Thu Oct 15 2026

Logo

મેલ મેટર્સઃ પિતૃસત્તાત્મકતાનો બદલાતો રાજકીય અવાજ... આજની ભારતીય વાસ્તવિકતા સાથે મેળ ખાય છે ખરો?

2026-10-15 08:23:00
Author: Ankit Desai
મેલ મેટર્સઃ પિતૃસત્તાત્મકતાનો બદલાતો રાજકીય અવાજ... આજની ભારતીય વાસ્તવિકતા સાથે મેળ ખાય છે ખરો?

 


અંકિત દેસાઈ

સાંપ્રત ભારતીય રાજકારણ અને જાહેર ચર્ચાઓમાં ‘પેટ્રીઆર્કી’ એટલે કે પિતૃસત્તાત્મકતા શબ્દ વારંવાર સાંભળવા મળે છે. ખાસ કરીને વિપક્ષીઓ- કૉંગ્રેસ અને ડાબેરી વિચારધારા ધરાવતાં જૂથો દ્વારા ‘સ્મેશ ધ પેટ્રીઆર્કી’ જેવાં  ઉચ્ચારાતાં આક્રમક સૂત્રો અને નિવેદનો મારફતે દેશમાં નારીવાદી મુદ્દાઓને સપાટી પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. 


દાવો એવો કરવામાં આવે છે કે રાષ્ટ્રીયતા અને પરંપરાવાદની વાતો કરતી દક્ષિણપંથી વિચારધારા સમાજમાં પુરુષપ્રધાન માનસિકતાને પ્રોત્સાહન આપે છે, પરંતુ રાજકીય રણનીતિઓ, વોટબૅન્કનાં ગણિતો અને ચૂંટણીકીય વાક્પ્રહારોની બહાર નીકળીને જો આપણે ભારતીય સમાજનું નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક સામાજિક વિશ્ર્લેષણ કરીએ  તો સવાલ એ ઊભો થાય છે કે શું 21મી સદીના ભારતમાં પિતૃસત્તાત્મકતા ખરેખર એ જ જૂના, જડ  સ્વરૂપમાં મોજૂદ છે કે પછી આ મુદ્દાને માત્ર એક રાજકીય હથિયાર બનાવીને રજૂ કરવામાં આવી રહ્યો છે?


ભારતીય સામાજિક માળખું ઐતિહાસિક રીતે પુરુષપ્રધાન રહ્યું છે એ વાતનો અસ્વીકાર થઈ શકે તેમ નથી. ભૂતકાળમાં સ્ત્રીઓની સ્વતંત્રતા, શિક્ષણ,નિર્ણય લેવાના અધિકારો અને આર્થિક આત્મનિર્ભરતા પર અનેક મર્યાદાઓ હતી, પરંતુ છેલ્લા એક-દોઢ દાયકામાં ભારતીય સમાજમાં જે પરિવર્તન આવ્યું છે તે અદ્ભુત અને અભૂતપૂર્વ છે. 


આજે શિક્ષણ ક્ષેત્રે છોકરીઓ છોકરાઓ કરતાં આગળ નીકળી રહી છે. કૉર્પોરેટ ક્ષેત્ર, આઇટી, વિજ્ઞાન, તબીબી સેવાઓ, વહીવટી સેવાઓ (IAS-IPS)થી લઈને આર્મડ ફોર્સિસઅને ફાઈટર જેટ ઉડાડવા સુધીનાં ક્ષેત્રોમાં ભારતીય નારી પોતાની ક્ષમતા સાબિત કરી ચૂકી છે. આ પરિવર્તન માત્ર શહેરો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ગ્રામીણ ભારતમાં પણ પંચાયતી રાજમાં સ્ત્રીઓની ભાગીદારી અને મહિલા સ્વસહાય જૂથો (SHGs)એ ગ્રામીણ અર્થતંત્રનું ચિત્ર બદલી નાખ્યું છે.


સામાજિક અને કાનૂની દૃષ્ટિએ જોઈએ તો આજે ભારતનું બંધારણ અને કાયદાકીય માળખું મહિલાઓને અત્યંત મજબૂત સુરક્ષા પૂરી પાડે છે. ઘરેલુ હિંસા વિરોધી કાયદા, કાર્યસ્થળ પર જાતીય સતામણી વિરોધી કાયદા (POSH), મિલકતમાં પુત્રીઓને સમાન હક અને હવે સંસદ તથા વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપતું ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ જેવા ક્રાંતિકારી કાયદાઓએ પિતૃસત્તાના પરંપરાગત કિલ્લાઓને ધ્વસ્ત કરી દીધા છે. જ્યારે રાજ્ય અને કાયદો સ્વયં મહિલાઓના સશક્તીકરણ માટે આટલી મજબૂતીથી ઊભા હોય ત્યારે સમાજને હજુ પણ સંપૂર્ણપણે ‘પીડિત’ અથવા ‘દબાયેલો’ દર્શાવવો એ વાસ્તવિકતા કરતાં વધુ અતિશયોક્તિપૂર્ણ લાગે છે.


