Wed Oct 14 2026

Logo

નાલાસોપારામાં  બહુમાળી ઈમારતની  આગમાં ગુજરાતી મહિલા સહિત બેનાં મોત

2026-10-14 18:57:59
Author: Sapna Desai
નાલાસોપારામાં  બહુમાળી ઈમારતની  આગમાં ગુજરાતી મહિલા સહિત બેનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પાલઘર જિલ્લાના નાલાસોપારા-વસઈ લિંક રોડ આવેલી ૧૪ માળની એક બહુમાળીય ઈમારતમાં  બુધવારે મધરાતના  લાગેલી ભીષણ આગમાં એક ગુજરાતી સહિત બે મહિલાનાં મોત થયાં હતાં અને અન્ય છ લોકો જખમી થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વસઈ-વિરાર મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નાલાસોપારા-વસઈ લિંક રોડ પર આવેલી ‘ઈમ્પીરિયલ હાઈટ્સ’માં બુધવારે રાતના ૧૨.૧૦ વાગે આગ લાગવાની જાણ થઈ હતી. બિલ્િંડગમાંથી પચ્ચીસ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ  ઘટનામાં ૫૦ વર્ષના  ફાલ્ગુની શાહ અને ૫૦ વર્ષના અશ્ર્વિની પારકર  નામની બે મહિલાનાં મોત થયાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ ભારે ધુમાડાને કારણે ગૂંગળામણ થવાથી તેમના મોત થયા હોવાની આશંકા છે.  પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. અન્ય છ વ્યક્તિઓને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ફાયર બિગ્રેડના અધિકારીએ જણાવ્યું કે  આગ ઝડપથી ફેલાતા ઈમારતમાં અફરાતફરી મચી ગઈ હતી. ગાઢ ધુમાડા અને આગની જ્વાળાઓથી બચવા માટે ચાર રહેવાસીઓએ ઈમારતની બહારના ભાગે આવેલા એક નાના પ્લેટફોર્મ (લેજ) પર આશરો લીધો હતો અને લગભગ ૪૫ મિનિટ સુધી ત્યાં ફસાયેલા રહ્યા હતા. 

પ્રત્યદર્શીઓના કહેવા મુજબ ફાયર બિગ્રેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મોટી ક્રેનની મદદથી ફસાયેલા લોકોને બચાવી લીધા હતા.  સાત ફાયર એન્જિનોએ આખી રાત આગ સામે જહેમત ઉઠાવી હતી અને સવારે ૭.૨૦ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે  કૂલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નહોતું.