Wed Oct 14 2026

Logo

બ્લુડ્રમ હત્યાકાંડ: મેરઠ કોર્ટે પતિ સૌરભની હત્યા કેસમાં મુસ્કાન અને સાહિલને આપી ફાંસીની સજા

2026-10-14 18:17:00
Author: Mumbai Samachar Team
બ્લુડ્રમ હત્યાકાંડ: મેરઠ કોર્ટે પતિ સૌરભની હત્યા કેસમાં મુસ્કાન અને સાહિલને આપી ફાંસીની સજા

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલા બ્લુડ્રમ કેસ હત્યાકાંડમાં કોર્ટે એક મોટો ચુકાદો આપી દીધો છે. પતિ સૌરભ રાજપુતની હત્યાના કેસમાં આરોપી મુસ્કાન રસ્તોગી તથા પ્રેમી સાહિલ શુકલાને કોર્ટે ફાંસીની સજા ફટકારી દીધી છે. મેરઠ જિલ્લા જજ અરવિંદ કુમાર મિશ્રાએ બન્નેને મૃત્યુદંડની સજા આપી છે. 

મહાભારતનો ઉલ્લેખ કરતા જજે કહ્યું હતું કે, અપરાધીઓને સજા આપવી એ જ ધર્મ છે. આ સાથે કોર્ટે આરોપીઓ પર ₹ 20,000 રૂપિયાનો દંડ પણ ફટકારી દીધો છે. કોર્ટે આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સજા પણ ફટકારી હતી. આ સજા ફટકારવામાં આવ્યા પછી મુસ્કાન અને સાહિલ ભાંગી પડ્યા હતા. 

ચાર્જશીટ દાખલ કરવામાં આવી

સુનાવણી દરમિયાન જ રડવા લાગ્યા હતા. સૌરભના પરિવારે કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે, અમને આશા હતી કે, ન્યાય થશે જ. 3 માર્ચ 2025ના રોજ સૌરભ રાજપુતની હત્યા થઈ હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં સનસની ફેલાવી દીધી હતી. પોલીસ તપાસ બાદ બન્નેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જુલાઈ 2025માં જિલ્લા કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી. એ પછી સુનાવણી દરમિયાન વકીલે કોર્ટમાં પોતાના કેટલાક પુરાવા રજૂ કરી દીધા હતા. 
આ પછી કોર્ટે બન્નેને દોષિત જાહેર કર્યા હતા. હત્યા અને પુરાવા છુપાવવાના કેસમાં દોષિત જાહેર અગાઉથી કરેલા હતા. આ પછી સામે સજા ફટકારવામાં આવી હતી. જે દિવસે સૌરભની હત્યા થઈ એ દિવસે સાહિલ એના ઘર બાજુ જતો હતો, જે ચાકુનો ઉપયોગ હત્યા માટે થયો એના પર મુસ્કાન અને સાહિતના ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા. પોલીસે સાહિલ અને મુસ્કાનની કોલ ડિટેઈલ તથા સોશિયલ મીડિયા પર થયેલી ચેટ મોનિટર કરી હતી. એ પછી સૌરભની માતા રેણુંની પણ કોલ ડિટેલ ચેક કરવામાં આવી હતી. 

મુસ્કાન અને સાહિલના નિવેદનો સાંભળ્યા

જે હોટેલમાં સાહિલ અને મુસ્કાન રોકાયા હતા એ હોટેલના સીસીટીવી અને મેનેજનું નિવેદન લેવાયું હતું. કોર્ટમાં કુલ 22 પુરાવા એની વિરૂદ્ધમાં રજૂ થઈ ગયા હતા. સજા સંભળાવતા પહેલા, જિલ્લા ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાએ બુધવારે સવારે લગભગ 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જેલમાં બંધ મુસ્કાન અને સાહિલના નિવેદનો સાંભળ્યા. 

કોર્ટે મુસ્કાનને પૂછ્યું કે સજા અંગે તે શું કહેવા માંગે છે, કારણ કે તેને તેના પતિ સૌરભ રાજપૂતના હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવી હતી. જવાબમાં, મુસ્કાને તેની બે દીકરીઓનો ઉલ્લેખ કર્યો અને તેમની સંભાળ રાખવાની વિનંતી કરી ત્યાર બાદ તે ચૂપ થઈ ગઈ. જ્યારે કોર્ટે સાહિલને સજા અંગે તેના વિચારો પૂછ્યા, ત્યારે તેને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સાહિલને એ પણ પૂછ્યું કે શું તેણે અગાઉ કોઈ ગુના કર્યા છે, જ્યારે સાહિલે ભૂતકાળમાં કોઈ ગુના કર્યા હોવાનો ઇનકાર કર્યો હતો.