કાજલ ઓઝા-વૈદ્ય
નામ: કિમી કાટકર
સમય: 2026
સ્થળ: ગોવા
ઉંમર: 61 વર્ષ
(ભાગ: 3)
પિતા વગર ઉછરેલી નયનતારા કાટકર ભણવામાં તો એવી હોંશિયાર નહોતી, જિંદગીમાં ડૉક્ટર, એન્જિનિયર બની જઈશ એવા સ્વપ્નાંય નથી સેવ્યાં મેં... કે સુપરસ્ટાર બની જઈશ, મોટી અભિનેત્રી બની જઈશ, ટોચના અભિનેતાઓ સાથે ફિલ્મોમાં હીરોઇન બનીશ, આવું કંઈ નહોતું વિચાર્યું મેં! એક વાત નક્કી હતી, મારા પરિવારને, જેમાં માત્ર મારી મા હતી એને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢીશ! બાળપણમાં મેં જે સંઘર્ષ જોયો એવા સંઘર્ષ સાથે મારી માને એની વૃદ્ધાવસ્થામાં ન જીવવું પડે એટલી મહેનત ચોક્કસ કરીશ એવું મારા મનમાં નક્કી હતું!
સાચું કહું તો મારી સફળતાનો બધો શ્રેય મારે મારી માને જ આપવો પડે. એણે જે રીતે પ્રોડ્યુસર્સ પાસે જઈને મને કામ આપવાની વિનંતી કરી,ઑડિશન માટે મને લઈ લઈને એક એકનિર્માતાઓના દરવાજા ખખડાવ્યા, મને કામ મળ્યું એ પછી પણ હું સમયસર પહોંચું, મહેનત અને લગનથી કામ કરું એ માટે જેણે સતત ડિસિપ્લિનનો આગ્રહ રાખ્યો એ મારી મા, ટીના મારી પ્રેરણામૂર્તિ, મારી મેન્ટોર અને મારી મૅનેજર રહી!
ટારઝનમાં રોલ મળ્યો ત્યારે બી. સુભાષે પહેલાં શરત કરેલી કે આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થશે. કૉસ્ચ્યુમ અત્યંત બોલ્ડ અને આધુનિક રહેશે એ માટે પછી માથાકૂટ નહીં કરવાની ને મારી માએ પણ એ વિશે સ્વીકૃતિ આપેલી, પણ ત્યારે કલ્પના નહોતી કે આવા, મુદુમલાઈનાં ગાઢ જંગલોમાં શુટિંગ કરવાનું થશે... અંધારું, કાદવ, ગમે ત્યારે પડતો વરસાદ અને ગીચ જંગલોની વચ્ચે ગરમીમાં શુટિંગ કરતી વખતે હું વારેવારે હારી જતી, પણ મારી મા મને સતત પ્રોત્સાહન આપતી અને કહેતી, ‘આ તારી પહેલી ફિલ્મ છે.
ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જો બાકીના નિર્માતાઓને ખબર પડશે કે તું મહેનતુ છે, નખરા નથી કરતી અને સમયપાલન સાથે શિસ્તથી કામ કરે છે તો તને ખૂબ કામ મળશે...’ બસ! આ પ્રેરણાની વાતોથી જ મેં એ ફિલ્મનું શુટિંગ પૂરું કર્યું. આજે પણ યાદ કરું છું તો કમકમા આવી જાય છે. અમે સરકસના એક દ્રશ્નું શુટિંગ કરી રહ્યાં હતાં. એ સમયે વીએફએક્સ નહોતા એટલે સાચા પ્રાણીઓ સાથે જ શુટિંગ કરવું પડતું.
એક વાઘ સાથે શુટિંગ કરતી વખતે એને પિંજરામાં જવાનું હતું. એના ટ્રેઇનરે રિહર્સલ કરાવ્યા એ દરમિયાન વાઘ એકદમ કહ્યાગરો થઈને પિંજરામાં ગયો, પરંતુ જ્યારે કૅમેરા શરૂ થયો ત્યારે એ મારી બાજુમાં આવીને બેસી ગયો. હવે એનો ટ્રેઇનર બોલાવતો હતો, પણ એ તો જાણે કશું સાંભળતો જ ન હોય એમ નિરાંતે મારી બાજુમાં બેસીને પંજા ચાટતો રહ્યો.
