નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં આવેલી અજનાર નદીની સફાઈ માટે આઠ મહિના સુધી મહેનત કરનાર પર્યાવરણ કાર્યકર બિટ્ટુ તબાહીને ફરી નારાજગીનો સામનો કરવો પડ્યો છે. નદીને સાફ કર્યા બાદ થોડા જ સમયમાં ત્યાં ફરીથી પ્લાસ્ટિકની થેલીઓ અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા.
આ અંગે બિટ્ટુએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. અભિનેત્રી અને ભાજપનાં સાંસદ કંગના રનૌતે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતાં લોકોની નાગરિક તરીકેની ફરજ અંગે સવાલ ઉઠાવ્યા હતા.
બિટ્ટુ તબાહીનું અસલી નામ સુરેન્દ્ર સિંહ ચૌધરી છે. આશરે 20 વર્ષના બિટ્ટુએ અજનાર નદીને સ્વચ્છ બનાવવા માટે લગભગ આઠ મહિના સુધી સતત સફાઈ અભિયાન ચલાવ્યું હતું. તેણે કોઈ આધુનિક સાધનો કે સરકારી સહાય વિના પોતાના પ્રયાસોથી નદીમાંથી અનેક ટન કચરો બહાર કાઢ્યો હતો. તે દરમિયાન તેણે ઘણી વખત હાથથી અથવા પ્લાસ્ટિકના મોજાં પહેરીને કચરો દૂર કર્યો હતો. તેની મહેનતની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ હતી અને તેના વીડિયો લાખો લોકો સુધી પહોંચ્યા હતા.
તાજેતરમાં બિટ્ટુએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં અજનાર નદીના કિનારે ફરીથી પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો ફેલાયેલો જોવા મળે છે. નદીની હાલત જોઈને તેણે નિરાશા વ્યક્ત કરતાં લખ્યું હતું કે, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી આઠ મહિનાની મહેનત આ રીતે બરબાદ થઈ જશે.' અગાઉ જે નદીના કિનારા સ્વચ્છ દેખાતા હતા, ત્યાં ફરીથી કચરો જમા થઈ ગયો છે. પાણીમાં પ્લાસ્ટિક સહિતનો કચરો જોવા મળતાં સફાઈ અભિયાનની લાંબા ગાળાની અસર અંગે પણ સવાલો ઊભા થયા છે.
આ વીડિયો સામે આવ્યા બાદ કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું હતું કે, 'આ ખૂબ જ દુઃખદ છે, પરંતુ આપણા દેશની કડવી હકીકત પણ છે. લોકો આખો દિવસ પોતાના અધિકારો માટે ફરિયાદ કરતા રહે છે, પરંતુ પોતાની ફરજો વિશે ક્યારેય વિચારતા નથી.' કંગનાની આ ટિપ્પણીએ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને નાગરિકોની જવાબદારી અંગે ફરી ચર્ચા શરૂ કરી છે.
નદીમાં ફરીથી કચરો જમા થવાથી નિરાશ થવા છતાં બિટ્ટુએ હાર માની નથી. તે ફરી નદીમાં ઊતરીને કચરો બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ અને અન્ય લોકોને પણ અજનાર નદીમાંથી મોટા પ્રમાણમાં કચરો વધુ ઝડપથી અને અસરકારક રીતે કેવી રીતે દૂર કરી શકાય તે અંગે સૂચનો આપવા અપીલ કરી છે. અહેવાલો અનુસાર, બિટ્ટુને નદીમાં કચરો દૂર કરવા માટે તરતાં પણ આવડતું નથી, છતાં તે સાવચેતી સાથે સફાઈનું કામ ચાલુ રાખી રહ્યો છે.
દરમિયાન, કંગના રનૌતના ફિલ્મી કામની વાત કરીએ તો તેઓ છેલ્લે 'ભારત ભાગ્ય વિધાતા' ફિલ્મમાં જોવા મળી હતી, જે 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મજબૂત વાર્તા હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નહોતી.
આ ફિલ્મ 2008ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન કામા અને આલ્બ્લેસ હોસ્પિટલના કર્મચારીઓએ દર્શાવેલી હિંમત, નિષ્ઠા અને નિઃસ્વાર્થ સેવાની સત્યઘટના પર આધારિત હતી. હવે કંગના પાસે 2013ની હિટ ફિલ્મ 'ક્વીન'ની સિક્વલ 'ક્વીન 2' છે. આ ઉપરાંત તેઓ આગામી થ્રિલર ફિલ્મમાં આર. માધવન સાથે ફરી કામ કરતી જોવા મળશે.