(અમારા પ્રતિનિધિ તરફથી)
વડોદરા: ગુજરાતમાં વૈશાખ મહિનાની આકરી ગરમી પડી રહી છે. રાજ્યના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ચૂક્યો છે. વડોદરામાં પણ તાપમાનનો પારો 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. ત્યારે આકરી ગરમીની અસર માત્ર માણસો નહિ પણ પ્રાણીઓ પર પણ થઈ રહી છે. તેને ધ્યાને લઈને સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના મેનેજમેન્ટ દ્વારા પ્રાણીઓના આરામ, આરોગ્ય અને સલામતી માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓએ પાણીનો છંટકાવ કરવાથી લઈને તેમને મોસમી ફળો આપવા અને બરફના બ્લોક્સ મૂકવા જેવા કામોથી પ્રાણીઓને ગરમીથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર ડૉ. પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, "ઉનાળાની અસહ્ય ગરમીમા પ્રાણીઓને ડિહાઇડ્રેશન અને થાકથી બચાવવા માટે અમે અનેક પગલાંઓ લીધાં છે.

જેમ કે સંગ્રહાલયમાં સતત પાણીનો છંટકાવ, પક્ષીગૃહની અંદર ફોગર્સ, પાંજરાની અંદર બરફના બ્લોક્સ મૂકવા, કૃત્રિમ છાંયડાવાળા વિસ્તારો બનાવવા અને પ્રાણી સંગ્રહાલયના પરિસરમાં ઠંડકની અસર માટે તેમને ભીના કરવા આ સાથે પ્રાણીઓને રસદાર મોસમી ફળો અને શાકભાજી પૂરા પાડવામાં આવી રહ્યા છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે આ ઉપરાંત ડિહાઇડ્રેશન અને થાકને રોકવા માટે પાણીમાં ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન્સ અને મિનરલ સપ્લિમેન્ટ્સ ભેળવવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ કુદરતી રીતે પોતાને ઠંડુ કરી શકે તે માટે એન્ક્લોઝરની અંદરના પૂલ અને જળાશયોને નિયમિતપણે સાફ અને રિફિલ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પશુચિકિત્સા ટીમો ચોવીસ કલાક પ્રાણીઓના સ્વાસ્થ્ય અને વર્તન પર નજીકથી નજર રાખી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.