મોટી કંપનીઓના ફાયદા માટે પાલિકાને ૨૦૦ કરોડનું નુકસાન થશે: વિરોધપક્ષોનો સભાત્યાગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રસ્તાઓ અને ફૂટપાથ પર વિવિધ ઉપયોગિતા સેવા સંસ્થાઓ (યુટિલિટીઝ સર્વિસ) દ્વારા વારંવાર ખાડા ખોદવા પર નિયંત્રણ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ નવી પૉલિસી તૈયાર કરી છે. જોકે, સ્થાયી સમિતિમાં વિરોધપક્ષે આરોપ લગાવ્યો હતો કે આ નવી પૉલિસી ચોક્કસ વીજળી વિતરણ કંપનીઓ, ગેસ વિતરણ કંપનીઓ અને મોટા ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓના ફાયદા માટે છે. વિરોધપક્ષે સ્થાયી સમિતિની બેઠકમાંથી વોકઆઉટ પણ કર્યું હતું અને આરોપ લગાવ્યો કે નવી પૉલિસીથી પાલિકા પ્રશાસનને ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે. જોકે સત્તાધારી પાર્ટીએ બહુમતીથી સ્થાયી સમિતિમાં આ પૉલિસીને મંજૂરી આપી દીધી હતી.
મુંબઈમાં જુદી જુદી નાગરિક સુવિધાઓ પૂરી પાડવા માટે યુટિલિટી કંપનીઓ દ્વારા રસ્તાઓ પર ખાડા ખોદવામાં આવે છે. વીજળીની લાઇન, ઇન્ટરનેટ કનેક્શન, ગૅસ કનેક્શન માટે રસ્તા ખોદવામાં આવે છે. હાલમાં ૨૦૨૩ની ગાઈડલાઈન મુજબ આ કામો માટે પરવાનગી આપવામાં આવે છે. જોકે આ ગાઈડલાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા આ સંદર્ભમાં સુધારેલી પૉલિસીને પાલિકા પ્રશાસને સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રાખી હતી. ભારે હોબાળા વચ્ચે બુધવારે તેને મંજૂરી આપવામાં આવતા વિરોધપક્ષે આ પૉલિસીનો વિરોધ કર્યો હતો. કૉંગ્રેસે આ પૉલિસી ખાનગી વીજ કંપનીઓ અને મહાનગર ગૅસ જેવી કેટલીક કંપનીઓના ફાયદા માટે બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
વિરોધપક્ષના વિરોધ સામે પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે વર્તમાન સિસ્ટમ હેઠળ વસૂલવામાં આવતા ટ્રેન્ચ રિફિલ ચાર્જ અન્ય મહાનગરપાલિકા કરતા વધારે છે. મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકોમાં આ ચાર્જને તર્કસંગત અને વાજબી બનાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તે મુજબ, ૨૦૨૬ ની નવી પૉલિસી વિવિધ યુટિલિટી કંપનીઓનાં સૂચનો અને વાંધાઓને ધ્યાનમાં લીધા પછી તૈયાર કરવામાં છે. જોકે વિરોધપક્ષ આ જવાબથી સંતુષ્ટ નહીં થતા તેમણે વિરોધ કર્યો હોવા છતાં તેને નહીં ગણકારતા સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ આ પૉલિસીને મંજૂરી આપી દીધી હતી. આના કારણે શિવસેના (યુબીટી), કૉંગ્રેસ સહિતના વિરોધપક્ષના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું.
૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે
કૉંગ્રેસના ગ્રૂપ લીડર અશરફ આઝમીએ જણાવ્યું હતું કે વર્તમાન સિસ્ટમ મુજબ, નગરપાલિકા રસ્તા ખોદતા પહેલા પરવાનગી આપતી વખતે બદલામાં પુન: સ્થાપન ફી વસૂલ કરે છે. કૉંક્રીટ રસ્તાઓ માટે આ ફી પ્રતિ ચોરસ મીટર લગભગ ૪૦,૦૦૦ રૂપિયા છે. જે કંપની રસ્તો ખોદવા માટે વપરાયેલી યુટિલિટી ચેનલ નાખવા માગે છે તે તેના પોતાના કૉંન્ટ્રેક્ટર દ્વારા કરવામાં આવે છે અને તેને ભરવાનું કામ એક ઍજન્સી દ્વારા કરવામાં આવે છે, જેના પૈસા પાલિકા દ્વારા ચૂકવવામાં આવે છે. યુટિલિટી ચેનલ કંપનીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીમાંથી પાલિકાને મોટી રકમનું ભંડોળ મળી રહ્યું હતું. આના કારણે, પાલિકાને ફાયદો થઈ રહ્યો હતો. આના કારણે, ૨૦૨૦ પછી પાલિકાને દર વર્ષે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની મોટી આવક થઈ છે. નવી પૉલિસીને કારણે મોટી કંપનીઓ જાતે જ રસ્તા ખોદશે અને જાતે જ તે પૂરશે. ઉપરાંત અગાઉનો ઊંચો દર ( ૪૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર) ઘટાડીને ૪,૦૦૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર કરવામાં આવ્યો હોવાથી પાલિકાને નુકસાન થશે. તેથી આ પૉલિસી પર પુનર્વિચાર કરવાની આવશ્યકતા છે. દરમ્યાન શિવસેના (યુબીટી) સહિત અન્ય વિરોધપક્ષે પણ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.