નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે જાણીતું જંતર-મંતર હવે સત્તાવાર રીતે નિયુક્ત વિરોધ પ્રદર્શનનું સ્થળ રહ્યું નથી. દિલ્હી પોલીસે 12 ઑક્ટોબર, 2026ના જંતર-મંતરને વિરોધ સ્થળની યાદીમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. હવે દિલ્હીમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન માટે રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીના CBD ગ્રાઉન્ડને વૈકલ્પિક સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે, પરંતુ એની સાથે હવે આસપાસના વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન કરવાનું મોંઘું પડશે એટલે સુધી કે નિયમ ભંગ કરનારો સીધો જેલના હવાલે થશે.
માત્ર જંતરમંતર જ નહીં પણ દિલ્હીમાં જે પ્રતિબંધિત ક્ષેત્ર છે ત્યાં પણ કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનો કરી શકાશે નહીં. દિલ્હીમાં હવે કોઈ પણ વિરોધ પ્રદર્શન પહેલા મંજૂરી અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે. નવી દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનરની એડવાન્સમાં લેખિત NOC લેવી ફરજિયાત છે, જેમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોની સંખ્યા પણ સ્પષ્ટ કરવી પડશે.
પોલીસ પરમિશન વગર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તો ડાયરેક્ટ જેલની સજા થશે. આ જેલની સજામાં કોઈ પ્રકારના જામીન પણ નહીં મળે. આ વિરોધ પ્રદર્શમાં કોઈ નારેબાજી નહીં કરી શકાય, પુતળા દહન નહીં કરી શકાય. જો આવું થશે તો કાયદેસરની કાર્યવાહી થશે. BNS 163ના ઉલ્લંઘન પર કાર્યવાહી થશે. જંતરમંતર તથા આસપાસના વિસ્તારોમાં આ કલમ લાગુ હોય છે.
સંવેદનશીલ વિસ્તારમાં પણ આ કલમ લાગુ હોય છે.
કોઈ વિરોધ પ્રદર્શન કરનારા આદેશનું પાલન નહીં કરે તો બળપ્રયોગ પણ કરવામાં આવશે. અટકાયત કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ હિંસક પ્રવૃતિ થશે અથવા સરકારના કામમાં વિધ્ન ઊભુ થશે તો ગેરકાયદે વિરોધ પ્રદર્શન જાહેર કરી દેવાશે. પોલીસ કોઈ પ્રકારનો બળ પ્રયોગ કરશે તો 5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
સજાની જોગવાઈ
BNSની કલમ 189 (અગાઉના IPCની સંબંધિત કલમ 143) હેઠળ, ગેરકાયદેસર રીતે એકત્ર થવા બદલ છ મહિના સુધીની કેદ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. જો વિરોધ પ્રદર્શન કરનારાઓ પાસે જીવલેણ હથિયારો મળી આવે, તો સજા બે વર્ષ સુધીની કેદ સુધી વધી શકે છે. પોલીસ કર્મચારીઓના કામમાં અવરોધ ઊભો કરવા અથવા તેમના પર હુમલો કરવા બદલ પણ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે.
જો વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરે અને તે જૂથ સંઘર્ષમાં ઉતરે અથવા બેરિકેડ્સ તોડે, તો જાહેર સેવકની ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવાનો ગુનો બને છે—જે BNSની કલમ 221 (અને અગાઉના IPCની કલમ 186) હેઠળ શિક્ષાપાત્ર છે—અને તેમાં ત્રણ મહિના સુધીની સજા થઈ શકે છે.
ભવ્ય છે ઈતિહાસ
જંતર-મંતરનો ઇતિહાસ માત્ર વિરોધ પ્રદર્શનો પૂરતો સીમિત નથી. અહીં 18મી સદીમાં જયપુરના મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીયે ખગોળીય અવલોકનો માટે વેધશાળા બનાવડાવી હતી. સમય જતાં આ સ્થળ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું. વિવિધ સંગઠનો, સામાજિક કાર્યકરો અને રાજકીય પક્ષોએ અહીં ધરણાં, ભૂખ હડતાળ અને દેખાવો કર્યા છે.
હવે જંતર-મંતર પર પ્રદર્શન કરશો તો શું થશે?
દિલ્હી પોલીસના નવા નિર્ણય બાદ જંતર-મંતર પર મંજૂરી વિના વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર અથવા લોકોનાં ટોળાં એકત્રિત કરવાથી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. અગાઉ પણ અહીં પ્રદર્શન કરવા માટે નવી દિલ્હી જિલ્લાના પોલીસ નાયબ કમિશનર (DCP) પાસેથી લેખિત NOC લેવાની વ્યવસ્થા હતી. અરજીમાં પ્રદર્શનકારીઓની સંખ્યા અને કાર્યક્રમનો સમયગાળો દર્શાવવો પડતો હતો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી શકાય છે. આવા આદેશો હેઠળ ચોક્કસ વિસ્તારમાં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકાઈ શકે છે.
ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ જાહેર સેવકના કાયદેસરના આદેશનો અનાદર કરવા બદલ સજા થઈ શકે છે. જ્યારે કલમ 189 ગેરકાયદેસર સભા સંબંધિત જોગવાઈઓ ધરાવે છે. સજાનો પ્રકાર અને સમયગાળો ગુનાની પ્રકૃતિ તથા સંજોગો પર આધારિત રહેશે.
જો પ્રદર્શન દરમિયાન પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવે, હિંસા થાય અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે તો અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. જંતર-મંતરને વિરોધ સ્થળની યાદીમાંથી દૂર કરવાના નિર્ણય બાદ રાજકીય વિરોધ પણ શરૂ થયો છે.
આ દરમિયાન કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાને જંતર-મંતર ખાતે કથિત રીતે પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાએ વિરોધ પ્રદર્શનના અધિકાર અને જાહેર વ્યવસ્થા વચ્ચેના સંતુલન અંગે ચર્ચા જગાવી છે.