આખો સ્ટુડિયો ખાલી થઈ ગયો. લાઈટમૅન, સ્પૉટ પરના માણસો, કૅમેરામૅન સહિત બધા ભાગી ગયા, પરંતુ હું શાંતિથી બેસી રહી. મેં ક્યાંક વાંચ્યું હતું કે ‘આપણે જંગલી પ્રાણીને ન ડરાવીએ તો એ આપણને ડરાવતાં નથી. આપણે જો એના હુમલાના ભયથી ડરીને નાસભાગ કરી મૂકીએ તો એ કારણ વગર ઉશ્કેરાઈને હુમલો ન કરવાના હોય તોય કરી બેસે.’ એટલે હું શાંત અને સ્થિર બેસી રહી. નવાઈની વાત હતી કે વાઘ પણ શાંતિથી અને સ્થિરતાથી બેઠો રહ્યો. એક-બે વાર એણે મારી તરફ જોયું, પણ એમાં ક્યાંય હિંસક વૃત્તિ નહોતી.
ધીમે ધીમે એનો ટ્રેઇનર નજીક આવ્યો અને એણે વાઘનો કંટ્રોલ લીધો ત્યાં સુધી મારા હૃદયના ધબકારા ચોક્કસ વધી ગયા હતા, પરંતુ સાચું પૂછો તો મને ડર લાગ્યો નહોતો! એ ઘટના પછી મારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો. મેં એક ઇન્ટરવ્યૂમાં કહેલું, ‘માણસો કરતાં પશુઓ ઓછાં હિંસક હોય છે!’ એવી જ રીતે અમે મદુમલાઈના જંગલમાં શુટિંગ કરતાં હતાં ત્યારે જંગલી હાથીઓનું ટોળું ધસી આવ્યું. સૌ ડરી ગયા. મોંઘો કૅમેરા, લાઇટો બધું ગોઠવેલું હતું. હાથી વિફરે તો ક્ષણભરમાં બધો કૂચો કરી નાખે, પરંતુ એમણે અમને નુકસાન ન કર્યું-અમે નિરાંતે કામ કર્યા વગર સ્થિર બેસી રહ્યા.
એ બધા હાથીઓ થોડીવાર આમતેમ ફરીને આરામથી ચાલી ગયા. અમને જાણે નવું જીવન મળ્યું હોય એટલી રાહત થઈ હતી! એક દિવસ હું અને હેમંત ઝાડ ઉપર શુટ કરતાં હતાં ત્યારે કિંગ કોબ્રા અમારી બાજુમાંથી પસાર થયો. એક જ ડંખ માર્યો હોત તો જિંદગી પૂરી થઈ ગઈ હોત, પરંતુ એણે અમારી તરફ જોયું સુધ્ધાં નહીં! ‘ટારઝન’ના શુટિંગ પછી પણ એ ફિલ્મનો વિવાદ ફરીથી ઉછળ્યો.
કોણ જાણે કઈ રીતે પ્રેસમાં મારા નામે એવું વિધાન કરવામાં આવ્યું કે મારા ઉપર ટૂંકા અને ઓછાં કપડાં પહેરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. જોકે મેં આવું ક્યાંય, કોઈ ઇન્ટરવ્યૂમાં કોઈને કહ્યું નથી. બી.સુભાષે સામે ઇન્ટરવ્યૂ આપીને કહ્યું કે ‘મારી માએ મારાં ઓછાં કપડાં અને બોલ્ડ ઇમેજ ઊભી કરવાનો આગ્રહ રાખ્યો હતો!’ આવું કંઈ બન્યું નહોતું... પરંતુ એ વિવાદને કારણે એ સમયના મૅગેઝિનમાં ફિલ્મ ખૂબ ચર્ચાઈ, જેને કારણે ફિલ્મને ખૂબ પ્રસિદ્ધિ મળી.
મારું માનવું છે કે બી.સુભાષ પબ્લિસિટી માટે આ બધું કરતા રહ્યા, કારણ કે એ જમાનામાં ડિસ્ટ્રિબ્યુટરને વીએચએસ કૅસેટ જોવા માટે મોકલાતી. અમારી ફિલ્મ ‘ટારઝન’ની એક વીડિયો કૉપી લીક થઈ ગઈ. સેન્સર કર્યા વગરની આ વીડિયો કૉપીમાંથી અનેક સીન કૉપી થઈને વીએચએસમાં ફરવા લાગ્યા (ત્યારે સેલફોન કે સીડી આવ્યા નહોતા) ફક્ત અનસેન્સર સીનની વીએચએસ જોવા માટે લોકો પડાપડી કરવા લાગ્યા.
આ બોલ્ડ અને અનસેન્સર સીનની પબ્લિસિટીને કારણે પણ ટારઝન ખૂબ સારી ચાલી... જોકે એ ફિલ્મને લીધે મારી એક ગ્લૅમરસ ટૂંકાં કપડાં પહેરતી હીરોઇનની ઇમેજ પરમેનેન્ટ થઈ ગઈ. હું અલગ પ્રકારનાં પાત્રો કરવા માગતી હતી, પરંતુ દુર્ભાગ્યે એવો કોઈ રોલ પછી મને કોઈ નિર્માતાએ ઑફર કર્યો જ નહીં!
