Wed Oct 14 2026

Logo

ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે મુંબઈ-બેંગલુરુ હાઇવે પર ટ્રાફિક ખોરવાયો:ગૂગલ મેપ્સને અસરગ્રસ્ત માર્ગને બંધ દર્શાવવા વિનંતી...

2026-10-14 19:01:55
Author: Yogesh D. Patel
ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે મુંબઈ-બેંગલુરુ હાઇવે પર ટ્રાફિક ખોરવાયો:ગૂગલ મેપ્સને અસરગ્રસ્ત માર્ગને બંધ દર્શાવવા વિનંતી...

PTI


પુણે: મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે મુંબઈ-બેંગલુરુ નેશનલ હાઇવે પર બુધવારે ટ્રાફિક ખોરવાઇ ગયો હતો. આને પગલે પોલીસે વાહનચાલકોને એ માર્ગ પર મુસાફરી ટાળવાની સલાહ આપી હતી અને ગૂગલ મેપ્સને અસરગ્રસ્ત માર્ગને બંધ તરીકે દર્શાવવા વિનંતી કરી છે. કોલ્હાપુર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ રંજન કુમાર શર્માએ લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપી હતી.

પોીલસે ગૂગલ મેપ્સના અધિકારીઓને પત્ર લખી નેશનલ હાઇવે નંબર-48ના અસરગ્રસ્ત સ્ટ્રેચને બંધ તરીકે દર્શાવવા વિનંતી કરી છે, કારણ કે મહારાષ્ટ્ર સરહદ નજીક કર્ણાટકના કોગનોલી ટોલ પ્લાઝા ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂતો મંગળવારથી શેરડીના ભાવ, ઇથેનોલના દર અને  અન્ય માગણીને લઇ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેને કારણે કોલ્હાપુર તેમ જ મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી કર્ણાટકના બેલગાવી અને બેંગલુરુ તરફ જતા ટ્રાફિકને અસર થઇ છે.

પુણે રેન્જના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (હાઇવે) ડૉ. શિવાજી પવારના કાર્યાલય તરફથી જણાવ્યા અનુસાર બુધવારે પણ પરિસ્થિતિ યથાવત રહી હતી.પોલીસે મુસાફરોને વિંનતી કરી છે કે જરૂર ન હોય ત્યાં સુધી નેશનલ હાઇવે નંબર-48 પર પ્રવાસ કરવાનું ટાળે, કારણ કે વિરોધ પ્રદર્શનને કારણે ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઇ છે અને તેને સામાન્ય થવામાં સમય લાગી શકે છે. રંજન કુમાર શર્માએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ સામાન્ય થયા બાદ મુસાફરોને જાણ કરવામાં આવશે.

પોલીસે મુસાફરો માટે બે વૈકલ્પિક માર્ગ નક્કી કર્યા છે. એક માર્ગ સાતારા, રહિમતપુર, વિટા, તાસગાંવ, મિરજ, ગોકાક અને બેલગાવી થઇને જાય છે. બીજો માર્ગ સાતારા, કરાડ, ઇસ્લામપુર, અશ્ટા, મિરજ, કાગવડ, ગોકાક અને બેલગાવી થઇને જાય છે. (પીટીઆઇ)