આ સંજોગોમાં જ્યારે ડાબેરી અથવા સ્યુડો-લિબરલ વિચારકો દ્વારા ‘સ્મેશ ધ પેટ્રીઆર્કી’નો ઘોષ કરવામાં આવે છે ત્યારે તે ઘણીવાર પશ્ર્ચિમી નારીવાદની આંધળી નકલ જેવો જણાતો હોય છે. પિશ્ર્ચિમનો નારીવાદ પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધોને સંઘર્ષ અને સ્પર્ધાનાં ચશ્માંથી જુએ છે, જ્યાં સ્ત્રી મુક્તિ માટે પુરુષ અને પરિવાર વ્યવસ્થાનો સંપૂર્ણ વિરોધ જરૂરી માનવામાં આવે છે. તેનાથી વિપરીત, ભારતીય સામાજિક દૃષ્ટિકોણ પૂરકતા પર આધારિત છે, જ્યાં સ્ત્રી અને પુરુષને એક્મેક્ના પૂરક માનવામાં આવ્યા છે, વિરોધી નહીં. સંસ્કૃતિના નામે કુરિવાજો કે શોષણનું સમર્થન ન થઈ શકે, પરંતુ સમગ્ર ભારતીય કૌટુંબિક વ્યવસ્થા, સંસ્કારો અને પરંપરાઓને માત્ર ‘પિતૃસત્તાત્મક’ કહીને તેને નકારી દેવી એ ભારતીય સામાજિક તાણાવાણાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.


રાજકીય દૃષ્ટિકોણથી આ મુદ્દાનું મૂલ્યાંકન કરીએ તો વિપક્ષી દળો માટે ‘પેટ્રીઆર્કી’ એ રાષ્ટ્રીયતા, પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત શાસક પક્ષ કે રાઇટ વિંગની વિચારધારાને ઘેરવાનું એક સરળ માધ્યમ બની ગયું છે. રાઇટ વિંગ જ્યારે સંસ્કૃતિ, પરંપરા અને પરિવાર ભાવનાની વાત કરે છે ત્યારે તેને ‘પિતૃસત્તાત્મક’ અને ‘મહિલા વિરોધી’ ચિત્રિત કરવાનો પ્રયાસ થાય છે, પરંતુ આ રાજકીય વિમર્શમાં એ તથ્ય છૂપી જાય છે કે વર્તમાન સમયમાં મહિલાઓ માટેની યોજનાઓ જેમ કે ઉજ્જવલા યોજના, માતૃત્વ વંદના, લાડલી બહેના જેવી કલ્યાણકારી યોજનાઓ અને ડિજિટલ સક્ષમતાએ મહિલાઓને જનસંખ્યાના એક મોટા અને નિર્ણાયક ‘વોટબેંક’ તરીકે સ્થાપિત કરી દીધી છે. આજે દરેક રાજકીય પક્ષ મહિલા મતદારોને આકર્ષવા માટે સ્પર્ધા કરી રહ્યો છે જે દર્શાવે છે કે મહિલાઓ હવે રાજકારણના કેન્દ્રમાં છે.


આમ છતાં એવું નથી કે સમાજમાંથી તમામ સમસ્યા સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે. આજે પણ દેશના કેટલાક ગ્રામીણ કે પછાત ભાગોમાં જાતિગત ભેદભાવ, ક્ધયા ભ્રૂણહત્યાની માનસિકતા, સુરક્ષાની ચિંતાઓ કે સ્ત્રીઓને નિર્ણય લેવામાં મર્યાદિત સ્વતંત્રતા જેવા પ્રશ્ર્નો હજુ મોજૂદ છે, પરંતુ આ પ્રશ્ર્નોેનો ઉકેલ સૂત્રોચ્ચાર કરવાથી કે સમાજમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે વિભાજન ઊભું કરવાથી લાવવો શક્ય નથી. તેના માટે સકારાત્મક શિક્ષણ, આર્થિક આત્મનિર્ભરતા અને સામાજિક માનસિકતામાં ધીમે ધીમે આવતા સુધારાની જરૂર છે.


ટૂંકમાં એટલું ચોક્કસ કહી શકાય કે આજના આધુનિક ભારતમાં પિતૃસત્તાત્મકતા કોઈ એકછત્ર કે સર્વોપરી સત્તા તરીકે અસ્તિત્વ ધરાવતી નથી, પરંતુ તે એક બદલાતા સમાજનો એક નાનો ભાગ છે જે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો છે. ‘સ્મેશ ધ પેટ્રીઆર્કી’ જેવા વિદેશી અને આક્રમક સ્લોગનો વાસ્તવિક ભારતીય સામાજિક પરિવર્તનને રજૂ કરવાને બદલે માત્ર એક રાજકીય નરેટિવ સેટ કરવાનો પ્રયાસ વધુ લાગે છે. સાચું નારી સશક્તીકરણ પુરુષો સામે લડાઈ લડવામાં નથી, પરંતુ સ્ત્રી અને પુરુષ બંને સાથે મળીને એક સમાન, ન્યાયી અને સુમેળભર્યા સમાજનું નિર્માણ કરે તેમાં જ રહેલું છે.