ભરત ભારદ્વાજ
ભારતના રાજકારણમાં નૈતિકતા કઈ હદે મરી પરવારી છે એ છાસવારે જોવા મળે છે. આપણા રાજકીય પક્ષો સિદ્ધાંતો અને નીતિમત્તાનાં ઉચ્ચ મૂલ્યો જાળવવામાં તો સદંતર નિષ્ફળ ગયા જ છે પણ વગોવાયેલા અને ખરડાયેલા નેતાઓનો બચાવ કરવા માટે પણ કૂદી પડે છે એ જોઈને ખરેખર આઘાત લાગે છે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે હમણાં દુષ્યંત ગૌતમ અને એ. બિમોલ અકોઈજામના મુદ્દે જામેલો જંગ તેનો પુરાવો છે.
ભાજપના દુષ્યંત ગૌતમ અને કૉંગ્રેસના એ. બિમોલ અકોઈજામ બંને યુવાન છોકરીઓની જાતિય સતામણીના ગંભીર આક્ષેપોમાં સંડોવાયેલા છે પણ ભાજપ કે કૉંગ્રેસ બંનેમાંથી કોઈને તેની શરમ નથી ઊલટાનું બંને પોતપોતાના નેતાઓનો બચાવ કરી રહ્યા છે અને સામેના પક્ષમાં પણ લંપટ અને હવસખોર હોવાના દાવા કરીને પોતાના નેતાઓનાં કૃત્યોને યોગ્ય ઠેરવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હમણાં કેટલાંક રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી તેમાં ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ અને અનુસૂચિત જાતિ મોરચાના ભૂતપૂર્વ પ્રમુખ દુષ્યંત ગૌતમને સિક્કીમના રાજ્યપાલ નિમ્યા છે. કૉંગ્રેસે ગૌતમની નિમણૂક સામે વાંધો ઉઠાવીને ઉત્તરાખંડમાં દેખાવો શરૂ કર્યા છે કેમ કે ઉત્તરાખંડમાં રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષની અંકિતા ભંડારીની હત્યાના કેસમાં દુષ્યંત ગૌતમ સામે અંકિતાના પરિવારે આક્ષેપો કર્યા હતા. અંકિતા ભાજપના મંત્રી વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્યના રિસોર્ટમાં કામ કરતી હતી.
પુલકિતે અંકિતાને કેટલાક વીઆઈપીઓની હવસ સંતોષવાની ખાસ સેવા બજાવવા અંકિતાને કહેલું પણ અંકિતા તૈયાર ના થતાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયેલી. સપ્ટેમ્બર 2022માં એક નહેરમાંથી અંકિતાની લાશ મળી આવેલી.આ કેસમાં કોર્ટે પુલકિત આર્ય અને તેના બે સાથીદારો સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને હત્યા, પુરાવાનો નાશ અને અનૈતિક ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે પણ કૉંગ્રેસનું કહેવું છે કે, ઉત્તરાખંડની પોલીસે આ ત્રણને સજા કરાવીને ભાજપનાં બીજાં મોટાં માથાંને બચાવી લીધાં છે. આ મોટાં માથાંમાં એક દુષ્યંત ગૌતમ પણ છે. દુષ્યંત ગૌતમ સામે અંકિતાનાં માતા-પિતાએ ગંભીર આક્ષેપો કરેલા પણ ઉત્તરાખંડની ભાજપ સરકારે દુષ્યંત ગૌતમ સહિતના કોઈ વીઆઈપીને કશું ના કર્યું.
દુષ્યંત ગૌતમ સામેના આક્ષેપો ગંભીર છે ને સાવ મોં-માથા વિનાના નથી પણ ભાજપે આ આક્ષેપોનો જવાબ આપવાના બદલે કૉંગ્રેસના સાંસદ એ. બિમોલ અકોઈજામનો મુદ્દો ઉઠાવ્યો છે. અકોઈજામ મણિપુરના સાંસદ છે અને પહેલાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ભણાવતા હતા. 2026ના મેમાં કેટલીક વિદ્યાર્થિનીઓએ અકોઈજામ પોતાની જાતીય સતામણી કરતા હોવાની ફરિયાદ કરેલી. જેએનયુએ ‘પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ’ (પીઓએસએચ) માળખા હેઠળ તપાસ કરીને તેમાં અકોઈજામે 11 વિદ્યાર્થિનીઓની જાતિય સતામણી કરી હોવાનું સાબિત થતાં અકોઈજામને તગેડી મુકાયા છે.
ભાજપનું કહેવું છે કે, અંકિતા હત્યા કેસમાં દુષ્યંત ગૌતમ સામે આક્ષેપો કરી રહેલી કૉંગ્રેસ અકોઈજામના મુદે કેમ સાવ ચૂપ છે? અકોઈજામ સામેના આક્ષેપો તો પુરવાર થયેલા છે અને તેના આધારે તેમને જેએનયુમાંથી તગેડી મુકાયા છે પણ કૉંગ્રેસે કોઈ કાર્યવાહી કરી નથી. અકોઈજામની હકાલપટ્ટી પછી ખરેખર તો તેમને કૉંગ્રેસમાંથી લાત મારીને કાઢી મૂકવા જોઈતા હતા પણ કૉંગ્રેસ સાવ ચૂપ છે.
