રાજકોટ: પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા માટે આવતીકાલે (તા.15.10.2026) રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ શાપર ખાતે નવનિર્મિત નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું વિધિવત લોકાર્પણ કરશે. આ સાથે જ રૂરલ પોલીસ દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કરવામાં આવેલી ઐતિહાસિક કામગીરીના ભાગરૂપે ભોગ બનનાર ખેડૂતોને તેમની હડપાયેલી જમીનોના દસ્તાવેજો પણ પરત કરવામાં આવશે. ખાસ કરીને આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગાંધીનગરના સૂત્રો એવું જણાવે છે કે, દિવાળી બાદ પક્ષ અને સરકાર કોઈ મોટા નિર્ણય લઈ શકે છે.
ગ્રામ્ય વિસ્તારનું મહત્ત્વનું કેન્દ્ર
શાપર-વેરવાળ ઔદ્યોગિક વસાહત હોવાની સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારનું એક મહત્વનું કેન્દ્ર છે. અહીં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સ્થાનિક ઉદ્યોગકારો અને નાગરિકોને પોલીસ વહીવટની સેવાઓ ઝડપથી મળી રહે તે હેતુથી નવી ડીવાયએસપી કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કચેરી ખુલ્લી મૂકવામાં આવશે, જેનાથી ગ્રામ્ય પોલીસ તંત્રની કાર્યક્ષમતામાં મોટો વધારો થશે. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ગુનેગારો અને ભૂમાફિયાઓ સામે શરૂ કરાયેલી કડક ઝુંબેશ અંતર્ગત `તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીની સૌથી મોટી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. નિર્દોષ ખેડૂતોને ડરાવી-ધમકાવીને કથિત રીતે હડપી લેવામાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની 44 જેટલી જમીનો જે અલ્પેશે તેની ટોળકીના નામે કર્યો હતો. તે અસલ દસ્તાવેજો તેઓએ સ્વેચ્છાએ પરત આપી ખેડૂતના નામે કરી આપતાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ 44 જમીનોના દસ્તાવેજો આવતીકાલે સન્માનપૂર્વક મૂળ માલિક એવા ખેડૂતોને હર્ષ સંઘવીના હસ્તે પરત સોંપવામાં આવશે.
ટોળકી ઝડપાતા ખેડૂતોને રાહત
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની કિંમતી જમીનો બોગસ દસ્તાવેજો કે ધાક-ધમકીથી પડાવી લેતી અલ્પેશ દોંગા અને તેની ટોળકી લાંબા સમયથી સક્રિય હતી. રૂરલ પોલીસે આ માફિયા ટોળકી વિરુદ્ધ કડક કાનૂની સપાટો બોલાવીને ગુનાઓ દાખલ કર્યા હતા . તમામ સંડોવાયેલા શખ્સો સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું હતું. પોલીસની આ આકરી કાર્યવાહીના પરિણામે જ આજે ખેડૂતોને તેમની જમીન પાછી મળી રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂત પરિવારોમાં ભારે ખુશી અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.