Tue Sep 08 2026

Logo

વડોદરામાં પેટાચૂંટણી દરમિયાન કૉંગ્રેસ-ભાજપના કાયકરો વચ્ચે ઝપાઝપી

2026-07-30 19:21:00
Author: Pooja Shah
વડોદરામાં પેટાચૂંટણી દરમિયાન કૉંગ્રેસ-ભાજપના કાયકરો વચ્ચે ઝપાઝપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
વડોદરામાં એકમાત્ર માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી દરમિયાન કૉંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. અહીંના પંચશીલ વિદ્યાલય સ્થિત મતદાનમથક નજીક ભાજપ-કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા હતા. કૉંગ્રેસના આક્ષેપો અનુસાર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા વગાડી, પક્ષનો ખેસ પહેરી પ્રચાર કરી રહ્યા હતા. આ મામલે કૉંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવતા મામલો બોલાચાલીમાંથી મારામારી સુધી પહોંચી ગયો હતો. 

કૉંગ્રેસે આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવી આક્ષેપો કર્યા હતા. તો ભાજપના નેતાઓએ કૉંગ્રેસના કાર્યકરો પર આક્ષેપો કરી બૂથ કેપ્ચરિંગના પ્રયાસોના આક્ષેપો કર્યા હતા. જોકે બન્નેએ એકબીજાના આક્ષેપો નકાર્યા હતા. બન્ને વચ્ચે થયેલી મારામારી બાદ માહોલ ગરમાતા સુરક્ષાદળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુરુવારે વડોદરામાં માંજલપુર વિધાનસભાની બેઠક માટે મતદાન યોજાયું હતું.