પ્રજ્ઞા વશી
અમારાં ગંગાબા ઓટલે બેઠાં હોય અને રંગમાં આવી ગયાં હોય તો એમના ગામની અનેક વાતો કરતાં. તાકાત નથી કે જે સભામાં અમારાં ગંગાબા પ્રમુખ પદે બેઠાં હોય ત્યાં કોઈ બીજી બહેન પોતાની વાત મૂકી શકે! એમાં ગંગાબાને ડિસેમ્બર મહિનાનો લગનગાળો બહુ ગમે. અમે ગામડે લગનગાળામાં જતાં ત્યારે અમારાં દાદી ગંગાબા બહુ રંગમાં આવી જતાં.
ઘરના ઓટલે ગામની સાસુ-વહુઓ ભેગી થઈને તાજી પાપડી-તુવેર છોલતી જાય અને ગામ આખામાં કોના ઘરે શું થયું, કોની પોરી પાછી આવી, કોનો છોકરો કુંવારો છે, કોનો વિદેશ ગયો અને આ વરહે કોના ઘરે માંડવા બંધાવાની વકી છે એની ચર્ચા ચાલતી અને એમાં ગંગાબા...
‘અલી રુખી, મોઢું બંધ કર ને જલદી હાથ હલાવ. એક કલાકમાં એક વાટકી દાણા હજી કાઢ્યા નથી. હાવ ઢીલી ઢફ છે’ એમ કહીને વડીલપણું બતાવતાં રહેતાં.
‘અલી રૂખડી, તારા પડોશમાં રહેતો ચમનીયો ચોથી વાર ઘોડે ચડવાનો તે વાત હાચી કે? મૂઆના મોઢામાં ચોકઠું તો હરખું રહેતું નથી ને હાથ-પગ તો ધ્રૂજતા છે. તે મૂઓ ઘોડે કેવી રીતે ચડવાનો? મેં તો હાંભળું છે કે આખા ગામને જમાડવાનો. તે વાત હાચી કે?’
‘હા ગંગાબા, એનાથી અડધી ઉંમરની કન્યા મળી છે. પરણતાં પહેલાં ઘર-જમીન ક્ધયાને નામે કરી આપ્યાં ત્યારે આવી ક્ધયા હાથ લાગી છે!’
‘રૂખડી, આ સંઘ કાશી નહીં જાય. તું જોજે, છ મહિનામાં ચમનીયાને ઘરની બહાર નહીં કાઢે તો મને કહેજે.’
‘આપણે તો ગંગાબા, એક દિવસ ચૂલો ફૂંકવાનો ઓછો... આપણે તો જમવા હાટે નિસબત છે.’
ગંગાબા જેવાં જ બીજાં ચાર દાદીઓ ગામમાં કડેધડે હતાં. અમે શહેરમાંથી વેકેશન કરવા ગામ જતાં ત્યારે આ બધી દાદીઓ પ્રેમથી અમારાં ઓવારણાં લઈને કપાળે ટચાકા ફોડતી અને અલા-બલા ટાળતી. અમે પૂછતાં કે આમ કરવાથી શું થાય ત્યારે એમનું બોખું મ્હોં અને વહાલ અમને ગમતાં. અંગ્રેજી માધ્યમમાં ભણી ગણીને ઇંગ્લિશમાં બોલતાં ‘જેન ઝી’ઓને આવા વાતાવરણમાં મૂકી દેવામાં આવે તો અડધી વાત કદાચ માથા ઉપરથી જ ચાલી જાય.
અમે અમારી દીકરીની દીકરીને કહીએ છીએ કે અમને સાંજે પાંચ વાગ્યા પછી ઘરની બહાર જવાની મનાઈ હતી કે અમારા ગામમાં આરતી થયા પછી છોકરીઓએ ઘરની બહાર ન જવાનું એવો અમારા વડીલોનો કાયદો હતો. તો તરત બાર વર્ષની ટીની બોલી, ‘વ્હૉટ અ રબીશ પૉલિસી...! આઇ કાન્ટ બિલીવ.’
હવે ઉત્તર અને દક્ષિણ છેડા વચ્ચેનાં અમે, ગંગાબા અને ટીની વચ્ચે બે પ્રવાહોની રકઝક વચ્ચે મરક મરક હસી લઈએ છીએ.
વર્ષો પછી એ પ્રસંગ ટીનીને કહ્યો તો એણે હસતાં કહ્યું, ‘દાદી, ચાલ. આપણે આને ડ્રામા બનાવીને રીલ બનાવીએ અને લૉન્ગ બને તો શૉર્ટ ફિલ્મ બનાવીએ.’
