Wed Oct 14 2026

Logo

એકાઉન્ટમાં અજાણ્યા પૈસા આવે તો સાવધાન! SBIએ આપી ચેતવણી, ભૂલથી ટ્રાન્સફરનું બહાનું બનાવી ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ...

2026-10-14 18:07:19
Author: Darshana Visaria
એકાઉન્ટમાં અજાણ્યા પૈસા આવે તો સાવધાન! SBIએ આપી ચેતવણી, ભૂલથી ટ્રાન્સફરનું બહાનું બનાવી ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ...

Chat GPT Image


ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈના જમાનામાં સાયબર ક્રિમીનલ્સ દ્વારા દરરોજ છેતરપિંડીના નવા રસ્તા શોધવામાં આવી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એસબીઆઈ (SBI)એ ગ્રાહકો માટે એક નવા જોખમ 'જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમ' (Jumped Deposit Scam) અંગે જાહેર એલર્ટ આપવામાં આવ્યું છે. નેશનલ સાયબર સિક્યોરિટી સ્પેશિયલ કેમ્પેઇન 6.0 હેઠળ બેંકે લોકોને ચેતવણી આપી છે કે, જો અચાનક તમારા ખાતામાં કોઈ અજાણી રકમ જમા થાય અને પછી તેને પરત મેળવવા ફોન આવે, તો ઉતાવળમાં કોઈ પગલું ન ભરવું. ચાલો જોઈએ શું છે આ નવો સ્કેમ અને કઈ રીતે તે કામ કરે છે... 

શું છે Jumped Deposit Scam અને તે કેવી રીતે કામ કરે છે?

સ્કેમર્સ સૌપ્રથમ તમારા બેંક ખાતામાં રૂપિયા 100, રૂપિયા 500, રૂપિયા 1000 જેવી નાની રકમ ટ્રાન્સફર કરે છે જેથી તમને શંકા ન જાય. તરત જ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને સામેવાળી વ્યક્તિ ભાવુક થઈને કહે છે કે ભૂલથી તમારા ખાતામાં પૈસા આવી ગયા છે અને તેને હોસ્પિટલ કે ઘરની ઇમરજન્સી માટે તે રકમ તાત્કાલિક પાછી જોઈએ છે.

જ્યારે યુઝર માનવતા દાખવીને પૈસા પરત કરવા સહમત થાય છે, ત્યારે ઠગ પૈસા પાછા લેવાના બદલે રિવર્સ કલેક્ટ રિક્વેસ્ટ મોકલે છે. આ રિક્વેસ્ટ નાની રકમની નહીં પરંતુ હજારો કે લાખો રૂપિયાની હોય છે. ઉતાવળમાં પિન દાખલ કરતાં જ સામેવાળાના પૈસા જવાને બદલે યુઝરના પોતાના ખાતામાંથી મોટી રકમ કપાઈ જાય છે.

અજાણી રકમ જમા થાય ત્યારે શું કરવું?

⦁    અજાણ્યા વ્યક્તિના કહેવા પર ક્યારેય સીધા પૈસા પાછા મોકલવાની ભૂલ ન કરો.
⦁    નજીકની બેંક શાખામાં જાઓ અથવા સત્તાવાર હેલ્પલાઇન પર કોલ કરીને સમગ્ર વિગત આપો. બેંક સિસ્ટમ દ્વારા જ રિવર્સલ પ્રક્રિયા થવા દો.
⦁    યુપીઆઈ એપ પર આવતી કોઈપણ કલેક્ટ કે પેમેન્ટ રિક્વેસ્ટને એપ્રૂવ ન કરો.

SBIએ આપેલા મહત્વના સુરક્ષા સૂચનો

⦁    સંદિગ્ધ નંબર તરત બ્લોક કરો: જો કોઈ વારંવાર પૈસા પાછા મેળવવા માટે દબાણ કરે તો તે નંબર બ્લોક કરો અને સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરો.
⦁    દબાણમાં આવીને UPI PIN ન નાખો: યાદ રાખો કે ખાતામાં પૈસા મેળવવા માટે ક્યારેય UPI PIN નાખવાની જરૂર પડતી નથી. PIN માત્ર પૈસા મોકલતી વખતે જ વપરાય છે.
⦁    SBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 1600થી શરૂ થતા નંબર ઓફિશિયલ અને સેફ છે. અન્ય કોઈ અજાણ્યા નંબરો પરથી બેંકના નામે આવતા કોલ પર અંગત માહિતી ન આપો.