મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ SIRની પ્રક્રિયા હેઠળ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં મોટો ટેકનિકલ છબરડો સામે આવ્યો છે. રાજ્યના 2,70,313 મતદારોની ઉંમર 101 થી 150 વર્ષ વચ્ચે નોંધાઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ટેકનિકલ ભૂલને સુધારવામાં ભારતીય ચૂંટણી પંચ (ECI) ને પાંચ અઠવાડિયાથી પણ વધુ સમય લાગ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચૂંટણી પંચ પહેલા જ અનેક વિવાદોથી ઘેરાયેલું છે, તેવામાં હવે મહારાષ્ટ્રની ડ્રાફ્ટ યાદીમાં થયેલો છબરડો વધારે વિવાદ સર્જી શકે છે.
જન્મ વર્ષ 1900 થતાં સર્જાઈ વિસંગત
તારીખ 31 ઓગસ્ટે પ્રિન્ટ કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં અનેક લોકોની ઉંમર 126 વર્ષ જેટલી દર્શાવાઈ હતી. આ અંગે તપાસ કરતાં માલૂમ પડ્યું કે ડેટા માઇગ્રેશન અને પ્રોસેસિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે સિસ્ટમે ડિફોલ્ટ જન્મ વર્ષ 1900 ગણી લીધું હતું. મહારાષ્ટ્રના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) એસ. ચોકલિંગમે આ બાબત તરફ નવી દિલ્હી સ્થિત ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું હતું. સતત ફોલો-અપ અને સીનિયર ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગને પત્ર લખ્યા બાદ છેવટે 6 ઓક્ટોબરે આ ભૂલ સુધારવામાં આવી હતી.
88 ટકા કેસ માત્ર નાસિક જિલ્લામાં જ નોંધાયા
વધારે વિગતે વાત કરીએ તો, નાસિક જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે. આ ટેકનિકલ ભૂલોની વાત કરીએ તો, કુલ 2,70,313 મતદારોમાંથી 2,37,974 એટલે કે 88 ટકા કેસ માત્ર નાસિક જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તારો કલવણ, ચાંદવડ અને દેવલાલીમાં નોંધાયા હતા. બાકીના 32,339 ખોટી ઉંમર ધરાવતા નામો રાજ્યના અન્ય અલગ-અલગ વિસ્તારોમાંથી નોંધાયા હતા. CEO કાર્યાલય દ્વારા 2 સપ્ટેમ્બરથી ઇસીઆઇના આઇટી વિભાગ પાસે રો-ડેટાની માંગણી કરવામાં આવી રહી હતી. પરંતુ ત્યાંથી કોઈ યોગ્ય જવાબ આવ્યો નહોતો. તે પછી તારીખ 17 સપ્ટેમ્બરે મુખ્ય નિર્વાચન અધિકારીના આકરા પત્ર બાદ આ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રની ડ્રાફ્ટ મતદાર યાદી 7.72 કરોડ મતદારો રહ્યા
આ સમગ્ર વિલંબે રાજ્યના ચૂંટણી અધિકારીઓની દિલ્હી મુખ્ય મથક પરની નિર્ભરતા છતી કરી છે. ઇસીઆઇનેટ (ECINet) પોર્ટલના સેન્ટ્રલાઇઝેશન સામે ચૂંટણી પંચના પોતાના જ અધિકારીઓ અગાઉ સવાલ ઉઠાવી ચૂક્યા છે. ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુએ નોંધ્યું હતું કે કાયદાકીય રીતે સુધારા કરવાની સત્તા ધરાવતા રાજ્યના CEOs, DEOs અને EROs પાસે ERONet નો સંપૂર્ણ એક્સેસ નથી. નોંધનીય છે કે, SIR પ્રક્રિયા બાદ મહારાષ્ટ્રની ડ્રાફ્ટ મતદાર યાદી 7.72 કરોડ મતદારો છે, જે 'એસઆઈઆર' (SIR) પ્રક્રિયા અગાઉ 9.78 કરોડ હતા.