1985થી 1991 વચ્ચે મેં સતત કામ કર્યું. માત્ર ત્રણ જ વર્ષમાં મેં 35 ફિલ્મો કરી. જેમાં 1989 અને 90માં દોઢ વર્ષના ગાળામાં મારી 15 ફિલ્મો રિલીઝ થઈ. આ ફિલ્મો ગોવિંદા, સંજય દત્ત, અનિલ કપૂર, સુનીલ શેટ્ટી, મોહનિશ બહેલ સહિત અનેક અભિનેતાઓ સાથે રજૂ થઈ. એ સમયગાળામાં બધા જ ટૉપના અભિનેતાઓ સાથે કામ કરતી હોય એવી ભાગ્યે જ કોઈ હીરોઈન હતી... એ સમયમાં મારી ઓળખાણ મોહનિશ બહેલ સાથે થઈ.
મારા જીવનનો સૌથી ગંભીર અને સુરક્ષિત સંબંધ ફક્ત મોહનિશ સાથે જ રહ્યો. અમે લગ્ન કરવા સુધી પહોંચી ગયાં, પરંતુ એ મારી કારકિર્દીની શરૂઆત હતી અને મોહનિશની પણ. એણે શર્ત મૂકી કે લગ્ન પછી મારે ફિલ્મો છોડી દેવી પડશે. મારી માને આ સ્વીકાર્ય નહોતું, કારણ કે મારી સાઇન કરેલી ફિલ્મોનો ઢગલો મારી પ્રતીક્ષા કરી રહ્યો હતો! જે સ્વપ્ન એ પૂરું ન કરી શકી એ સ્વપ્ન પૂરું થઈ રહ્યું હતું, ત્યારે હું લગ્ન કરીને ફિલ્મલાઇન છોડી દઉં એ વાતનો એણે તીવ્ર વિરોધ કર્યો.
આવનારાં ચાર-પાંચ વર્ષ સુધી મારી પાસે ડેટ્સ નહોતી ને મોહનિશ પાંચ વર્ષ સુધી અમારો સંબંધ છુપાવીને લગ્ન માટે રાહ જોઈ શકે એમ નહોતો, પરિણામે મોહનિશ સાથેનો સંબંધ તૂટી ગયો. એણે પોતાની કારકિર્દીમાં વ્યસ્ત થવાનું પસંદ કર્યું ને મેં પણ મારી કારકિર્દીમાં ધ્યાન આપ્યું. 87-88ના વર્ષમાં સ્ટારડસ્ટ, સિનેબ્લિટ્સ અને ફિલ્મફેરમાં સંજય દત્ત સાથેના મારા અફેરની અફવા ઊડી! સંજય દત્ત, અને અફેર? એના જીવનમાં અનેક સ્ત્રીઓ હતી.
દિનેશ રાહેજા નામના એક પત્રકાર મિત્રએ મને કહેલું, ‘અફેર હોય તો પણ એટલું યાદ રાખજે કે તું એની એક માત્ર ગર્લફ્રેન્ડ નથી!’ એ સિવાય અનિલ કપૂર, ગોવિંદા, ડેની ડેન્ઝપ્પા અને મહેમુદના ભત્રીજા બિન્જુ અલી સાથે પણ મારા સંબંધોની અફવાઓ ઊડતી રહી... સત્ય એ છે કે સાચા અર્થમાં મારું કોઈ અફેર ક્યારેય થઈ શક્યું જ નહીં. તમે જ વિચાર કરો ને, દિવસની ત્રણ શિફ્ટમાં કામ કરતી અભિનેત્રીને અફેર કરવાનો સમય ક્યારે મળે?
એક સેટથી બીજો સેટ, એક પ્રીમિયરથી બીજું પ્રીમિયર, એક પછી એક સક્સેેસ પાર્ટી, પ્રમોશન, પ્રેસ કૉન્ફરન્સ અને કૉસ્ચ્યુમ ટ્રાયલ, ફોટોશુટમાંથી મને ઊંઘવાનો સમય પણ ભાગ્યે જ મળતો... એમાં વળી અફેર ક્યાંથી થાય? એ વખતે સેલફોન ય નહોતા એટલે કોઈને ફોન કરવો હોય તો પણ સ્ટુડિયોની લૅન્ડલાઇન પર ફોન કરે. વેનિટી વેન નહોતી એટલે લૅન્ડલાઇનમાંથી મેકઅપ રૂમમાં ફોન ટ્રાન્સફર થાય જે મારી મા જ ઉપાડે... મારી ખરેખર જરૂર હોય તો જ એ મને ફોન આપે!
મોહનિશ પછીનો પહેલો અને સાચો સંબંધ થયો, શાંતનુ સાથે! (ક્રમશ:)