે મુંબઈ-બેંગ્લુરુ નેશનલ હાઈવે (NH-48) પર વાહનવ્યવહાર ખોરવાયો છે. શેરડીના ભાવ અને ઇથેનોલના ખરીદદાર વધારવાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. ટોલ પ્લાઝા નજીક શરૂ થયેલું આ આંદોલન બીજા દિવસે પણ ચાલુ રહેતાં બંને રાજ્યો વચ્ચેની અવરજવર પર અસર પડી છે. ખાસ કરીને મુંબઈ, પુણે, સાતારા અને કોલ્હાપુરથી કર્ણાટકના બેલગાવી તથા બેંગલુરુ તરફ જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર હાઈવે પોલીસે પ્રવાસીઓને શક્ય હોય ત્યાં સુધી NH-48નો ઉપયોગ ટાળવાની સલાહ આપી છે.

ટોલ પ્લાઝા પર ખેડૂતોએ જામ

મંગળવાર સવારથી શરૂ થયેલા આંદોલનને કારણે કોગનોલી ટોલ પ્લાઝાની આસપાસ વાહનોની લાંબી કતારો લાગી હતી. ટોલ બૂથની બંને બાજુ ટ્રક, કન્ટેનર અને અન્ય ભારે વાહનો ફસાઈ ગયાં છે. ખેડૂતોની માગણીઓ અંગે સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ જતાં આંદોલન ઉગ્ર બન્યું છે. બુધવારની સવાર સુધી સ્થિતિમાં ખાસ સુધારો થયો નહોતો. આ માર્ગ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો મહત્ત્વપૂર્ણ પરિવહન કોરિડોર હોવાથી મુસાફરોની સાથે માલસામાનની હેરફેર પર પણ તેની અસર પડી રહી છે.

ગૂગલ મેપ્સને માર્ગ બંધ દર્શાવવા અપીલ

કોલ્હાપુર રેન્જના સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ રંજન કુમાર શર્માએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વૈકલ્પિક માર્ગો અપનાવવા જરૂરી છે. પુણે રેન્જના હાઈવે પોલીસ અધિક્ષક ડૉ. શિવાજી પવારની કચેરીના જણાવ્યા અનુસાર, બુધવારે સવાર સુધી સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો. પોલીસે ગૂગલ મેપ્સના અધિકારીઓને પત્ર લખીને NH-48ના અસરગ્રસ્ત ભાગને બંધ દર્શાવવા, ટ્રાફિકજામ અને વિલંબ અંગે ચેતવણી આપવા તથા વૈકલ્પિક માર્ગો સૂચવવા વિનંતી કરી છે. વાહનવ્યવહાર સામાન્ય થયા બાદ ગૂગલ મેપ્સને ફરીથી જાણ કરવામાં આવશે.

કાર અને બસ માટે વૈકલ્પિક માર્ગ જાહેર

પોલીસે બેલગાવી તરફ બસ ટ્રક અને અન્ય વાહનોમાંથી જતા મુસાફરોને સાતારા, રહિમતપુર, પુસેસાવલી, વિટા,તાસગાંવ,મિરજ,કાગવાડ,રાયબાગ,ગોકાક થઈને બેલગાવી પહોંચવાનો માર્ગ સૂચવ્યો છે, આ ઉપરાંત કરાડથી રહિમતપુર અથવા ઇસ્લામપુર તરફના માર્ગોનો ઉપયોગ કરીને પણ મુસાફરો મિરજ અને ગોકાક થઈ બેલગાવી પહોંચી શકે છે. ભારે વાહનો, ટ્રક, કન્ટેનર અને ટ્રેલર માટે સતારા, કરાડ, પેઠનાકા, મીરજ ગોકક અને બેલગાવીનો માર્ગ સૂચવવામાં આવ્યો છે, વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

શેરડીનો અને ઇથેનોલનો દર નક્કી કરવાની માગ

ખેડૂતોના આંદોલન પાછળ શેરડીના વાજબી ભાવ અને ઇથેનોલના ખરીદદર વધારવાની માગ મુખ્ય કારણ છે. મહારાષ્ટ્રની સ્વાભિમાની શેતકરી સંગઠના અને કર્ણાટકના રૈયત સંઘ સહિતનાં ખેડૂત સંગઠનોએ સરકાર સાથેની ચર્ચા નિષ્ફળ ગયા બાદ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે. 

સ્વાભિમાની શેતકરી સંગઠનના અધ્યક્ષ રાજુ શેટ્ટીના જણાવ્યા અનુસાર, ખેડૂતો ખાંડનો લઘુતમ વેચાણભાવ (એમએસપી) પ્રતિ કિલોગ્રામ ₹50 અને ઇથેનોલનો ખરીદદર પ્રતિ લિટર ₹70 કરવાની માગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ માગણીઓ સ્વીકારવામાં આવે તો ખાંડ મિલો શેરડીના ખેડૂતોને પ્રતિ ટન ₹5,000 ચૂકવવામાં સક્ષમ બનશે.