Thu Oct 15 2026

Logo

રાહુલ ગાંધી સહિત વિપક્ષની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ECIના નિર્ણયો અને SIR સામે કર્યો હતી અરજી....

2026-10-15 07:51:00
Author: Vimal Prajapati
રાહુલ ગાંધી સહિત વિપક્ષની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ECIના નિર્ણયો અને SIR સામે કર્યો હતી અરજી....

 

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને 'ઈન્ડિયા' (INDIA) બ્લોક દ્વારા ચૂંટણી પંચના નિર્ણયો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી મહત્ત્વપૂર્ણ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ મામલાની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ થશે. આ અરજીમાં ખાસ કરીને મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (Special Intensive Revision - SIR)ની પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.   

અરજી દાખલ કરવામાં વિલંબ અને ટેકનિકલ ખામીઓ

સોમવારે સાંજે કોંગ્રેસ પક્ષની લીગલ ટીમ દ્વારા આ અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. નિયમ મુજબ મંગળવારે જ આના પર સુનાવણી થવાની હતી, પરંતુ સુપ્રીમ કોર્ટની રજૂઆતે (રજિસ્ટ્રીએ) આ અરજીમાં કુલ 14 જેટલી ટેકનિકલ અને કાગળો સંબંધિત ખામીઓ કાઢી હતી. આ અરજીમાં પ્રતિવાદીઓના નામોમાં ભૂલો, ખાનગી પક્ષકારોને પ્રતિવાદી તરીકે જોડવા માટેના કારણોનો અભાવ, અગાઉના ચુકાદાની નકલ ન હોવી, નવ વ્યક્તિઓ તરફથી 'વકાલતનામા' (સત્તાપત્ર)નો અભાવ, ખડગેના ઓળખ દસ્તાવેજની અસ્પષ્ટ નકલ, કોર્ટ ફીની અપૂરતી ચુકવણી અને દસ્તાવેજોમાં છાપકામ જેવી ભૂલો હોવાથી  કોર્ટે આ ખામીઓને સુધારવાનો નિર્દેશ આપ્યો હતો. 

અરજીમાં કોણ-કોણ છે મુખ્ય પિટિશનર્સ?

આ સંયુક્ત અરજીમાં રાહુલ ગાંધી સહિત કુલ 11 અરજદારો સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે ઉપરાંત સૌગત રાય (TMC), અખિલેશ યાદવ (SP), તેજસ્વી યાદવ (RJD), સંજય રાઉત (Shiv Sena-UBT), એમ.એ. બેબી (CPI-M), ડી. રાજા (CPI), મहुआ માજી (JMM), સુપ્રિયા સુલે (NCP-SP) અને ઇ.ટી. મોહમ્મદ બશીર (IUML) ના નામ મુખ્ય છે. જોકે, આ પિટિશનમાં આમ આદમી પાર્ટી તરફથી કોઈ સભ્ય સામેલ નથી. જેથી વિપક્ષમાં અંદરો અંદર કોઈ વિવાદ હોય તેવું લાગી રહ્યું છે. 

વિપક્ષી નેતાઓની આ અરજીમાં શું માંગણી કરી?

આ અરજીમાં ખાસ કરીને ચૂંટણી પંચના વડા જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુને આ કેસમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. વિપક્ષી નેતાઓની આ અરજીમાં મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો, SIR પ્રક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં યોગ્ય મતદારોના નામ ગાયબ થવા અને અનિયમિતતાનો આરોપ, મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણની પ્રક્રિયાને ત્વરિત અટકાવવાની માંગ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે યોગ્ય પગલાં લેવાની રજૂઆત કરવાની માંગણી કરવામાં આવી છે.