ભાજપ અને કૉંગ્રેસ બંને રાજકીય આક્ષેપબાજી કરીને પોતાના નેતાઓને છાવરે છે એ અધમતાની ચરમસીમા કહેવાય કેમ કે બંનેમાંથી કોઈ બચાવને લાયક નથી. ગૌતમ સામેના આક્ષેપોને લગતી સપ્ટેમ્બર 2022ની છે. એ વખતે ઋષિકેશના વનંતરા રિસોર્ટમાં 19 વર્ષની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા થઈ ગઈ હતી. અંકિતાને નદીમાં ધક્કો મારીને પતાવી દેવાયેલી.
અંકિતા ગુમ થઈ પછી થયેલી તપાસમાં રિસોર્ટના માલિક પુલકિત આર્યએ અંકિતા પર ત્યાં આવતા વીઆઈપી મહેમાનોને "સ્પેશ્યલ સર્વિસ” આપવા માટે દબાણ કર્યું હતું એવું બહાર આવેલું. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પુલકિત 19 વર્ષની છોકરી પાસે વેશ્યાવૃત્તિ કરાવવા માગતો હતો પણ અંકિતાએ આ અનૈતિક કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેના કારણે ઝઘડો થયો પછી પુલકિત અને તેના સાથીઓએ અંકિતાને ચીલા નહેરમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પુલકિત ભાજપના નેતા વિનોદ આર્યનો પુત્ર હતો તેથી પોલીસે તેમને છાવરવાનો પ્રયાસ કરેલો. આરોપીઓએ પહેલાં તો અંકિતાએ આત્મહત્યા કરી હતી એનો દાવો કરેલો અને પોલીસની મિલિભગતમાં આરોપીઓએ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ, ડીવીઆર સાથે ચેડાં કરીને પુરાવાનો નાશ કરવા કોશિશ કરેલી. એ જ રીતે રિસોર્ટના અમુક ભાગ પર બુલડોઝર ફેરવીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ વોટ્સએપ ચેટ્સ અને ફોરેન્સિક પુરાવાના કારણે પુલકિત આર્ય તથા તેના સાથીઓ બચી ના શક્યા.
અલબત્ત પુલકિત ક્યા વીઆઈપીઓને ખાસ ટ્રીટમેન્ટ આપવા માગતો હતો એ મામલે પોલીસ ચૂપ રહી. આ કેસમાં પુલકિત આર્ય સહિત ત્રણને આજીવન કેદની સજા થઈ પણ વીઆઈપીઓનાં નામ કદી બહાર ના આવ્યાં. અંકિતાના પિતાએ આક્ષેપ કરેલો કે, અંકિતાની હત્યાના દિવસે પુલકિત આર્યને ઘણા વીઆઈપીએ ફોન કર્યા હતા પણ પુલકિતના આ બંને દિવસના ફોનની કોલ ડિટેલ્સની તપાસ જ કરવામાં આવી નથી.
દુષ્યંત ગૌતમે પણ ફોન કરેલો એવો આક્ષેપ છે ને તેના કારણે કૉંગ્રેસ કૂદી રહી છે. ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે તેથી ભાજપે સામેથી દુષ્યંત ગૌતમ સહિતના વીઆઈપીઓને આ કેસ સાથે કંઈ લેવાદેવા નથી એ સાબિત કરવું જોઈએ. તેના બદલે ભાજપ ગૌતમનો બચાવ કરી કહ્યો છે.
કૉંગ્રેસ પણ ગૌતમના મુદ્દે કૂદાકૂદ કરી રહી છે પણ અંગોમચા બિમોલ અકોઈજામના મુદ્દે સાવ ચૂપ છે. મે 2026માં, જેએનયુ આંતરિક ફરિયાદ સમિતિ (આઇસીસી) સામે અકોઈજામ વિરુદ્ધ 11 વિદ્યાર્થીઓ દ્વારા જાતીય સતામણીની ફરિયાદ કરાઈ હતી. અકોઈજામે વિવિધ કાર્યક્રમો દરમિયાન અયોગ્ય ટિપ્પણીઓ અને કથિત રીતે અયોગ્ય ચેષ્ટાઓ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. અકોઈજામે આ આક્ષેપોને નકારીને દાવો કર્યો હતો કે આ મુદ્દે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યો છે અને પોતે કશું અનૈતિક કર્યું નથી.
જો કે, યુનિવર્સિટીની આંતરિક સમિતિ (આઇસી)એ અકોઈજામને કઠોર સજાની ભલામણ કરી પછી 9 ઓક્ટોબર 2026ના રોજ તેમને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. કૉંગ્રેસ આ મુદ્દે સાવ ચૂપ છે એ શરમજનક કહેવાય. અકોઈજામને કૉંગ્રેસે ને દુષ્યંત ગૌતમને ભાજપે ખરેખર લાત મારીને તગેડી મૂકવા જોઈએ. તેના બદલે ભાજપ બંનેને છાવરીને પોતાનામાં કોઈ પ્રકારની નૈતિકતા નથી બચી એ સાબિત કરી રહ્યા છે. ભાજપે ગૌતમ સામે થયેલા આક્ષેપોની કદી તપાસ જ ના કરી ને કૉંગ્રેસે જેએનયુનાં પગલાં છતાં અકોઈજામને કશું ના કર્યું એ જોતાં બંને સરખા અનૈતિક છે.