Wed Oct 14 2026

Logo

બરફીવાલા ફ્લાયઓવરથી જુહુ-વર્સોવા લિંક રોડ સુધીનો જેવીપીડી ફ્લાયઓવર ડિસેમ્બર ૨૦૨૭માં ખુલ્લો મુકાશે...

2026-10-14 22:45:54
Author: Sapna Desai
બરફીવાલા ફ્લાયઓવરથી જુહુ-વર્સોવા લિંક રોડ સુધીનો જેવીપીડી ફ્લાયઓવર ડિસેમ્બર ૨૦૨૭માં ખુલ્લો મુકાશે...

પાંચ મોટા ટ્રાફિક જંકશન ટાળી શકાશે અને પીક અવર્સમાં પ્રવાસનો સમય ૪૫ મિનિટથી સીધો ૨૦ મિનિટનો થઈ જશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષોના વિલંબ અને ડિઝાઈનમાં મોટા ફેરફારો બાદ અંધેરી(પશ્ર્ચિમ)માં સી.ડી. બરફીવાલા ફલાયઓવરના છેડાથી જુહુ-વેસાવે લિંક રોડ સુધી બાંધવામાં આવી રહેલા જેવીપીડી ફ્લાયઓવરને હવે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૭માં સુધી ખુલ્લો મૂકવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨માં પ્રસ્તાવિત પ્રોજેક્ટને નોંધપાત્ર ઍન્જિનિયરિંગ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે પાલિકાને તેના મૂળ રૂટ (અલાઈનમેન્ટ)માં ફેરફાર કરવો પડયો હતો અને એ બાદ બાંધકામને ઝડપથી પૂરું કરવાનો લક્ષ્યાંર રાખ્યો હતો. એક વખત  ફલાયઓવર તૈયાર થઈ ગયો તો વાહનચાલકો પાંચ મહત્ત્વના જંકશનને ટાળીને ફ્લાયઓવરથી  ૪૫ મિનિટના બદલે ફક્ત ૨૦ મિનિટમાં અંતર કાપી શકશે. 

ઍરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાની જમીન પરનો મૂળ માર્ગ ઊંચાઈના નિયંત્રણ(હાઈટ રિસ્ટ્રીકશન)ને કારણે રદ કરવામાં આવ્યો હતો, જેમાં સુધારેલ ગોઠવણી મેટ્રો લાઈન ટૂ-બીની  નીચેથી પસાર થઈ હતી. આ ફેરફારથી પ્રોજેક્ટમાં અનેક સમસ્યાઓ નિર્માણ થઈ હતી. યુટિલિટી  શિફ્ટિંગ અને ચાલુ મેટ્રો કામના સાથે સંકલન મુખ્ય પડકારો રહ્યા હતા, જેમાંં ૬૦૦ મિલીમીટર અને ૯૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનનું લગભગ ૪૦૦ મીટર લંબાઈમાં સ્થળાંતર કરવું, ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની સ્યૂએજ લાઈનનું માઈક્રોટનલિંગ દ્વારા સ્થળાંતર કરવું, તેમ જ ૩૦૦ મિલીમીટર વ્યાસની સ્યૂએજ લાઈનનું સ્થળાંતર કરીને નવી નાખવાના કામનો સમાવેશ થાય છે.


ઍન્જિનિયરિંગ પડકારોમાં  મેટ્રો સ્ટેશનની નીચે ગર્ડર બેસાડવા માટે તેની આડી દિશામાં ખસેડવા માટે સ્પેશિયલ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવા, નાઈન્ટી ફૂટ જંકશનથી ૭૨ મીટર લંબાઈના આકારનો બ્રિજ (આર્ચ બ્રિજ) ઊભો કરવો અને જુહુ સર્કલ પરિસરમાં ઓછામાં ઓછા થાંબલાનો ઉપયોગ કરીને મોટી લંબાઈનો સ્પૅન ઊભો કરવો આ પ્રોજેક્ટના મહત્ત્વના  ટૅક્નિકલ પડકારો છે. આ તમામ કામ સરળતાથી પાર પાડી શકાય તે માટે પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે આખા પ્રોજેક્ટને ત્રણ ફેઝમાં  વહેંચી નાખ્યો છે. દરેક ફેઝ માટે સ્વતંત્ર ટીમ બનાવીને કામ કરવામાં આવવાનું છે.

પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે બુધવારે આ પ્રોજેક્ટ સાઈટનું ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમ્યાન તેમણે ટ્રાફિક મેનેજમેન્ટને અને બાંધકામની ડેડલાઈનને ધ્યાનમાં રાખીને કામ પૂર્ણ કરીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૭ સુધીમાં ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનો નિર્દેશ સંબંધિત વિભાગના અધિકારીઓને આપ્યો હતો.જેવીપીડી (જુહુ-વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કીમ) ફ્લાયઓવરનું કુલ લંબાઈ ૧,૭૫૦ મીટર (૧.૭૫ કિલોમીટર) છે અને તેની પહોળાઈ ૧૫.૧૦ મીટર છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટેની મુદત ૩૧ માર્ચ, ૨૦૨૮ની નક્કી કરવામાં આવી છે, પણ નાગરિકોને ટ્રાફિકમાં રાહત મળે તે માટે ફ્લાયઓવરનું કામ ઝડપી ગતિએ કરીને તેને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૭માં સુધીમાં ખુલ્લો મૂકવાનો નિર્દેશ બાંગરે આપ્યો હતો.


પાંચ મહત્ત્વના જંકશન ટાળી શકાશે
એડિશનલ  કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે પશ્ર્ચિમ ઉપનગરના રસ્તા પરના ટ્રાફિકને દૂર કરીને મહત્ત્વના ટ્રાફિક જંકશન પરના તાણને દૂર કરવા માટે આ ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવિત વર્સોવા-બાન્દ્રા કોસ્ટલ રોડ તેમ જ મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) તરફ જનારા વાહનો માટે ફ્લાયઓવર મહત્ત્વનો બની રહેશે. આ ફ્લાયઓવરને કારણે પરિસરમાં પાંચ મોટા ટ્રાફિક જંકશન ટાળી શકાશે. તેમ જ પીક અવર્સમાં આ માર્ગ પરથી પ્રવાસનો સમય ૪૫ મિનિટ પરથી ૨૦ મિનિટનો થઈ જશે. જેવીપીડી ફ્લાયઓવર પૂરો થયા બાદ જુહુ, વિલેપાર્લે (પશ્ર્ચિમ), અંધેરી (પશ્ર્ચિમ) અને વર્સોવા પરિસરના ટ્રાફિકમાં મોટી રાહત મળશે.