અમે તૈયારી નહીં બતાવી તો ટીની કહે, ‘તારા કરતાં તારી ગંગામાં વધારે સ્ટ્રૉન્ગ લેડી હતાં. તેં તારી દાદી પાસે સ્ટ્રૉન્ગ બનવાનું ટીચ ન કર્યું? દાદી, હાઉ કેન ઈટ પૉસિબલ? ઇઝ ઇટ ટ્રુ?’
ટીનીને શું ખબર કે અમારી ગંગાબા માટે સ્ટ્રૉન્ગ બનવા માટે કોઈ વર્કશૉપમાં જવાનું નહોતું. ઓટલો જ એમની સંસદ હતો, પાપડી-તુવેરની છાલ એમનાં કાગળો હતાં અને ગામની સાસુ-વહુઓ એમની સભા! કોઈની વાત ગમી નહીં તો તરત ઠપકો, કોઈની ચિંતા હોય તો અંદરથી વહાલ અને કોઈનું કામ અટવાયું હોય તો બે શબ્દમાં રસ્તો કાઢી આપવો. આ બધું એમની જીવનશૈલીનો જ ભાગ હતું.
દાદાએ પછી ગવાહી પૂરી કે અમારો ઘોડો અમને લઈને બીજા ગામ જતો રહેલો, કારણ કે એક જ નામનાં બે ગામ હતાં. જેણે રસ્તો બતાવેલો એ માણસ આ વાતથી અજ્ઞાત હતો. જાનૈયા લગ્ન સ્થળે વહેલા પહોંચી ગયા અને અમે સાંજે પહોંચ્યાં. ત્યાં સુધી વેવાઈ પક્ષોના સવાલોના જવાબ આપીને ભૂખ્યાં-તરસ્યાં બેઠાં હતાં. એમનો બસ એક જ પ્રશ્ર્ન કે ‘વરરાજા કેમ હજી આવ્યો નથી? તમારો ઇરાદો સારો તો છે ને?’ માણસ એટલી વાતો... ગામ આખું અફવાગ્રસ્ત બની ગયું હતું. કોઈ કહે કે ‘વરરાજા તો શહેરમાં ભાગી ગયો લાગે છે... થોડો ભણેલો છે. નક્કી પ્રેમલગ્ન કરી લીધાં હશે.’
‘જ્યાં સુધી વરરાજા નહીં આવે ત્યાં સુધી એક પણ થાળી-વાડકા ખખડશે નહીં,’ રસોડાના કારભારીએ વટહુકમ બહાર પાડ્યો. ‘ભલે રસોઈ બગડી જાય તો પાછી બનાવીશું, પણ વરરાજાના આવ્યા વિના જમણવાર નહીં જ થાય.’
આ વાત ચારે બાજુ પ્રસરી. ગામના લોકો અને તમામ જાનૈયા-ઘરડાઓ, બાળકો, બહેનો, બધાં ભૂખ્યાં... ક્ધયા પક્ષનું રુદન અને ત્યાં જ દૂરથી વરરાજાનો મરિયલ ઘોડો ધીમો ધીમો હાંફતો પાદરમાં પ્રવેશ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. વેવાઈ-વેવણ પાણીનો લોટો, પોંખવાનો થાળ અને ઠંડી સોડા લઈને દોડ્યાં. ઘોડો જાતે હાંકવાની જીદમાં અજ્ઞાત માણસના દિશા સૂચનમાં દસ ગામડાં પસાર કરીને મંડપ સુધી પહોંચ્યો એ જાણી વરરાજા પ્રેમથી પોંખાયા અને કારભારીએ ઢોલીઓને નગારાં વગાડવાની છૂટ આપી. ચૂલા ફરી સળગ્યા. ખોટી અફવા ફેલાવનારાનાં હાડકાં ગામવાળાએ ખોંખરાં કરી લીધાં.
ટીની તો આ સ્ટોરીથી એટલી પ્રભાવિત થઈ ગઈ અને બોલી ઊઠી, ‘ગ્રાન્ડપા, શૉર્ટ ફિલ્મ ઓર ડ્રામા ઓર રીલ... હિસ્ટોરિકલ સ્ટોરી ઑફ અવર ફૅમિલી. એમ આઇ રાઇટ?’
અમે હસીને કહ્યું, ‘હા, લખ. પણ એક વાત યાદ રાખજે. આ માત્ર સ્ટોરી નથી. આ તારી ગંગાબાની દુનિયા છે અને આ દુનિયા સમજવા માટે ગૂગલ નહીં, થોડું દિલ ખોલવું પડે.’